મોરબી : હાલ મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે મોરબી ખાતે ગત તા.27ના રોજ આયોજિત સભામાં કોમ – કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરનાર કાજલબેન હિન્દુસ્તાની નામના મહિલા વિરુદ્ધ કડક પગલા ભરવા મોરબી સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા માંગ ઉઠાવી જે ધર્મ સ્થાનો તોડી પાડવા ભાષણમાં ઉલ્લેખ કર્યો છે તે સ્થળ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા માંગ ઉઠાવી છે.
સુન્ની મુસ્લિમ સમાજ મોરબીના અગ્રણી ગુલામ હુસેન એ.પીલુડિયાની આગેવાની હેઠળ આજે મોરબી જિલ્લા પોલીસવડા, જિલ્લા કલેકટર અને તાલુકા પોલીસ ઇન્સ્પેકટર સહિતના અધિકારીઓને આવેદનપત્ર પાઠવી મોરબીમાં આયોજિત જાહેર સભામાં કાજલબેન હિન્દુસ્તાની તરીકે ઓળખાતા મહિલા દ્વારા કોમી વૈમનસ્ય ફેલાઈ અને કોમી શાંતિ ડહોળાઈ તેવું ઉશ્કેરણી જનક ભાષણ કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરી મુસ્લિમ સમાજના ધર્મસ્થાનો તોડી પાડવાનું જણાવાતા શાંતિ જોખમાય હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.વધુમાં આ જાહેર સભામાં કરાયેલ ભાષણ સામે સવાલો ખડા થયા હોવાનું જણાવી સુન્ની મુસ્લિમ સમાજ મોરબી દ્વારા કાજલબેન નામના મહિલા વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરવા માંગ ઉઠાવી તાકીદે જે ધર્મસ્થાનોનો ઉલ્લેખ કરાયો છે તેવા ધર્મસ્થાનો ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવા પણ માંગ ઉઠાવવામાં આવી છે.