રથયાત્રાના આયોજકોએ ભરવાડ સમાજને ઘરોમાં રહીને મચ્છુ માતાની આરાધના કરવાની અપીલ કરી
મોરબી : મોરબીમાં દર વર્ષે સમસ્ત ભરવાડ સમાજ દ્વારા અષાઢી બીજના પાવન પ્રસંગે મચ્છુ માતાની ભવ્ય રથયાત્રા નીકળે છે. પણ આ વર્ષે કોરોના વાયરસને કારણે અષાઢી બીજે યોજાતી મચ્છુ માતાની રથયાત્રા પ્રથમ વખત મોકૂફ રાખવામાં આવી છે અને રથયાત્રાના આયોજકોએ ભરવાડ સમાજને ઘરોમાં રહીને મચ્છુ માતાની આરાધના કરવાની અપીલ કરી છે.
મોરબીમાં આવેલ મચ્છુ માતાની જગ્યાના મહંત અને મચ્છુ માતાજીની રથયાત્રા મહોત્સવના આયોજક ગાંડુભગત બીજલભગતએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં માહિતી આપી હતી કે ભરવાડ અને રબારી સમાજના મચ્છુ માતાજી આરાધ્ય દેવી છે. એટલે આ સમાજના વસાહતોમાં મચ્છુ માતાના મંદિરો આવેલા છે. મચ્છુ માતાજીનું પ્રાગટય થયું હોય, વર્ષોથી ભરવાડ અને રબારી સમાજ મચ્છુ માતાજીની આરાધના કરે છે. ખાસ કરીને વર્ષોથી અષાઢી બીજના પાવન પર્વને મોરબીના સમસ્ત ભરવાડ અને રબારી સમાજ મચ્છુ માતાના પ્રાગટય દિવસ તરીકે ઉજવણી કરે છે. છેલ્લા 20 વર્ષથી મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાના પ્રાગટય દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવે છે અને મહેન્દ્રપરામાં આવેલ મચ્છુ માતાના મંદિરેથી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોરબી સહિત ગામે-ગામેથી ભરવાડ અને રબારી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ રથયાત્રામાં માનવ સાગર લહેરાય તે રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. ત્યારે આ વખતે કોરોના સંક્રમણ અટકાવવા માટે ભીડના જોખમથી બચવા આગામી અષાઢી બીજની મચ્છુ માતાજીની રથયાત્રાનો પ્રથમ વખત મોકૂક રાખવામાં આવી છે. કોરોના વાયરસ અંગેની સરકારની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આથી, આ વખતે મચ્છુ માતાની રથયાત્રા નીકળશે નહિ. જ્યારે અન્ય અગ્રણીઓ રમેશભાઈ હાજાભાઈ અને ધારાભાઈ નાજાભાઈએ જણાવ્યું હતું કે દર વર્ષે મચ્છુ માતાની રથયાત્રામાં 50 હજારથી વધુ લોકો ઉમટી પડે છે અને રથયાત્રાના રૂટ ઉપર પાણી સરબત સહિતના ઠંડાપીણા તેમજ મહાપ્રસાદ સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. આથી, સમસ્ત સમાજ અને મોરબીવાસીઓને આ વખતે કોરોના વાયરસને લઈને મચ્છુ માતાની રથયાત્રા રદ કરાઈ હોય સરકારની ગાઈડ લાઈનનું પાલન કરી ઘરોમાં જ રહીને મચ્છુ માતાજીની આરાધના કરવાની ખાસ અપીલ કરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide