GST ચોરી કૌભાંડમા મોરબી સીરામીક સાથે સંકળાયેલા ચારની ધરપકડ

0
315
/

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સામખિયારી ચેકપોસ્ટ નજીકથી શંકાસ્પદ ટ્રક ઝડપી લીધા બાદ કૌભાંડ ઉપરથી પરદો ઉચકાયો: અત્યાર સુધીમાં ૧૩૦૫ ટ્રક માલની હેરફેર પણ કરી નાખી

ઊંડાણ પૂર્વક તપાસ થાય તો મોરબીની અનેક હસ્તી અને મોટી કંપનીના કરતૂતો પણ બહાર આવે તેવી સંભાવના

મોરબી : હાલ સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરનાર, કરચોરી કરનાર મોરબીના ચાર શખ્સોને ઝડપી લઈ કરોડોની જીએસટી ચોરી ઉપરથી પરદો ઊંચક્યો છે, સ્ટેટ જીએસટી ટીમે ઝડપી લીધેલા મોરબીના ચારેય ભેજાબાજોએ અત્યાર સુધીમાં ૧૩૦૫ જેટલી ટ્રકોની હેરફેર કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે આ પ્રકરણમાં જો ઊંડાણ પૂર્વક તપાસ કરવામાં આવે તો મોરબીની અનેક ટોચની નામી કંપનીઓ સુધી રેલો પહોંચે તેમ હોવાનું મનાઈ રહ્યું છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગની મોબાઈલ સ્કવોડ દ્વારા સામખીયાળી ખાતે મોરબીથી રવાના થયેલ ટ્રક રોકી બીલ તથા માલ રવાનગીના પુરાવાની ચકાસણી કરતા પુરતા પુરાવા ન હોવાથી વાહનની અટકાયત કરેલ, પ્રાથમિક ચકાસણી દરમ્યાન જે પેઢીના નામે બીલ બનાવેલ તે પેઢી શંકાસ્પદ જણાઈ આવેલ તદઉપરાંત વિભાગને તે પણ જાણવા મળેલ કે આજ રીતે અગાઉ જુદી-જુદી તારીખોમાં સદર પેઢી દ્વારા રવાના કરેલ વાહનની અટકાયત કરવામાં આવેલ હતી.

દરમિયાન જીએસટી વિભાગે ઝડપી લીધેલા વાહન છોડાવવા માટે આવેલ અવિનાશભાઈ લક્ષ્મણભાઈ માકાસણાની પુછપરછ હાથ ધરતા બોગસ પેઢીનું બિલ તેને કિશન અઘારા, ઘવલ કુલતરીયા તથા ધ્રુવ વારોનેશિયા નામના વ્યકિતઓએ આપેલ છે તેમ જણાવેલ, જેથી કિશન અધારાના સ્થળ ઉપર તેમજ ધવલ કુલતરીયાના સ્થળ ઉપર સર્ચની કાર્યવાહી કરવામાં આવેલ, ત્યારબાદ કિશન અઘારા, ધ્રુવ વરોનેશીયા, ધવલ કુલતરીયા અને અવિનાશ માકાસાણાની પુછપરછ પણ કરવામાં આવેલ.

ચોંકાવનારી વાત તો એ છે કે જે જીએસટી ચોરી કરતી આ ચંડાળ ચોકડીના મોબાઇલની ફોરેન્સીક તપાસ કરતાં તેમના મોબાઇલના ડેટામાંથી ઘણી બધી સંખ્યામાં આ ચારેય આરોપીઓ દ્વારા બીલ વગર માલ ગુજરાત અને ગુજરાત બહાર મોકલી કરચોરી, કરવાનું મોટું કૌભાંડ વિભાગના ધ્યાને આવેલ, પ્રાથમિક દ્રષ્ટિએ આ ડેટાનો અભ્યાસ કરતાં જણાય આવેલ છે કે, આરોપીઓ દ્વારા ૧૩૦૫ વાહનોમાં સિરામીક ટાઈલ્સનો ગુજરાત, દિલ્લી, રાજસ્થાન, હરિચાણા, ઉત્તર પ્રદેશ તથા બીજા અન્ય રાજ્યોના વિવિધ સ્થળો પર મોરબી અને તેના આસપાસના વિસ્તારોમાં આવેલ સિરામીક ટાઇલ્સના મેન્યુફેકચરીંગ યુનિટસમાંથી બિન હિસાબી રીતે માલની સપ્લાય કરવામાં આવતી હતી જેની કુલ રકમ ૩૯.૮૯ કરોડ અને કરચોરીની સંડોવાયેલ રકમ રૂ ૭.૧૮ કરોડ થાય છે.

ઉપરાંત આરોપીઓએ નિવેદનમાં પણ આ બાબતનો સ્વિકાર કરેલ કે તેઓએ બીલ વગર માલ રાજ્ય બહાર મોકલવાની મોડસ ઓપરેન્ડીથી કરચોરીનું મોટુ કૌભાંડ આચરેલ છે. તેથી આ કરચોરીના વ્યવહારોની વધુ ઉંડાણપૂર્વકની ચકાસણી માટે સદર ચારેય આરોપીઓની ગુજરાત જી.એસ.ટી અધિનિયમની કલમ-૬૯ અન્વયે ધરપકડ કરવામાં આવેલ છે.

આમ બોગસ બીલિંગના મસમોટા કૌભાંડમાં હાલ જીએસટી વિભાગે ધ્રુવ અશોકભાઈ વરોનેશીયા, કિશન મણીલાલ અઘારા, અવિનાશ લક્ષ્મણભાઈ માકાસાણા અને ઘવલ પ્રવિણભાઇ ફુલતરીયા, રહે.તમામ મોરબીવાળાની ધરપકડ કરી એડીશનલ ચીફ મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટ સાહેબ અમદાવાદની કોર્ટમાં રજુ કરવામાં આવેલ છે અને આરોપીઓ દ્વારા કરવામાં આવેલ કરચોરીની વધુ ઉંડાણપૂર્વક તપાસ કરવા નામદાર કોર્ટ સમક્ષ કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની માંગણી કરતા હજુ પણ આ જીએસટી ચોરી નો આંકડો મોટો થઈ શકે તેમ હોવાનું અને મોરબીની અનેક મોટી કંપનીઓ તેમજ હસ્તીઓના નામ ખુલે તેમ હોવાનું પણ મનાઇ રહ્યું છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/