આગામી 16મીએ મોરબી જિલ્લામાં 2 સ્થળોએ કોરોના વેક્સીન આપવાની શરૂઆત થશે

0
90
/
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10:30 કલાકે દેશવ્યાપી રસીકરણ અભિયાનનો કરાવશે પ્રારંભ : સાંસદ અને ધારાસભ્ય રસીકેન્દ્રના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત: પ્રથમ ચરણમાં હેલ્થકેર વર્કરોને પણ અપાશે રસી

મોરબી: હાલ આવતીકાલે 16 જાન્યુઆરીને શનિવારે સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર દેશમાં કોવિડ-19 વેકસિન કાર્યક્રમને લીલી ઝંડી બતાવવાના છે. ત્યારે ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં કોરોના વેકસિન પહોંચી ગઈ છે. તમામ રસી કેન્દ્રો પર રિહર્સલ થઈ ચૂક્યા છે. જેમાં મોરબી જિલ્લામાં બે સ્થળો પર વેકસિનેશન કાર્યક્રમનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.

પબ્લિક અને પ્રાઇવેટ હોસ્પિટલ ફેસેલિટી હેઠળ આ કાર્યક્રમનો આરંભ થવા જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં પબ્લિક ફેસેલિટી કેટેગરી હેઠળ મોરબી જનરલ હોસ્પિટલ (સિવિલ હોસ્પિટલ) અને સાપકડામાં પી.એચ.સી. (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અનુક્રમે સાંસદ મોહનભાઇ કુંડારીયા અને ધારાસભ્ય બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં થશે.

કોવિન પોર્ટલમાં રજીસ્ટર્ડ થયેલ સેશન સાઈટનું લિસ્ટ આજે શુક્રવારે જાહેર થયું છે. જેમાં મોરબી માટે બે સાઈટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં મોરબી શહેરની સિવિલ હોસ્પિટલમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા અને સાપકડામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજા આ કાર્યક્રમનો મંગલ પ્રારંભ કરાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આવતીકાલે 16 તારીખે શરૂ થવા જઈ રહેલા રસીકરણ કાર્યક્રમ માટે અગાઉ વ્યાપકપણે કોરોના વોરિયર્સ, ફ્રન્ટ લાઈન વોરિયર્સ અને 50 વરસથી મોટી ઉંમરના લોકોના નામની નોંધણી થઈ ચૂકી છે. જેઓને મેસેજ મળ્યે ઉક્ત કેન્દ્રો પર ક્રમશઃ બોલાવવામાં પણ આવશે.

મોરબી જિલ્લામાં સમગ્ર વેકસિનેશનની પ્રક્રિયાની વધુ વિગત આપતા ડૉ. ચેતન વારેવાડીયા તથા ડૉક્ટર વિપુલ કારોલીયાએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, સવારે 10:30 કલાકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ વ્યાપી રસીકરણ કાર્યક્રમનું ઓનલાઈન લોન્ચિંગ કરે એ પછી સ્થાનિક સ્તરે સાંસદ અને ધારાસભ્ય આ કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. પ્રાથમિક તબક્કે હાલ મોરબીના બન્ને કેન્દ્રો પર 100-100 હેલ્થ વર્કરોને મેસેજ મોકલવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. નામની નોંધણી થઈ ચૂકેલા હેલ્થ વર્કરોને કોવિન પોર્ટલ પરથી રસીકરણ માટે મેસેજ મોકલાઈ રહ્યા છે. એક સેશનમાં 100 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ મુકવામાં આવશે. ત્યાર બાદ બીજા ડોઝ માટે કેટલા દિવસો બાદ ફરી પાછા આવવા માટેની તારીખો જાહેર થશે.નોંધનીય છે કે વિશ્વ આખાની નજર આ વેકસિનેશન કાર્યક્રમ પર મંડાયેલી છે. 130 કરોડની વસ્તી વાળા દેશમાં આટલા વ્યાપક પ્રમાણમાં ભૂતકાળમાં ક્યારેય આવા આયોજન થયા ન હોય અન્ય દેશો ભારતની રસીકરણ કાર્યક્રમનો અભ્યાસ કરવા માટે ઉત્સુક પણ છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/