મોરબીના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર ખોલવવાની મંજૂરી અપાઈ તો આંદોલન

0
128
/

આજુબાજુના ડોકટરો, વકીલો, પાલિકાના સભ્ય સાહિતનાએ અગાઉ કોવિડ સેન્ટર બનાવવા સામે ભારે વિરોધ કર્યા બાદ પણ યોગ્ય કાર્યવાહી ન થતા ફરી સ્થાનિકો દ્વારા  કલેકટરને રજુઆત

મોરબી : મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ સ્ટેન્ડ પાસેના સાવસર પ્લોટમાં આવેલ જૂની પ્રભાત હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોવિડ સેન્ટર બનાવવાની હિલચાલ ચાલી રહી છે. આ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવા સામે આજુબાજુમાં રહેતા ડોકટરો, વકીલો, પાલિકાના સભ્યોએ જોરદાર વિરોધ કર્યો હતો. પણ આ બાબતે હજુ સુધી યોગ્ય કાર્યવાહી ન થતા સ્થાનિક લોકોએ ફરી કલેકટરને રજુઆત કરીને જો આ રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવાની મંજુરી અપાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.

મોરબી પાલિકાના સભ્ય દીપકકુમાર રમણિકલાલ પોપટ તથા સાવસર પ્લોટમાં રહેતા લોકોએ આજે ફરી જિલ્લા કલેકટર રજુઆત કરી હતી કે, મોરબીના ભરચકક વિસ્તારમાં જુના બસ સ્ટેન્ડ પાસેના સાવસર પ્લોટમાં આવેલ જૂની પ્રભાત હોસ્પિટલમાં તંત્ર દ્વારા કોવિડ સેન્ટર બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે. સાવસર પ્લોટમાં મોટાભાગે રહેણાંક વિસ્તાર આવેલો છે અને બાજુમાં બસ સ્ટેન્ડ જેવો ગીચ વિસ્તાર આવેલો છે. ઉપરાંત, આ વિસ્તારમાં અનેક હોસ્પિટલો, તેમજ અનેક દુકાનો પણ આવેલી છે. તેથી, આ વિસ્તારમાં કોરોના સેન્ટર બનાવવામાં આવે તો ઘણી મોટી આફત સર્જાઈ શકે તેમ છે. કારણકે, કોરોના ચેપથી વધુ ફેલાય છે. ત્યારે આ વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવામાં આવે તો કોરોના દર્દીઓથી સ્થાનિકોને પણ ચેપ લાગવાની શકયતા છે.

રહેણાંક વિસ્તારમાં કોરોના સેન્ટર ખોલવાથી આ મહામારી વધુ વકરી શકે એમ છે. જુના બસ સ્ટેન્ડ નજીક હોય મુસાફરોને પણ કોરોનાનો ચેપ લાગી શકે એમ છે. તેમજ, સાવસર પ્લોટના વૃધ્ધો અને બાળકોનું આરોગ્ય જોખમાય શકે એમ છે. આથી, વિશાળ લોક સમયૂદાયના આરોગ્યના હિતમાં કોઈપણ કાળે આ વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવાની મંજુરી આપવી જોઈએ નહીં તેવી ઉગ્ર માંગ કરી હતી. તેમ છતાં પણ કોરોના સેન્ટર બનાવવાની મંજૂરી અપાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સાવસર પ્લોટ વિસ્તારમાં કોવિડ સેન્ટર બનાવવા સામે જોરદાર વિરોધ વંટોળ ઉઠ્યો છે અને હવે આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. તેથી, કોવિડ સેન્ટર બનાવવાની મંજુરી આપવા મામલે કલેકટર તંત્ર કેવા પગલાં ભરે છે તેના પર સૌની મીટ મંડાઈ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/