મોરબીમાં દારૂ – જુગાર અને શરીર સંબંધી ગુન્હા વધતા હોવાની માહિતી

0
525
/

રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન કરાયું : પોલીસતંત્રને મહત્વપૂર્ણ સૂચના અપાઈ

મોરબી : તાજેતરમા રેન્જ આઈજી દ્વારા મોરબી જિલ્લામાં વાર્ષિક ઇન્સ્પેકશન દરમિયાન ધાડ સહિતના ગુન્હા ઘટ્યા હોવા અંગે સંતોષ વ્યક્ત કરી મોરબી જિલ્લામાં દારૂ, જુગાર અને શરીર સંબંધી ગુન્હાઓ વધવા અંગે પોલીસતંત્રને ટકોર કરી સપ્ટેમ્બર માસમાં મોરબીમાં વધેલા ક્રાઇમરેટ બાદ રેડ એલર્ટ સ્કીમ અન્વયે 47 નાકા પોઇન્ટ બનાવી અલગ- અલગ પોસ્ટ ઉભી કરી ગુન્હાખોરીને અંકુશમાં લાવવામાં આવી હોવાનું જણાવી આગામી દીપાવલીના તહેવારોમાં પોલીસને ટાઉન પેટ્રોલિંગ વધારવા સહિતની બાબતો અંગે સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લા પોલીસની કામગીરીની સમીક્ષા માટે રેન્જ આઈજી સંદીપસિંઘ શુક્રવારે વાર્ષિક ઇન્સ્પેકશનમાં આવ્યા હતા અને મોરબી પોલીસની એલસીબી, એસઓજી અને અન્ય પોલીસ મથકની કામગીરીની સમીક્ષા કર્યા બાદ સાંજે પત્રકાર પરિષદ સંબોધી હતી. રેન્જ આજી સંદીપસિંઘે માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ 2020ની તુલનાએ વર્ષ 2021મા મોરબી જિલ્લાના ધાડના ગુન્હામાં 68 ટકાનો ઘટાડો થયો છે. એ જ રીતે અટકાયતી પગલાનું પ્રમાણ 54 ટકા વધ્યુ છે.

જો કે, તેમને સ્વીકાર્યું હતું કે ગત વર્ષની તુલનાએ વર્ષ 2021માં મોરબીમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિમાં વધારો થયો છે જેમાં જુગારના 7 ટકા કેસો વધ્યા છે તો દારૂના ગુન્હાઓમાં 35 ટકાનો વધારો થયો છે. આ માટે પોલીસને જુગાર પ્રોહીબિશન પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવા જરૂરી સૂચના પણ આપવામાં આવી છે.

દર વર્ષે ઓક્ટોબર માસ દરમિયાન સંબંધિત જિલ્લાની મુલાકાત લેવાતી હોય છે ત્યારે ચાલુ માસે પ્રથમ અઠવાડિયામાં હળવદ પોલીસ મથક અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લઈ જરૂરી પગલાં લેવાયા હોવાનો ઉલ્લેખ કરી રેન્જ આઈજી દ્વારા આજે એલસીબી, એસઓજી અને અન્ય પોલીસ મથકની કામગીરીની સમીક્ષા કરી હોવાનું જણાવી જરૂરી સૂચના આદેશ કર્યા હોવાનું ઉમેર્યું હતું.દરમિયાન ગત સપ્ટેમ્બર માસમાં મોરબીમાં નામચીન વ્યક્તિની હત્યા અને ડબલ મર્ડર બાદ રેડ એલર્ટ સ્કીમ અન્વયે જિલ્લામાં 47 નાકા પોઇન્ટ કાર્યરત કરવાની સાથે ચેકપોસ્ટ ઉપર પણ રાઉન્ડ ધ ક્લોક નજર રાખવામાં આવી રહી હોવાનું જણાવી દિવાળીના તહેવારમાં ટાઉન પેટ્રોલિંગ વધારવાની સાથે બહારગામ ફરવા જતા લોકોના બંધ મકાનોને સુરક્ષિત રાખવા પેટ્રોલિંગ વધારવા પણ સૂચના આપવામાં આવી હોવાનું રેન્જ આઈજી સંદીપસિંઘે અંતમાં જણાવ્યું હતું.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/