[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે વસુલાત થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું છે અને વઘાસીયા ટોલનાકાની અડોઅડ આવેલી ખાનગી ફેક્ટરી તેમજ વઘાસીયા ગામમાંથી વાહનો પસાર કરાવી ટોલનાકું બાયપાસ કરી ટોલપ્લાઝા કરતા નીચા ભાવે વાહનો પાસેથી ગેરકાયદેસર રીતે ઉઘરાણી કરતા ફેક્ટરી માલિક અને ભાજપના આગેવાન સહીત પાંચ શખ્સો તેમજ તપાસમાં ખુલે તે તમામ લોકો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ગામ નજીક આવેલ ટોલનાકામાં પસાર થતા વાહન ચાલકો પાસેથી રૂપિયા 110થી લઈ 595 સુધીનો વાહન દીઠ ટોલ વસુલવામાં આવી રહ્યો છે ત્યારે વઘાસીયા ટોલનાકાની બાજુમાં જ આવેલ વ્હાઈટ હાઉસ નામની બંધ પડેલી ફેક્ટરીમાંથી તેમજ વઘાસીયા ગામ પાસેથી પસાર થતી રેલવે ફાટક પાસેથી ગેરકાયદેસર રીતે વાહનો પસાર કરાવી ટોલનાકું બાયપાસ કરાવી આરોપી અમરશીભાઇ જેરામભાઈ પટેલ રહે.વઘાસીયા (માલિક વ્હાઈટ હાઉસ સીરામીક ફેક્ટરી), રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા રહે.વઘાસીયા, હરવિજયસિંહ જયુભા ઝાલા રહે.વઘાસીયા, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના પતિ અને ભાજપ અગ્રણી ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા રહે.વઘાસીયા તેમજ તપાસ ખુલે તે તમામ લોકો વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ભવાનસિંહ પરમાર દ્વારા આઇપીસી કલમ 384, 406, 420, 506(2) અને 34 મુજબ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
વધુમાં વાંકાનેર સીટી પોલીસ મથકમાં ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારના વઘાસીયા ટોલનાકાના કોન્ટ્રાકટર બામણબોર ટોલવેઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને નુકશાન થાય તે રીતે બંધ પડેલી વ્હાઇટ હાઉસ ફેકટરીના માલિક તેમજ અન્ય આરોપીઓ દ્વારા એક દરવાજો મોરબી તરફ અને બીજો દરવાજો વાંકાનેર તરફ રાખી હાઇવે ઉપરથી પસાર થતા વાહનોને બળજબરીથી ટોલનાકા કરતા ઓછા ભાવે નાણાં વસુલ કરીને વાહનો પસાર કરાવવા ઉપરાંત અન્ય આરોપી રવિરાજસિંહ સહિતના લોકો દ્વારા વઘાસીયા ગામ નજીક રેલવે ફાટકથી વાહનો પસાર કરાવી ગેરકાયદેસર રીતે ટોલનાકા કરતા ઓછા પૈસા લઈ વાહનો પસાર કરાવી સરકારને નુકશાન કરાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide