મોરબી : માર્કેટિંગ યાર્ડ પાસે ગાંઠિયાની દુકાન પાસે સશસ્ત્ર મારામારીનો બનાવ

0
707
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
ઘાયલ યુવાનને સારવાર અર્થે રાજકોટ ખસેડાયો : બનાવનું કારણ અકબંધ : હુમલાખોર પૈકી એક સગીરને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયો

મોરબી : ગત શુક્રવારે મોડી રાત્રે શનાળા રોડ પર માર્કેટિંગ યાર્ડ નજીક ગાંઠિયાની દુકાન ધરાવતા યુવાન પર ત્રણ શખ્સોએ ઘાતક હથિયારો વડે હુમલો કરતા સૌ પ્રથમ ઘાયલ યુવાનને મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો છે. ઇજાગ્રસ્ત યુવાન હજુ બેશુદ્ધ અવસ્થામાં હોય બનાવનું સાચું કારણ તેના નિવેદન બાદ સામે આવશે. હાલ મોરબી એ. ડીવી. પોલીસ સ્ટાફ રાજકોટ ખાતે યુવાનનું નિવેદન લેવા પહોંચ્યો હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળે છે.

પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ શનાળા રોડ સ્થિત માર્કેટિંગ યાર્ડ નજીક જય ગાંઠિયા રથ નામની દુકાન ધરાવતા અને રવાપર રેસિડેન્સીમાં રહેતા 46 વર્ષીય સંજયભાઈ હીરાભાઈ સોમૈયા નામના યુવાન પર ગત રાત્રીના (શુક્રવારે) અગિયારેક વાગ્યાના સુમારે સાગર ઉર્ફે ચોટી, એક સગીર આરોપી અને કુલદીપ ઉર્ફે ગેંડો (સરદારજી)એ છરી અને ધોકા વડે હુમલો કરતા ગાંઠિયા રથનો દુકાનદાર ઘાયલ થયો હતો. સૌ પ્રથમ મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્ત યુવાનને બેશુદ્ધ અવસ્થામાં રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો છે. તો સામા પક્ષે હુમલો કરનાર ત્રણ શખ્સો પૈકી રણછોડનગર, લાયસન્સ નગર ખાતે રહેતો એક સગીર પણ ઇજાગ્રસ્ત હાલતમાં પ્રથમ મોરબી અને બાદમાં રાજકોટ ખાતે ખસેડાયો હતો.

આ બનાવ સંદર્ભે વધુ ચોંકાવનારી એક બીજી હકીકત સામે આવી છે કે ગાંઠિયા રથ ધારક યુવાન પર હુમલો કર્યા પૂર્વે હુમલાખોરોએ લાતીપ્લોટ વિસ્તારમાં પણ ધડબડાટી બોલાવી હતી. જેમાં ઉપરોક્ત ત્રણ આરોપીઓ પૈકી એક ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસ ફરિયાદ હજુ નોંધાઇ ન હોય અને આરોપીઓ તેમજ ઇજાગ્રસ્ત યુવાનના નિવેદનો લેવાના બાકી હોય વધુ વિગતો મેળવાઈ રહી છે. પણ જે રીતે મોરબી શહેરમાં ખુલ્લેઆમ ઘાતક હથિયારો વડે હુમલાના બનાવ બનતા અને બન્ને બનાવમાં એક જ આરોપીઓની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. એ.ડીવી. પોલીસ સ્ટે.ના પીઆઇ. બી.જી. સરવૈયા તથા રાઇટર મહેન્દ્રસિંહ સહિતનો સ્ટાફ ફરિયાદ નોંધવા માટે રાજકોટ હોસ્પિટલે પહોંચ્યો છે ત્યારે વિધિવત બન્ને પક્ષોની ફરિયાદ નોંધાયા બાદ બનાવનું કારણ માલુમ થશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/