રહીશોની રજૂઆતને પગલે ચીફ ઓફિસરે વરસાદી પાણીના યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી
મોરબી : તાજેતરમા મોરબીમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને પગલે કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. છેલ્લા ત્રણ વર્ષથી આ વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સર્જાતી હોવાથી સોસાયટીઓના રહીશો આજે પાલિકા કચેરીએ દોડી ગયા હતા અને ચીફ ઓફિસર સમક્ષ તેમના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. આથી, સ્થાનિક સોસાયટીઓના રહીશોની રજુઆતને પગલે ચીફ ઓફિસર વરસાદી પાણી યોગ્ય નિકાલ કરવાની ખાતરી આપી હતી.
કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી આસપાસની સોસાયટીના રહીશો આજે વરસાદી પાણીના નિકાલના પ્રશ્ને પાલિકા કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા અને ચીફ ઓફિસર સમક્ષ રજૂઆત કરી હતી કે અવની ચોકડીથી અવની સોસાયટી સુધીના મુખ્યમાર્ગ તથા આસપાસની મયુર પાર્ક, અવની પાર્ક, અમૃત વાટીકા, રમ્ય વાટીકા સહિતની સોસાયટીમાં વરસાદના પાણી ઘુસી ગયા હતા. ગઈકાલે પડેલા ભારે વરસાદમાં નદીમાં પુર આવ્યું હોય તે રીતે 3 થી 4 ફૂટ જેટલા પાણી મુખ્યમાર્ગ અને સોસાયટીઓમાં ભરાય ગયા હતા. જેથી, સોસાયટીના રહીશોનો બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેથી, સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાય ગયા હતા.
અવની ચોકડી અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ત્રણ વર્ષથી દર ચોમાસે ભારે વરસાદમાં આવી કપરી હાલત થાય છે. બહારના અમુક વોકળા, આસપાસના ખેતરો કે આજુબાજુના ગામોના તળાવ ઓવરફ્લો થવાના કારણે તેના પાણી અવની ચોકડી અને આસપાસની સોસાયટીમાં ઘુસી જાય છે અને આ વરસાદી પાણી એટલી હદે ઘુસી જાય છે કે આ વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થઈ જતો હોવાથી અવરજવર કરતી વખતે વાહનોમાં ઘણી નુકશાની આવે છે. વધુ પાણી આવવાથી આ રોડ પરની ગેસની લાઈન અને પાણીની લાઈન તૂટી ગઈ છે. તેમજ રોડ પર ખાડા પડી ગયા છે. આથી, વરસાદી પાણીનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. જેને પગલે ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ આ બાબતે યોગ્ય પગલાં લેવાની ખાતરી આપેલ હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide