મોરબી : ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ જમીન કૌભાંડ આચર્યું, આરોપી ઝડપાયો

0
305
/
જમીનની માંગણી સ્વીકૃત ના થતા નકલી ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરી લેવાનો કર્યો પ્રયાસ : નકલી સરકારી કાગળો અને અધિક કલેકટરની સહી પણ જાતે જ કરી લીધી

મોરબી : મોરબીમાં કલેકટર કચેરીના બનાવટી ડોક્યુમેન્ટ બનાવીને ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ મકનસર ગામની જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં મકનસર ગામની જમીન માટે આ ટ્રાન્સપોર્ટના ધંધાર્થીએ માંગણી કરી હતી. જમીનની માંગણી સ્વીકૃત ના થતા નકલી ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરી લેવા પ્રયાસ કરી નકલી સરકારી કાગળો અને અધિક કલેકટરની સહી પણ જાતે જ કરી લીધી હોવાનું બહાર આવ્યું હતું. આથી, જમીન પચાવી પડવા માટે કારસો રચ્યો હોવાનું ધ્યાને આવતા મામલતદારની ફરિયાદના આધારે એલ.સી.બી.એ આરોપીને ઝડપી લીધો હતો. આથી, એલ.સી.બી.એ માળીયાના નાની બરાર ગામના આ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

આ બનાવની મોરબી એલ.સી.બી. પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના વતની અને હાલ મોરબી-2, નટવર પાર્ક સોસાયટીમાં રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા અઝીઝભાઈ અબ્દુલભાઇ ઠેબાએ જસ્મિન લોજીસ્ટિક પ્રા. લી. નામથી ઔદ્યોગિક ટ્રાન્સપોર્ટ હેતુ માટે મોરબીના મકનસર ગામે સરકારી ખરાબાના સર્વે નંબર 133/1ની જમીનની સરકારમાં માંગણી કરી હતી. પણ આ જમીન માટે પ્રોસેસ ફીના નાણાં ભરપાઈ નહિ કરી શકતા જમીનની ફાળવણીની તેમની અરજી રિજેક્ટ થઈ હતી. આથી, આ શખ્સે મકનસર ગામની જમીન પચાવી પાડવા માટે કારસો રચ્યો હતો. જેમાં તેણે મોરબીની કલેકટર કચેરીમાં વપરાતા લેટરપેડ જેવો બનાવટી લેટરપેડ બનાવી તેમાં કલેકટર કચેરીના રજીસ્ટ્રી શાખાના ડિસપેચ ક્લાર્ક મોરબી જિલ્લા તથા ઓ.આઈ.જી.એસ.ના બનાવટી સિક્કા બનાવી તેમજ મોરબી જિલ્લાના અધિક કલેકટરના ખોટી સહી કરી મકનસર ગામની જમીન હડપ કરી લેવા માટે કૌભાંડ આચર્યું હતું.

ટ્રાન્સપોર્ટના આ ધંધાર્થીની કરતુત મોરબી કલેકટર કચેરીના ધ્યાને આવતા આ જમીન હડપ કરી લેવા માટેના ષડયંત્રથી અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આથી, કલેકટર કચેરીના મામલતદાર-2 બચુભાઇ કાસુન્દ્વાએ આ બનાવ અંગે બી ડિવિજનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે એલ.સી.બી.એ તાકીદે ટ્રાન્સપોર્ટના ધંધાર્થીને ઝડપી લીધો હતો. હાલમાં બી ડિવિઝન પોલીસે તેની સામે છેતરપીંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/