હળવદ પાલિકાની તિજોરી ઉપર જેસીબી ફેરવવાનું કૌભાંડ

0
77
/
રાજ્યપાલના આગમન સમયે તેમજ અન્ય છ એકર જમીન સાફસફાઈ કરવાના કામમાં 5 લાખનું બિલ રજૂ થયુ અને બરોબર મંજુર પણ થઈ ગયું !!
બહુચર્ચિત સિંચાઇ કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટરનું પરાક્રમ : પાલિકાના એન્જીનીયર, એકાઉન્ટન્ટ અને એસઆઈને રિકવરી મામલે નોટિસ

હળવદ : હાલ હળવદ નગર પાલિકાના બે અલગ- અલગ કામમાં જેસીબીથી જમીન સમથળ કરવાના 120 કલાકના કામમાં ગોબચારી કરી સિંચાઇ કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટર અને પાલિકાના એન્જીનીયર, એકાઉન્ટન્ટ અને એસઆઈ દ્વારા મિલીભગત આચરી પાંચ લાખથી વધુનું કૌભાંડ આચરી દિવાળી સમયે ગુપચુપ બિલ પણ મંજુર કરી દેવાતા પાલિકાની તિજોરી ઉપર જેસીબી ફેરવવાના આ કૌભાંડથી ચોકી ઉઠેલા ચીફ ઓફિસરે રિકવરીના આદેશ સાથે તમામને નોટીસ ફટકારતા પાલિકામાં હડકંપ મચી ગયો છે.

હળવદ પાલિકા દ્વારા એસટીપી વર્ક અને રાજ્યપાલના આગમન સમયે જેસીબીથી જમીન સમથળ કરવાના કામમાં 120 કલાક જેવું જ કામ થયું હોવા છતાં રૂપિયા પાંચ લાખથી વધુનું બિલ મંજુર કરી દેવામાં આવ્યું હોવાનું નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાના ધ્યાન ઉપર આવતા આ મામલે તપાસ શરૂ કરી જેસીબી કોન્ટ્રાકટર ગણેશ રાઠોડ, પાલિકાના ઈજનેર, એકાઉન્ટન્ટ અને એસઆઈને નોટિસ ફટકારી ચૂકવાયેલ બીલ સાત દિવસમાં પરત જમા કરાવવા આદેશ આપ્યો છે.બીજી તરફ આ મામલે હળવદ પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાનો સંપર્ક સાધતા તેમને ઉમેર્યું હતું કે રાજ્યપાલના આગમન સમયે રસ્તો સમથળ કરવાના અને અગાઉ પાલિકા દ્વારા છ એકર જમીન લેવલ કરવાના કામ માટે 645 રૂપિયાના ભાવથી જે કામ આપવામાં આવ્યું હતું તેમા થયેલા કામ કરતા વધુ કલાકોની કામ દર્શાવી દિવાળી સમયે એકાઉન્ટન્ટ દ્વારા ફટાફટ પાંચ લાખથી વધુના બિલને ચકાસણી કે ખરાઈ કર્યા વગર જ મંજુર કરી દેવામાં આવ્યું હતું.

હકીકતમાં પાલિકા દ્વારા જે કામ કરાવવામાં આવ્યું હતું તે 120 કલાક જેટલું જ હોવા છતાં મોટું બિલ રજૂ કરવામાં આવતા હાલમાં ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ જેસીબી કોન્ટ્રાકટર ગણેશ રાઠોડ, એકાઉન્ટન્ટ, એન્જીનીયર અને એસઆઈને નોટિસ ફટકારી સાત દિવસમાં ચૂકવાયેલ બીલના તમામ નાણાં પરત જમા કરાવવા આદેશ કર્યો છે અને જો સાત દિવસમાં નાણાં જમા નહિ થાય તો ફોજદારી રાહે પગલાં ભરવામાં આવશે તેવું પણ સ્પષ્ટ પણે જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે જેસીબી કૌભાંડમાં સંડોવાયેલ કોન્ટ્રાકટર વિરુદ્ધ અગાઉ નાની સીંચાઈ યોજનામાં પણ ગોલમાલ કર્યાના આરોપસર કાર્યવાહી થઈ હતી ત્યારે ફરી પાલિકાને ધુમ્બો મારવાના કૌભાંડમાં નામ ઉછળતા નવા જુનીના સંકેતો મળી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/