સુરેન્દ્રનગર : 16મીએ જિલ્લાના 500 આરોગ્ય કર્મીઓને 0.05 MLની રસી અપાશે, 28 દિવસ બાદ ફરી બીજો ડોઝ

0
19
/

સુરેન્દ્રનગર: હાલ જિલ્લા માટે મંગળવારે મોડી સાંજે કોવિશિલ્ડ વેક્સિનના 9500 ડોઝ આવી પહોંચ્યા હતા. 16મીએ સુરેન્દ્રનગરના ગાંધી હૉસ્પિટલ તથા સી. યુ. શાહ મેડિકલ કૉલેજ અને ચોટીલા, ધ્રાંગધ્રા તથા લીંબડી, એમ 5 સ્થળે કુલ 500 આરોગ્ય કર્મચારીને 0.05 એમએલની માત્રામાં રસી અપાશે. વેક્સિનેશનના નેશનલ પ્રોગ્રામના સભ્ય ડૉ. કૃપલ જોષીએ વેક્સિનેશન બાદની 30 મિનિટના સમયને ગોલ્ડન પિરિયડ ગણાવતાં કહ્યું હતું કે રસી અપાયા બાદ 30 મિનિટ સુધી વ્યક્તિનું મૉનિટરિંગ કરાશે.

રસીકરણ અંગે સુરેન્દ્રનગર મેડિકલ કૉલેજના એસોસિયેટ પ્રોફેસર અને નેશનલ વેક્સિનેશન પ્રોગ્રામના સભ્ય ડૉ. કૃપલ જોષીએ ઉમેર્યું હતું કે, દેશમાં સીરમ અને ભારત બાયોટૅક્, એમ 2 કંપનીએ કોરોનાની રસીની શોધ કરી છે. બન્ને રસીના સફળ પરીક્ષણ બાદ લોકોને રસી આપવાનો નિર્ણય લેવાયો છે, જેમાં સીરમ કંપનીની કોવિશિલ્ડ રસી શનિવારે હેલ્થ વર્કરોને અપાશે. મહત્ત્વનું છે કે પ્રથમ વાર જે કંપનીની રસીનો ડોઝ અપાયો હોય તે જ કંપનીની રસીનો બીજો ડોઝ 28 દિવસ પછી અપાશે. ભારતમાં રસી શોધાઈ હોવાથી ટેમ્પરેચરનો પ્રશ્ન મહત્ત્વનો રહેતો નથી. ઠંડા પ્રદેશોની રસી હોત તો ટેમ્પરેચર જાળવવા વધુ તૈયારી કરવી પડી હોત. કોરોનાની વેક્સિન એ એક જાતનું ઇમ્યુનિટી બુસ્ટર છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. દરેક રસીકરણ બાદની 30 મિનિટ ગોલ્ડન પિરિયડ કહેવાય છે. તે રીતે કોરોના વેક્સિન અપાયા બાદ પણ 30 મિનિટ સુધી વ્યક્તિનું મૉનિટરિંગ પણ થશે. આ સમયગાળામાં રસી લેનારને કોઈ તકલીફ જણાય તો તુરંત તેની સારવાર કરાશે. મેડિકલ કૉલેજ અને ગાંધી હૉસ્પિટલમાં રસીકરણ માટેની તૈયારીઓ પણ  શરૂ કરી દેવાઈ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/