મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર : માર્ચ એન્ડમાં રશિયા ખાતે યોજાનાર સિરામીક એક્સ્પો ઉપર પણ આફતના વાદળો
મોરબી : હાલ રશિયા યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે મોરબીના સિરામીક એક્સપોર્ટને ફટકો પડવાના એંધાણ મળી રહ્યા છે.મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટ્નું રશિયા મોટું ખરીદદાર હોવાથી હાલના તબક્કે એક્સપોર્ટ ઉપર માઠી અસર પડવાની સાથે આગામી માર્ચ માસના અંતિમ અઠવાડિયામાં યોજાનાર સીરામીક એક્સ્પો ઉપર પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિને કારણે મોરબીના એક્સપોર્ટ માર્કેટને બમણી અસર પડવાની શક્યતા વ્યક્ત કરતા મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે રશિયામાં વર્ષે 600 કરોડ એટલે કે દર મહિને 50 કરોડનું એક્સપોર્ટ થાય છે એ જ રીતે યુક્રેનમાં દર મહિને 10 કરોડ રૂપિયા એટલે કે વર્ષે 120 કરોડનું એક્સપોર્ટ થતું હોવાથી યુદ્ધની સ્થિતિમાં બન્ને રાષ્ટ્રોમાં એક્સપોર્ટ થવા અંગે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
એ જ રીતે મોરબી સિરામીક એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને અગ્રણી એક્સપોર્ટર નિલેશભાઈ જેતપરિયાએ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે એક્સપોર્ટ ઉપર અસર પડશે તેમ જણાવતા ઉમેર્યું તું કે, મોરબીમાં ઉત્પાદિત સિરામીક પ્રોડક્ટનું રશિયા મોટું ખરીદદાર રાષ્ટ્ર હોવાથી યુદ્ધની સ્થિતિને કારણે હાલમાં પેન્ડિંગ ઓર્ડર અને શિપિંગ થયેલા માલ સામે સંકટના વાદળો ઘેરાયા છે. જો કે, યુક્રેન સાથે મોરબીનો વ્યાપાર વાણિજ્ય ઓછો હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.
વધુમાં નિલેશભાઈ જેતપરિયાએ ઉમેર્યું હતું કે, આગામી માર્ચ માસના અંતિમ અઠવાડિયામાં રશિયા ખાતે સિરામીક એક્સ્પો યોજાઈ રહ્યો હોવાથી મોરબીના અંદાજે 200 જેટલા ઉદ્યોગકારો દ્વારા વિઝા મુકવામાં આવ્યા છે પરંતુ યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિ જોતા અવઢવની સ્થિતિ સર્જાઈ છે. નોંધનીય છે કે,સિરામીક એક્સ્પોને કારણે મોરબીના સીરામીક એક્સપોર્ટરોને મોટાપ્રમાણમાં ઓર્ડર મળતા હોય છે પરંતુ વર્તમાન યુદ્ધની સ્થિતિ જોતા એક્સ્પોના આયોજન અંગે અવઢવ સર્જાતા મોરબીના ઉદ્યોગકારો ચિંતિત બન્યા છે.
યુદ્ધને પગલે સ્લેબ ટાઈલ્સના ઉત્પાદનને અસર માઠી પડશે
રશિયા – યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે સીરામીક પ્રોડક્ટના એક્સપોર્ટ ઉપર ખતરો સર્જાવાની સાથે સ્લેબ પ્રકારની ટાઈલ્સના ઉત્પાદનમાં માઠી અસર પડવાની ઉદ્યોગકારોએ દહેશત વ્યક્ત કરી છે. સ્લેબ ટાઈલ્સમાં યુક્રેનથી આયાત થતી ખાસ પ્રકારની યુક્રેન ક્લે નો ઉપયોગ કરવામાં આવે છે અને દર મહિને મોરબીમાં યુક્રેનથી અંદાજે 20થી 25 કન્ટેનર યુક્રેન ક્લે આવતી હોવાનું મોરબી સિરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ ઉમેર્યું હતું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide