પરશુરામધામ મોરબી ખાતે ધારાસભ્ય મેરજા અને સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છના પૂર્વ પ્રમુખની ઉપસ્થિતિમાં વિજય યજ્ઞ પણ યોજાયો
મોરબી : હાલ મોરબી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે ટીકીટ ફાળવણીમાં અન્યાય કર્યો હોવાની લાગણી મોરબી બ્રહ્મસમાજ અનુભવી રહ્યો છે એવા સમયે જ આજે પરશુરામધામ ખાતે ત્રણ બ્રાહ્મણ મહિલા ઉમેદવારોની જીત માટે વિજય યજ્ઞનું આયોજન કરાતાં આશ્ચર્ય સર્જાયું છે.
ભાજપ દ્વારા ગઈકાલે મોરબી નગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરેલ યાદીમાં વોર્ડ નંબર 3માં પ્રવીણાબેન ત્રિવેદી, વોર્ડ નંબર 5માં દર્શનાબેન ભટ્ટ અને વોર્ડ નંબર 6માં મમતાબેન ઠાકરને ટીકીટ ફાળવવામાં આવતા આજરોજ મોરબી પરશુરામધામ ખાતે ત્રણેય ઉમેદવારોને ભવ્ય વિજય મળે તેવી કામના સાથે પરશુરામધામ ખાતે વિજય યજ્ઞનું આયોજન કરાયુ હતુ.
જો કે આશ્ચર્ય તો એ વાતનું છે કે દર વખતે ભાજપ બ્રહ્મસમાજને ચારથી પાંચ ટીકીટ આપે છે પરંતુ આ વખતે માત્ર ત્રણ મહિલાઓને જ ટીકીટ આપી એક પણ પુરુષને ટીકીટ ન આપતા મોરબી બ્રહ્મસમાજ પ્રમુખ દ્વારા રોષ વ્યકત કરી તમામ વોર્ડમાં અપક્ષ યુવા ઉમેદવારોને લડાવવા નક્કી કરાયું હતું જેની સામે પરશુરામધામ સંસ્થા ખાતે ગણતરીની કલાકોમાં જ ભાજપ દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારોના સમર્થનમાં વિજય યજ્ઞ પણ યોજવામાં આવ્યો હતો.
આ અંગે સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર – કચ્છના પૂર્વ પ્રમુખ અને મોરબી બ્રહ્મસમાજના અગ્રણી અનિલભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ભાજપે જો એકાદ પુરુષ ઉમેદવારને ટીકીટ ફાળવી હોત તો સારું હતું. જો કે તેઓએ આ ટીકીટ ફાળવણીથી બ્રહ્માસમાજમાં નારાજગી હોવાનું અને મહિલા ઉમેદવારો ટીકીટ રિટર્ન કરશે તેવી કોઈ વાત ન હોવાનું જણાવી જેમને ટીકીટ મળી તેમને વિજય મળે તે બાબત મહત્વની હોવાનું જણાવી સમસ્ત મોરબી બ્રહ્મસમાજને ત્રણેય ઉમેદવારોને વિજયી બનાવવા અપીલ કરી હતી.
આ યજ્ઞમાં ત્રણેય ઉમેદવારો પરિવાર સાથે હાજર રહ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, ભાજપ અગ્રણી જીગ્નેશ કૈલા, બ્રહ્મસમાજના અગ્રણી ભુપતભાઇ પંડયા, ડો.બી.કે.લહેરુ, મુકુંદભાઈ જોશી સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને રામનારાયણભાઈ દવેના આચાર્યપદે વિજય યજ્ઞ પણ સંપન્ન થયો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide