સિરામિક ઉદ્યોગોની લાચારી : શિપિંગના ભાડામાં અઢી ગણો વધારો, એક્સપોર્ટના તમામ ઓર્ડર પેન્ડિંગ

0
172
/

લોકડાઉન ખુલ્યા બાદ શિપિંગ ઓન ડીમાન્ડ હોવાથી શિપિંગ કંપનીઓએ ગરજના ભાવ લેવાનું પણ શરૂ કર્યું : એક્સપોર્ટને મોટી અસર

મોરબી : હાલ સિરામિક ટાઇલ્સનો અઢળક માલ નિકાસ કરીને દેશના અર્થતંત્રમાં વિદેશી ભંડોળ લઈ આવવામાં મહત્વનો ભાગ ભજવનાર સિરામિક ઉદ્યોગ હાલ મોટી સમસ્યાથી પીડાઈ રહ્યો છે. કારણકે શિપિંગ ભાડામાં અઢી ગણાનો વધારો ઝીંકાતા ડિસ્પેચ ઠપ્પ થઈ ગયું છે. હાલ ઉદ્યોગો પાસે એક્સપોર્ટના અનેક ઓર્ડર છે પણ કમનસીબે ઉદ્યોગોને હાથ ઉપર હાથ ધરીને બેસી રહેવાની નોબત આવી છે.

મોરબીનો સિરામિક ઉદ્યોગ લોકડાઉનમાં બંધ રહ્યા બાદ ઇમારતોના બાંધકામો શરૂ થતા થોડી તેજીની ચમક દેખાઈ હતી. ખાસ કરીને વિદેશથી સિરામિક ટાઇલ્સના ઓર્ડરો સારા એવા મળ્યા હતા. પણ સામે સિરામિક ઉદ્યોગકારોના નસીબમાં જ તેનો લાભ લેવાનું લખ્યું ન હોય તેવો ઘાટ સર્જાયો છે. તમામ ઉદ્યોગો પુરજોશમાં ચાલુ થતા પુષ્કળ માલ નિકાસ અર્થે શિપિંગમાં જવા લાગ્યો હોય. શિપિંગ લાઈનની ડિમાન્ડ વધતા કંપનીઓએ શિપિંગ ચાર્જીસના મસમોટો વધારો ઝીંકી દીધો છે.

હાલ સુધી શિપિંગ કંપનીઓ વિદેશમાં માલ મોકલવાના કન્ટેઇનર દીઠ અઢી ગણા જેટલો વધારો તોળી રહી છે. સામે સિરામિક ઉદ્યોગોઓ પાસે એક્સપોર્ટના અનેક ઓર્ડર તો છે પણ આ ઓર્ડર અટવાયેલા પડ્યા છે. અત્યારે સ્થિતિ એવી છે કે શિપિંગના મસમોટા ભાડા ચૂકવીને માલને એક્સપોર્ટ કરવો પરવડે તેમ ન હોય હવે કરવું શું તે અંગે સિરામિક ઉદ્યોગકારો મૂંઝવણમાં પડી ગયા છે.

જાણો શુ છે એક કન્ટેઇનરનું ભાડું ?

મુંદ્રાથી ડર્બન(આફ્રિકા) માલ મોકલવા અગાઉ 1000થી 1200 ડોલર શિપિંગ ચાર્જ થતો હતો. હાલ તે વધીને 2500થી 2800 થઈ ગયો છે.

ચાઇનાથી આવતા રો- મટિરિયલ્સના શિપિંગ ચાર્જમાં તો પાંચ ગણો વધારો!!

સિરામિક ઉદ્યોગો માટે ચાઇનાથી જે રો- મટિરિયલ્સ આવે છે તેના શિપિંગ ચાર્જમાં પાંચ ગણો વધારો થઈ ગયો છે. અગાઉ શિપિંગ ચાર્જ 500થી 600 ડોલર સુધી હતો. હવે આ ચાર્જ વધીને 2500 ડોલર થઈ ગયેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/