મુખ્યમાર્ગો ઉપરથી રઝળતા ઢોરને પકડી પાલિકા દ્વારા બનાવેલા વંડામાં રખાશે
મોરબી : હાલ મોરબીમાં આંખલા યુદ્ધના બનાવો હમણાંથી રોજિંદા બનતા ભીંસમાં મુકાયેલા પાલિકા તંત્રને ફરીથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવાની ફરજ પડી છે. જેમાં મોરબી નગરપાલિકા દ્વારા હમણાંથી મુખ્યમાર્ગો ઉપરથી રઝળતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને મુખ્યમાર્ગો ઉપરથી રઝળતા ઢોરને પકડી પાલિકા દ્વારા બનાવેલા વંડામાં રાખવામાં આવી રહ્યા છે.
મોરબી શહેરમાં લાંબા અરસાથી રઝળતા ઢોરનજ ગંભીર સમસ્યા છે. શહેરના મુખ્યમાર્ગોથી માંડીને શહેરના એવા કોઈ વિસ્તાર બાકી નહિ હોય જ્યાં રઝળતા ઢોરનો ત્રાસ નહિ હોય. તેમાંય હમણાંથી બુલ ફાઈટના બનાવો વધી જતાં તંત્ર ઉપર પસ્તાળ પડી હતી. આથી રઝળતા ઢોરને ડબ્બે પુરા ફરી પાલિકા તંત્રએ આળસ ખંખેરી છે. છેલ્લા આઠ-દસ દિવસથી મોરબી નગરપાલિકા દ્વારા મુખ્યમાર્ગો ઉપરથી ઢોર પકડ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.મોરબીના નવલખી રોડ પરના કુબેરનગર, શનાળા રોડ, રવાપર રોડ, સામાંકાંઠે સર્કીટ હાઉસ, સોઓરડી સહિતના અનેક વિસ્તારોમાં અત્યાર સુધીમાં આશરે 350 જેટલા ઢોર ઉપાડી લીધાનું નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું અને રોજના આશરે 30 ઢોર ઉપાડી લેવામાં આવે છે. હજુ પણ જ્યાં સુધી રખડતા ઢોરનો ત્રાસ દૂર ન થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે તેમ તેમણે ઉમર્યું હતું અને મુખ્યમાર્ગો પરથી ઢોર ઉપાડી પાલિકા દ્વારા બનાવેલા વંડામાં રાખવામાં આવે છે. જ્યાં આ પશુઓનો નિભાવ પણ કરવામાં આવે છે. ત્યારે મુખ્યમાર્ગોની સાથે સોસાયટીમાં અને શેરીગલીઓમાંથી પણ ઢોરને દૂર કરવાની માંગ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide