જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ

0
498
/

(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયા છે. એસપીના આકરા વલણથી પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે.

નાવની વિસ્તૃત વિગત મુજબ પ્રાપ્ત માહિતી અનુસાર કાલાવડ તાલુકા મથકનાં મહિલા ફોજદાર વઘાસીયા તથા પોલીસ સ્ટાફ કાલાવડ ટાઉનનાં મેઈન બજાર વિસ્તારમાં ચેકિંગમાં હતા તે દરમ્યાન ત્યાંથી માસ્ક પહેર્યા વિના પસાર થતા યુવાનની પૂછપરછ કરતા યુવાન પોતે મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતો હતો અને પોતાનું નામ નિશાંત ઘનશ્યામ ઉદેશી જણાવ્યું હતું. યુવકે પોલીસ સાથે રકઝક દરમિયાન ઉગ્રતાભર્યું વર્તન કરી કહ્યું હતું કે “તમે દરરોજ માસ્ક પહેરો છો માટે મને શું કામ કહો છો ? તમે શા માટે માસ્ક માટે હેરાન કરો છો?
જેથી તેને પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં પોલીસ કર્મીઓએ ખાખીને લજવતું કામ કર્યું, નિશાંતને બેફામ માર માર્યો. આ વાત યુવાનના પિતા ધનશ્યામભાઈ સુધી પહોંચતા તેઓ પણ તુરંત પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને નિશાંતને ન મારવા આજીજી કરી. જોકે, માનવતા અને ખાખીના અનુશાસનને ભૂલી બેઠેલા પોલીસ કર્મીઓએ ઘનશ્યામભાઈને પણ માર માર્યો હતો.

સમગ્ર ઘટનાની વાત કાલાવડ ગામના વાયુ વેગે પ્રસરી ગઈ હતી. જેને પગલે વેપારી આગેવાનોનો પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. તે સાથે નાગરિકોનું એક સમૂહ પણ પોલીસ મથકે ઘસી આવ્યું હતું. સત્તાને અત્યાચારનું સાધન સમજી બેઠેલા પોલીસ કર્મીઓને પરસેવો વળી ગયો હતો અને તુરંત હેડ ક્વાર્ટરમાં જાણ કરતા તંગદિલી સર્જાય એ પહેલાં જ ખુદ જીલ્લા પોલીસ વડા શરદ સિંઘલ અને ડીવાયએસપી કૃણાલ દેસાઈ સહિતનો કાફલો કાલાવડ પહોંચ્યો હતો. અને ઇજાગ્રસ્ત પિતા-પુત્રને સારવારમાં પ્રથમ કાલાવડ દવાખાના બાદ રાજકોટ સિવિલમાં ખસેડવા વ્યવસ્થા કરી હતી. તેમજ ઉગ્ર બનેલા વેપારી આગેવાનો સાથે ચર્ચા કરી હતી. વેપારીઓની માગ હતી કે બેફામ બનેલા ચાર પોલીસ કર્મીઓને તત્કાળ સસ્પેન્ડ કરવામાં આવે. એસપીએ સ્થાનિક પોલીસ સ્ટાફ પાસેથી વિગતો મેળવી હતી અને કસુરવાર હેડ કોન્સ્ટેબલ વાસુદેવસિંહ જાડેજા, લોકરક્ષક ભરતસિંહ ક્યોર, નિકુંજભાઈ પટેલ અને અશોકસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા હતા તેમજ ચારેય સામે આઈપીસી કલમ 323 અને 144 મુજબ ગુનો નોંધવા આદેશ કરાતા મામલો થાળે પડ્યો હતો.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/