સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરીને તેમના વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ કરી
મોરબી : મોરબીના વીસીપરા અંદર રોહિદાસ પરાની પાછળના વિજયનગર વિસ્તારમાં ભૂગર્ભની કુંડીઓમાંથી ગંદકી ઉભરાઈ રહી છે. એ ગટરનું દુર્ગધ મારતું ગંદુ પાણી શાંતિવન સ્કૂલ અને વિજયનગર વચ્ચેના ખેતરના ખુલ્લા ભાગમાં જમા થઈને તવાઈની જેમ ભરાઈ રહે છે. જેથી, સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે. આ મામલે ટેલિફોનિક રજુઆત છતાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા અંતે આજે સ્થાનિક રહીશો નગરપાલિકાએ દોડી ગયા હતા અને સ્થાનિક રહીશોએ ચીફ ઓફિસર અને કલેકટરને રજુઆત કરીને તેમના વિસ્તારમાં ભૂગર્ભ કુંડીઓની નિયમિત સફાઈ કરવાની માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે વિજય નગર વિસ્તારમાં શાંતિવન પ્રાથમિક શાળા તરફના મેઈન રોડ ઉપર આવેલી ભૂગર્ભ ગટરની કુંડીઓની પાલિકા તંત્ર દ્વારા નિયમિત સફાઈ ન થતી હોવાના કારણે ગટરનું દુર્ગધ મારતું ગંદુ પાણી ઉભરાઈને સ્કૂલ તથા વિજયનગર વચ્ચેના ખુલ્લા મેદાનમાં તળાવની જેમ ભરાઈ રહે છે. ભૂગર્ભની કુંડીઓ છેલ્લા પાંચ દીવસથી ઉભરાઈ છે અને આ ખુલ્લા ખેતરમાં ગંદા પાણીનું તલાવડું ભરાઈ ગયું છે. આ ખેતરની ફરતે એનેક મકાનો આવેલા છે. આથી, ગંદા પાણીના તલાવડામાં ગંદકી બેસુમાર ફેલાતી હોય અને મચ્છરોનો ભારે ઉત્પાત હોવાથી સ્થાનિક રહીશો ઉપર રોગચાળાનું જોખમ વધ્યું છે. તેમ છતાં નિભર તંત્રની ઉંઘ ન ઉડતા આજે સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ દોડી જઈને ચીફ ઓફિસરને તથા કલેકટર રજુઆત કરીને વહેલાસર તેમના વિસ્તારમાં ગટરની ગંદકીના પ્રશ્નનો કાયમી હલ લાવવાની માંગ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide