વવાણિયા ગામે રામબાઈમાંની જગ્યામાં પ્રવાસન સુવિધાના ત્રણ કરોડના કામોનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ

0
215
/
/
/

વવાણીયા માં પરંપરાગત ૧૭મા પાટોત્સવમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતી,ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મભુવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,વડાપ્રધાને આપેલા સૌના સાથ-સૌના વિકાસ-સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરીને કોઈપણ સમાજના વિકાસમાં રાજ્ય સરકાર તેની સાથે રહેવા પ્રતિબદ્ધ છે : ભૂપેન્દ્ર પટેલ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] માળીયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માળીયા તાલુકાના વવાણિયામાં આહીર સમાજ સંચાલિત માતૃશ્રી રામબાઈમાંની જગ્યામાં પ્રવાસી સુવિધાના વિકાસ કામોનો લોકાર્પણ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, કોઈપણ સમાજના વિકાસ માટે આ સરકાર તેની સાથે રહીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસના મંત્રને સાકાર કરવા પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીએ માતૃશ્રી રામબાઈમાંની જગ્યામાં ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા અંદાજે ૩ કરોડ રૂપિયાના ખર્ચે નવનિર્મિત સત્સંગ હોલ, ભોજનાલય અને રસોડાના લોકાપર્ણ કર્યા હતા. તેમણે આ વિસ્તારની આરોગ્ય સુખાકારી માટેના રૂ. ર.૪૮ કરોડના વિવિધ પાંચ વિકાસ કામોની પણ ભેટ નાગરિકોને ધરી હતી.

મુખ્યમંત્રીએ રૂ. ૮૦ લાખના ખર્ચે નવનિર્માણ થયેલા વવાણિયા PHC, રૂ. ૩પ લાખના ખર્ચે તૈયાર થયેલ ર૦ બેડના કોવિડ વોર્ડ ઉપરાંત માળિયા-મિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ. ૩૮.પ૦ લાખના ખર્ચે ર૫૦ એલ.પી.એમ કેપેસિટીના પી.એસ.એ પ્લાન્ટ, ટંકારા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પણ રૂ. ૩૮.પ૦ લાખના ખર્ચે તૈયાર થયેલ પી.એસ.એ પ્લાન્ટ અને રૂ. પ૬ લાખના ખર્ચે નિર્મિત પ૦ બેડના કોવિડ વોર્ડના ઇ-લોકાર્પણ કર્યા હતા.ભૂપેન્દ્ર પટેલે માતૃશ્રી રામબાઈમાંએ સેવાકીય કાર્યોની ટેક અને ભેખ સાથે નિ:સ્વાર્થ ભાવે સમાજસેવાના કામોમાં જોડાઇને સમગ્ર સમાજજીવનને માર્ગદર્શન આપ્યું છે તેની પણ કૃતજ્ઞતાપૂર્વક નોંધ લીધી હતી. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, દરેક સમાજવર્ગો આવા સંત, સેવાવ્રતીઓની પ્રેરણાથી વિકાસ માટે હરહંમેશ પ્રયાસરત રહેતા હોય છે અને સૌરાષ્ટ્ર તો સંતો, શૂરવીરો અને દાતાઓની ભૂમિ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

સૌ સમાજના વિકાસ માટે જરૂરી મદદ-સહાય માટે રાજ્ય સરકારની તત્પરતા દર્શાવતાં મુખ્યમંત્રીએ વિકાસના મુખ્ય આધાર શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાની મહત્વતા સમજાવી હતી. તેમણે આહીર સમાજના સૌ ઉપસ્થિત પશુપાલકો-આહીર પરિવારોને સંબોધતા એમ પણ ઉમેર્યુ કે, રાજ્ય સરકારે આ વર્ષે પ૦૦ કરોડ રૂપિયાની જોગવાઇ સાથે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના જાહેર કરી છે. આના પરિણામે ગૌ શાળાઓની ગૌ માતા સુરક્ષિત રહેશે, સાથોસાથ પ્રાકૃતિક ખેતી-ગાય આધારિત ખેતી એટલે કે રસાયણમુકત ખેતી તરફ વળવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલું આહવાન પણ ગુજરાતમાં સાકાર થઇ શકશે.મુખ્યમંત્રીએ રાજ્ય સરકારે ગાય આધારિત ખેતી માટે એક દેશી ગાય દીઠ માસિક રૂ. ૯૦૦ નિભાવણી ખર્ચ સરકાર આપે છે તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા પ્રાકૃતિક ખેતી બોર્ડની પણ રચના કરી છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.  મુખ્યમંત્રીએ રસાયણયુકત ખેતીથી મુક્તિ મેળવીને સ્વસ્થ માનવજીવન, આવનારી પેઢીની તંદુરસ્તી અને જમીનના સ્વાસ્થ્યની પણ સુધારણા માટે પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, આવી પ્રાકૃતિક ખેતી માટે લોકોને-ખેડૂતોને સમજણથી લઇને નિદર્શનની વ્યવસ્થા આપવાની નેમ રાજ્ય સરકારે રાખી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત દેશના વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે તેને આવા અનેક સફળ આયામોથી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વધુ તેજ ગતિએ સૌ સમાજવર્ગોના સહયોગથી વિકાસ રાહે આગળ લઇ જવાની નેમ દર્શાવી હતી. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનું લક્ષ્ય પાર પાડવા પણ તેમણે આહવાન કર્યુ હતું.

શ્રમ, રોજગાર અને પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાએ આહીર સમાજ સંચાલિત આ માતૃશ્રી રામબાઈમાંની જગ્યાની સેવાપ્રવૃત્તિઓની સરાહના કરી હતી. તેમણે પ્રાસંગિક સંબોધનમાં કહ્યું કે, રાજ્ય સરકારે મોરબી-માળિયા વિસ્તારના સર્વગ્રાહી વિકાસ માટે સતત ખેવના રાખીને આયોજનો પણ કર્યા છે. આ વર્ષે ૩૮ કરોડ રૂપિયાના ખર્ચે સિંચાઇ માટેની યોજનાથી ૧પ૦૦ હેક્ટર જમીનને લાભ આપવાનું બજેટ પ્રાવધાન પણ કરેલું છે.રાજ્યમંત્રીએ માળિયા, ટંકારા, વવાણિયાને મળેલી આરોગ્ય સુવિધાની ભેટથી સમગ્ર વિસ્તારમાં લોકોની આરોગ્ય સુખાકારી માટે સરળતા થઇ છે તેનો પણ હર્ષ વ્યક્ત કરી મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

આહીર સમાજના પ્રમુખ અને પૂર્વમંત્રી જવાહરભાઇ ચાવડા, પૂર્વ મંત્રી  વાસણભાઇ આહીર, સાંસદ  પૂનમબહેન માડમ વગેરેએ પણ આહીર સમાજના આ શ્રદ્ધા-આસ્થા કેન્દ્રમાં પ્રવાસી સુવિધાના કામો આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારનો આભાર પ્રાસંગિક સંબોધનોમાં કર્યો હતો.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આધ્યાત્મીક ગુરૂ શ્રીમદ રાજચંદ્રના જન્મ સ્થળ શ્રીમદ રાજચંદ્ર જન્મ ભુવનની પણ વવાણિયામાં મુલાકાત લઇને શ્રીમદ રાજચંદ્રજીના જીવન-કવન વિશે જાણીને કૃતજ્ઞતા અનુભવી હતી.

સાંસદ મોહનભાઇ કુંડારિયા, માતૃશ્રી રામબાઈમાં જગ્યાના મહંત પ્રભુદાસજી, કિશનદાસજી, જિલ્લા પંચાયત જુનાગઢના પ્રમુખ શાંતાબેન ખટારીયા, અગ્રણી રઘુભાઈ હુંબલ, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા, મહામંત્રીઓ જયુભા જાડેજા, જેસંગભાઈ હુંબલ, મગનભાઈ વડાવીયા વાઇસ ચેરમેન માર્કેટિંગ યાર્ડ મોરબી, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, લાખાભાઈ જારીયા પ્રમુખ મોરબી શહેર ભાજપ, મહંત જગન્નાથજી મહારાજ, જસુભાઇ હરિભાઈ રાઠોડ, જેઠાભાઈ રમુભાઈ મિયાત્રા, ઉગાભાઇ સુખાભાઈ રાઠોડ, જેસંગભાઈ મુળુભાઈ હુંબલ, પુનાભાઈ ગોવિંદભાઈ મૈયડ સહિત મોટી સંખ્યામાં આહીર સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner