પ્રજાના પૈસાનો ધુમાડો : મોરબીમાં તંત્રના પાપે ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ

0
47
/
છેલ્લા બે વર્ષથી દિવસે પણ લાઈટો ચાલુ રહેવાની સમસ્યા છતાં તંત્રની ઉંઘ ન ઉડતા લોકોમાં રોષ

મોરબી : હાલ મોરબીમાં તંત્રને જાણે અંધાપો આવી ગયો હોય તેમ છેલ્લા બે વર્ષથી ધોળા દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહે છે. એક બાજુ ઘણા વિસ્તારમાં રાત્રે પણ લાઈટો ચાલુ હોતી નથી ત્યારે બીજી તરફ અનેક વિસ્તારોમાં દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ રહેતા વીજળીનો ભારે ખોટો વ્યય થઈ રહ્યો હોવા છતાં તંત્રની આંખ ઊડતી નથી. તેથી, જાગૃત નાગરિકે આ મામલે તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો છે.

મોરબી નગરપાલિકા દ્વારા જ્યારથી નવી એલઇડી લાઈટો નાખવામાં આવી છે. ત્યારથી જ આ નવી લાઈટોમાં કોઈને કોઈ ખરાબી થઈ રહ્યાની ફરિયાદ ઉઠે છે. ખાસ કરીને આ નવી એલઇડી લાઈટો અનેક વિસ્તારોમાં ધોળા દિવસે પણ ચાલુ રહે છે. તેમાંય હાઈ માસ્ક લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતી હોવાથી વીજળીનો ઘણો અપવ્યય થઈ રહ્યો છે. શહેરના અનેક એવા મુખ્ય વિસ્તારોમા દિવસે પણ લાઈટો ચાલુ રહે છે. તેમજ મુખ્ય ચોક પરની હાઈ માસ્ક લાઈટો પણ ધોળા દિવસે ચાલુ રહે છે.

આવી રીતે શહેરના મુખ્ય વિસ્તારો, શેરી ગલીઓમાં 24 કલાક લાઈટો ઝગમગતી રહે છે. જાણે બોડી બામણીનું ખેતર હોય તે રીતે બધું જ લોલમલોલ ચાલી રહ્યું છે. અમુક વિસ્તારમાં રાત્રે પણ લાઈટો હોતી નથી. ત્યારે આ 24 કલાક ચાલુ રહેતી લાઈટોના કારણે થતા દુર્વ્યયને પ્રજાના ખંભે જ ઠોકી બેસાડાઈ છે. આ મામલે અનેક રજુઆત કરવા છતાં નિભંર તંત્ર જાણી જોઈને આ બાબતને નજર અંદાજ કરતું હોવાનું જણાવીને જાગૃત નાગરિક અનિરુદ્ધ પટેલે તંત્રને ટકોર કરીને વહેલી તકે વીજળીના ખોટા બગાડને અટકાવવાની માંગણી પણ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/