એક મહિનો રાહત રહ્યા બાદ જૈસે-થેની હાલત થતાં સ્થાનિકો દ્વારા પાલિકામાં રજુઆત કરાઈ
મોરબી: હાલ શહેરની વચ્ચોવચ આવેલી શાકમાર્કેટની પાછળના ભાગે ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા ફરી પાછી શરૂ થતાં વેપારી સહિત સ્થાનિકો રજુઆત કરવા માટે પાલિકા કચેરીએ ઘસી આવ્યા હતા.
શહેરની શાકમાર્કેટ પાછળ ભૂગર્ભ ગટરો ઉભરાવવાની કાયમી સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે. મુખ્ય બજાર જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં ગટરોના ગંધાતા પાણી વ્હેતા હોય આ વિસ્તારના વેપાર ધંધા પડી ભાંગ્યા છે. આશરે એકાદ મહિના પહેલા પાલિકાએ કામગીરી કરીને ચોકઅપ થઈ ગયેલી ગટરો સાફ કરાવતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, તેઓની આ રાહત લાંબી ટકી ન હતી અને એક માસના ટૂંકાગાળામાં પાણી ઉભરાવવાની સમસ્યા ફરી વકરી હતી.
આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી માંગણી સાથે આજે બુધવારે સ્થાનિકો પાલિકા કચેરીએ ઘસી ગયા હતા. અહીં વહીવટદાર કમ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા સમક્ષ ઉગ્ર રજુઆત કરતા ચીફ ઓફિસરે સત્વરે આ સમસ્યાનો નિકાલ કરવાની ખાત્રી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગત વિધાનસભાની પેટા ચૂંટણી દરમ્યાન પાલિકા બોડીની મુદત પૂરી થતાં વહીવટદારના હાથમાં શાસન આવ્યું હતું. એ સમયે ચીફ ઓફિસરે શહેરની તમામ સમસ્યાનો સ્થળ પર જ નિકાલ થઈ જશે એવી બાંહેધરી આપી બે-ચાર દિવસો સુધી શહેરના જે-તે વોર્ડમાં પાલિકાકર્મીઓને સાથે લઈ જઈ સફાઈ કરાવી હતી. જો કે ઔપચારિક સાબિત થયેલી એ કામગીરી દરેક વોર્ડમાં ન થતા કચરા, ભૂગર્ભ ગટર સહિતની સમસ્યાઓ ઠેરની ઠેર રહી હતી. ત્યારે હવે પાલિકાની ચૂંટણી બાદ મોરબીને મળનારી નવી બોડી શહેરની ભૂગર્ભ ગટરની અને સ્વચ્છતાની સમસ્યાને કેટલી પ્રાથમિકતા આપે છે તે પણ જોવું રહ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide