જૂનું બસસ્ટેન્ડ પાર્કિંગ પોઇન્ટ હોય તેવી હાલતમાં ખાનગી વાહનોના થપ્પા : જવાબદાર અધિકારીઓના પાપે મુસાફરો હેરાન : વિભાગીય ડેપો મેનજરનું ભેદી મૌન
મોરબી : હાલ મોરબી વિભાગીય ડેપો મેનેજરની ઢીલી નીતિને કારણે જૂનું બસસ્ટેન્ડ હાલમાં ખાનગી વાહનો અને ખુંટીયાઓનું સ્ટેન્ડ બની ગયું હોય તેવી સ્થિતિ વચ્ચે નિગમને દરરોજની લાખો રૂપિયાની ખોટ જઈ રહી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. ખાનગી પેસેન્જર વાહનોની સાથો-સાથ બસસ્ટેન્ડમાં ખાનગી લોકો દિવસભર પોત્તાના વાહનો પાર્ક કરીને જતા રહેતા હોય મુસાફરોને બસના આવાગમન સમયે ભારે હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે.
એસટી નિગમને દરરોજ લાખ્ખો રૂપિયા કમાઈ આપતા મોરબીના જુના બસસ્ટેન્ડને મોરબીના વિભાગીય ડેપો મનેજરે ભગવાન ભરોસે મૂકી દેતા જુના બસસ્ટેન્ડમાં પગ મુક્તા જ જાને ગોકુળના વનરાવનમાં પ્રવેશ કરી ચુક્યા હોય તેવી પ્રતીતિ વચ્ચે મુસાફરોને ખુંટીયાની ઢીકથી બચવા સાવધાન રહેવું પડે છે. એટલું ઓછું હોય તેવામાં બસસ્ટેન્ડનાં એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ ઉપર માથાફરેલ રીક્ષા ચાલકો અને સામે છેડે ખાનગી ઈક્કો ચાલકોની પેસેન્જર માટેની ખેંચાખેંચ રીતસર ઉડીને આંખે વળગે છે.
આશ્ચર્ય તો એ વાત નું છે કે તાજા ભૂતકાળમાં નિગમ દ્વારા જુના બસ્ટેન્ડમાં કરોડોના ખર્ચે વિકાસ કામ કરવામાં આવ્યા છે પરંતુ આ બસસ્ટેન્ડ નહીં પરંતુ ખાનગી પાર્કિંગ હોય તેમ બસસ્ટેન્ડની અંદર જ ખાનગી વાહનોના થપ્પા કાયમી લાગતા હોય બસ ચાલકને બસ ક્યાં ઉભી રાખવી તે સવાલ સતાવે છે. દરમિયાન બસ સ્ટેન્ડમાં બનવાયેલ શુલભ શૌચાલયના આગળના ભાગે જ અહીંની વેજ-નોનવેજ હોટલના સંચાલકો વાસી ખોરાક અને એઠવાળા બિન્દાસ્ત રીતે ફેંકી જતા હોવાથી માથુ ફાડી નાખે તેવી દુર્ગંધ મુસાફરોને સહન કરવી પડે છે.
જો કે, મોરબીના જુના બસસ્ટેન્ડમાં ચાલતી લોલમલોલ અને ખાનગી વાહનોના અડ્ડા અંગે મોરબી એસટી વિભાગના એટીઆઈ બકા મારાજે જણાવ્યું હતું કે, ખાનગી વાહનો મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં રજૂઆત થયેલી છે. જો કે, ધણીધોરી વગરના જુના બસસ્ટેન્ડમાં જ્યાં સુધી કડક અધિકારીને ફરજ ન સોંપાઈ ત્યાં સુધી આ બસસ્ટેન્ડ ખુંટીયા અને ખાનગી વાહનો માટેનું જ સ્ટેન્ડ જ હોવાની છાપ હાલમાં ઉપસી રહી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide