નાગરિકોની સહાયતા માટે ખડેપગે રહેતા સૈનિકો અને તેના પરિવારને આર્થિક સહયોગ આપવાનો આજે અનેરો અવસર
દેશની સ્વતંત્રતા અને સન્માનનું જીવના ભોગે રક્ષણ કરનારા વીર સૈનિકો અને સશસ્ત્ર સેનાઓ સાથે જનતાની લાગણી અને સૈનિકોના કલ્યાણની ભાવનાને જોડવા દર વર્ષે તા. 7મી ડિસેમ્બરના રોજ આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડે એટલે કે સશસ્ત્ર સેના ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
પોતાના પ્રાણની પરવાહ કર્યા વિના દેશની અખંડીતતા અને સાર્વભૌમત્વનું રક્ષણ કરનાર દેશના સૈનિકો યુદ્ધ ઉપરાંત કુદરતી પ્રકોપ, માનવસર્જિત આપદાઓ, અકસ્માત તેમજ કાયદો અને વ્યવસ્થાની જાણવણી માટે અને નાગરિકોની સહાયતા માટે ખડેપગે રહી સતત સમાજ અને દેશની અમુલ્ય સેવા બજાવે છે.
આ શુરવીર સૈનિકોની યાદમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી દર વર્ષે 7 ડિસેમ્બરે સમગ્ર દેશમાં કરવામાં આવે છે. આ દિવસે દેશના શુરવીર શહીદ સૈનિકોને યાદ કરી તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. સવારે દરેક નાગરિક બે મીનીટનું મૌન રાખી શહીદ સૈનિકોને યાદ કરી તેઓને શ્રદ્ધાંજલિ પાઠવે છે.
સશસ્ત્ર સેના ધ્વજ દિવસની શરૂઆત કેમ કરાઈ?
આર્મ્ડ ફોર્સીસ ફ્લેગ ડેની શરુઆત વર્ષ 1949માં થઇ હતી અને તેનો હેતુ સેનાઓને યોગ્ય સમ્માન આપવાનો છે. દેશની રક્ષા કરવા સતત તૈનાત રહેતા સૈનિકો તેમજ શહીદ સૈનિકોના પરિવાજનો અને પૂર્વ સૈનિકોની દેખભાળ કરવાનું અને તેઓને મદદરૂપ થવાનું કર્તવ્ય દેશવાસીઓનું છે. આથી, 7 ડિસેમ્બર, 1949થી દર વર્ષે આ દિવસે દેશની રક્ષા માટે પોતાનો જીવ આપનાર જવાનો, એરમેન અને નૌસેનિકોને યાદ કરવામાં આવે છે. તેમજ સૈનિકોના કલ્યાણ માટે ફંડ ભેગુ કરવામાં આવે છે.
વર્ષ 1947માં મળેલી આઝાદી બાદ સરકાર પાસે સૈનિકોની દેખરેખ માટે જરુરી પૈસા નહોતા. 28 ઓગસ્ટ,1949ના દિવસે રક્ષામંત્રીના નેતૃત્વમાં એક કમિટી બનાવવામાં આવી. આ કમિટી તરફથી દર વર્ષે 7 ડિસેમ્બરને ઝંડા દિવસ તરીકે મનાવવાનો વિચાર આપવામાં આવ્યો. સામાન્ય જનતામાં સૈનિકોના પરિવારોની દેખરેખની જવાબદારીની ભાવના જગાડવા માટેનો આનો મુખ્ય હેતુ છે. આ દિવસે રાષ્ટ્રીય સુરક્ષા માટે સૈનિકોના યોગદાન અને તેમના પ્રયાસોને લોકો સામે લાવવામાં આવે છે. દેશમાં કેન્દ્રીય સૈનિક બોર્ડ અંતર્ગત આ ફંડ ભેગુ કરવામાં આવે છે અને તેની દેખરેખ પણ કરવામાં આવે છે. કેન્દ્રીય સૈનિક બોર્ડ પણ રક્ષા મંત્રાલયનો જ એક ભાગ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide