રખડતા-ભટકતા અને ઠંડીથી ઠુઠવાતા લોકોને આશ્રયસ્થાન આપવા માટેની યોજના : ધર્મશાળાને પાડી 219 લોકો રહી શકે તેવી વ્યવસ્થા પણ કરાશે
મોરબી : સમાજમાં રખડતું-ભટકતું જીવન એટલું બધું લાચાર અને વિવશ હોય છે કે તેમને ટાઢ, તકડો કે વરસાદ વેઠીને બારેમાસ ઉપર આભ નીચે ધરતીની જેમ જીવવું પડે છે. ત્યારે આવા લોકોની મદદે તંત્ર આવ્યું છે. મોરબી નગરપાલિકા દ્વારા આવા લોકોને આશ્રયસ્થાન આપવા માટે રૈનબસેરાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાંરાજાશાહી વખતની ઐતિહાસિક નંદકુવરબા ધર્મશાળામાં રૂ. 2.27 કરોડના ખર્ચે રૈનબસેરા બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાના પ્રમુખ કેતન વિલપરા અને ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા નંદકુવરબા ધર્મશાળામાં રૂ. 2.27 કરોડના ખર્ચે રૈનબસેરા બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી સમયમાં આ ઐતિહાસિક ધર્મશાળાનું ડીમોલેશન કરીને ત્યાં નવેસરથી રૈનબસેરા બનાવમાં આવશે. આશરે એક વર્ષમાં આ રૈનબસેરા બનાવી દેવાની પાલિકાની યોજના છે. હાલ તો ગ્રાઉન્ડ ફ્લોર અને બે માળની બિલ્ડીંગ બનાવવાનો પ્લાન છે. જેમાં 219 લોકો રહી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. એક રૂમમાં ત્રણ વ્યક્તિ રહી શકશે અને પુરુષો તથા સ્ત્રીઓને રહેવા માટેની અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. આ લોકોને રહેવાની સાથે જમવા સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. આ સ્થળ રેલવે સ્ટેશન બાજુમાં હોવાથી ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે અહીં નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં વાહન પાર્કિગની સુવિધા બનાવવાની પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે ખરેખર રખડતું-ભટકતું જીવન ગુજારાતા લોકોને આ રૈનબસેરામાં આશરો મળશે કે કેમ તે પણ જોવાનું રહ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide