ભાજપ અગ્રણી દ્વારા મોરબીને મહાનગર પાલિકા મ્યુનિસિપલ કોર્પોરેશન નો દરજ્જો આપવા માંગણી

0
76
/

મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરીને માધાપર, વજેપર, શનાળા, રવાપર, નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડિયાદ, ત્રાજપર, લાલપર, વગેરે સહિતના ગામોનો સમાવેશ કરીને મહાનગરપાલિકા (મ્યુનીસીપલ કોર્પોરેશન) તરીકે દરજ્જો આપવા અંગે રજૂઆત કરવામાં આવેલ છે

“વંદે માતરમ્” સાથ ઉપરોક્ત વિષય પરત્વે જણાવાનું કે મોરબી નગરપાલિકાના વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરવા માટેની માંગણી, આ અગાઉ પણ મોરબી શહેરના લોકો દ્વારા ઘણાં સમયથી કરવામાં આવેલ છે. તે અંગેની સઘળી માહિતી સભર હકીકતો જે તે સમયે રજૂ કરવામાં આવેલ છે. જે સરકારશ્રીના સંબંધીત વિભાગમાં હાલે વિચારણા હેઠળ છે. આમ છતાં, મોરબી શહેરની તથા સૂચિત મોરબી મ્યુનીસીપલ કોર્પોરેશનમાં સમાવિષ્ટ એરિયામાં હાલે ઉપલબ્ધ સગવડોની મુખ્ય હકીકતો, આ સાથે સામેલ રાખી માનનીય મંત્રી અને મોરબી-માળીયા વિધાનસભાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને સહયોગ અર્થે મોકલેલ છે. જેથી વહેલી તકે તેઓની આગવી કુનેહ અને વિદ્વતા થી તેઓ નિર્ણય કરાવી શકે.
મોરબી નગરપાલિકાને “મ્યુનીસીપલ કોર્પોરેશનમાં” ફેરવવા અંગેની માંગણીઓ સંદર્ભે તત્કાલિન માનનીય મુખ્યમંત્રીશ્રી અને હાલના માનનીય યશશ્વિ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, આ અંગે મોરબી શહેર / જિલ્લાની જાહેર સભામાં ભવિષ્યમાં આ માંગણી અંગે ચોક્કસ અને વહેલીતકે વિચારણા કરવામાં આવશે, તેવી સહાનુભુતી, જે તે વખતે વ્યક્ત કરી હતી. અને ભવિષ્યમાં આ અંગે રાજ્ય સરકાર ગંભીરતાથી વિચારણા કરશે. તેવું પ્રજાજોગ આશ્વાસન પણ આપેલ છે. તે હકીકત પણ આપ સૌ વાંચક મિત્રોના ધ્યાને નમ્રતાથી મૂકું છું. જેથી આપ સૌ વાંચકોને આ અંગે સ્મૃતિ થાય.
મોરબી નગરપાલિકા “અ” વર્ગની નગરપાલિકા સને 2001 ની સાલ થી છે. અને મોરબી જિલ્લો પણ તારીખ: 15/08/2013 (પંદરમી ઓગષ્ટ 2013) થી કાર્યરત થઈ ગયેલ છે. આમ મોરબી શહેર અત્યારે જિલ્લા મથક તરીકે પણ, નવા જાહેર થયેલા તમામ જિલ્લાઓમા અગ્રેસર જિલ્લા મથક તરીકે વિશિષ્ટ સુવિધાઓ વાળુ શહેર બનેલ છે. હવે આ જિલ્લા મથકના હેડ ક્વાર્ટર એવા મોરબી શહેરને મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો અપાવવાની ખાસ તાતી જરૂરીયાત છે. આ માટે સમગ્ર પ્રજાજનો વતી પણ આ માંગણી તુરત સંતોષાય તેવી અપેક્ષા માનનીય મંત્રી અને ધારાસભ્ય પાસે વ્યક્ત કરેલ છે. કારણકે તેઓ મોરબી-માળીયા વિધાસભાના આપણાં લોક પ્રતિનિધિ છે. અને સાથે સરકારશ્રીમાં મંત્રીશ્રી તરીકે કાર્યરત છે. તેથી મોરબી નગરના લોકોની તેઓની પાસે અપેક્ષા હોય તે સ્વાભાવિક છે. અને આ અંગે સત્વરે નિર્ણય કરાવવા અર્થેની ઘટતી પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પણ છે. એવું પત્રકાર મિત્રોને એક યાદીમાં વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ ના અધ્યક્ષ વિજયભાઈ લોખીલ દ્વારા જણાવેલ છે.
મોરબી શહેરની 03 લાખ થી વધુ વસ્તીની લાગણી અને માંગણી ને ધ્યાને લઈને મોરબી નગરપાલિકાને “કોર્પોરેશનનો દરજ્જો અપાવવા માટે આપ સાહેબ તરફથી ખૂબ જ સહાનુભુતિ પૂર્વક વિચારણા કરીને તુરંત આ અંગે ઘટતું કરાશે, તેવી અપેક્ષા છે. આ સાથે મોરબી શહેરમાં ઉપલબ્ધ સુવિધાઓની મુખ્ય હકીકત આ સાથે અલગથી આપેલ છે. તે પણ આપ સૌના ધ્યાને મુકુ છું.

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવેલ મુખ્ય હકીકતો

01. મોરબી શહેર તથા આજુબાજુના 15 થી 20 ગામોનો બહોળા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયેલ છે. તેમાં કાર્યરત મોટાભાગના લોકો મોરબી શહેરને “રહેણાક વિસ્તાર તરીકે પસંદ કરેલ છે”. જેના કારણે ખરેખર વસ્તી ગણતરી 2011 કરતાં પણ અત્યારે અઢી થી સાડા ત્રણ ગણી વસ્તી મોરબી શહેરમાં અને મોરબી નગરપાલિકા વિસ્તારમાં રહેણાક ઝોન વિકસાવીને હૈયાત રીતે વસી રહેલ છે. તે રીતે મોરબીમાં આશરે 04 લાખથી વધુ વસ્તી વસવાટ કરે છે. જે મ્યુનીસીપલ કોર્પોરેશન જેટલો ક્રાઇટ એરિયા ધરાવે છે. (સિરામિક સહિતના વિવિધ ઉદ્યોગોના ક્વાટરમાં રહેતા કામદારોને અલગ રીતે ગણીએ તો આ આંકડો ખૂબ મોટો થઈ જાય છે.)

02. મોરબી શહેર જિલ્લા મથક છે. અને મોરબી શહેરનો આજુબાજુનો એરિયા પણ મોટા પાયે રહેણાક વિસ્તારની દ્રષ્ટિએ 08 થી 10 ચોરસ કિલોમીટર જેટલો રહેણાક વિસ્તાર વિકાસ પામેલ છે. આ બધા એરિયામાં મોરબી નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓ જેવી કે લાઇટ, પાણી, ગટર, આંતરિક રોડ –રસ્તા, આંગણવાડીઓ વગેરે સેવાઓ નગરપાલિકા જેવી સંસ્થા માંડ-માંડ સંભાળી શકે તેવી પરિસ્થિતી રહેલ છે. તેથી મ્યુનીસીપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવે, તો પ્રજાજનોને આ પ્રાથમિક સુવિધાઓ ખૂબ જ સરળતાથી અને સહેલાઈથી પ્રાપ્ત કરાવી શકાય. અને તે રીતે પણ મોરબીના શહેરી રહેણાક વિસ્તાર તરીકે વિકાસ પામેલ એરિયાને સારી સુવિધા આપવા માટે કોર્પોરેશનના દરજ્જાની તાતી જરૂરીયાત છે.

03. મોરબી શહેરના મધ્યચોકમાં મોરબીની સિવિલ હોસ્પિટલ – ગાંધીચોક એટલે કે મોરબી શહેરની મધ્યમાં આવેલ છે. અને પૂર્ણ કક્ષાની આંખની હોસ્પિટલ પણ રાજ્ય સરકાર તરફથી અલગ દરજ્જાથી ફાળવેલ છે. સાથો-સાથ રાજ્ય સરકારે કોર્પોરેશન એરિયામાં હોય, તે પ્રકારની બ્લડ બેંકની સુવિધા પણ ફાળવેલ છે. “આમ તબક્કે તબક્કે રાજ્ય સરકાર તરફથી મોરબી શહેરને કોર્પોરેશન સમકક્ષ જુદી-જુદી આરોગ્ય વિષયક સુવિધાઓ ભૂતકાળમાં પૂરી પાડેલ છે. તે હેતુ સર પણ ભવિષ્યમાં મોરબી શહેરની નગરપાલિકાને કોર્પોરેશન એરિયામાં તબદીલ કરવાનો હોવાથી, કોર્પોરેશન કક્ષાની આરોગ્ય વિષયક તબીબી સુવિધાઓ પૂરી પાડેલ છે. તેમાં મ્યુનીસીપલ કોર્પોરેશન જો હોય, તો આ સુવિધાઓનો હજુ પણ વધુ વિસ્તૃત વિકાસ કરવાની પૂરતી સુવિધાઓ અત્યારના હૈયાત સરકારી દવાખાનાઓ ધરાવે છે. જે હકીકત પણ આરોગ્ય વિષયક સુવિધા માટે ઘણી મહત્વની છે.

04. આ સિવાય પણ મોરબી શહેરમાં વિવિધ પ્રકારની અન્ય ખાનગી હોસ્પિટલો પણ ઘણી જ વિકાસ પામેલ છે. તેના કારણે પણ લોકો મોરબીના સરાઉંડિંગ એરિયામાં રહેણાંક ઝોન વસાવવાનું પસંદ કરેલ છે. જેને કારણે મોરબી શહેરની વસ્તીનું સુવિધા અંગેનું ભારણ દિવસે-દિવસે ઘણું જ વધે છે. જે હકીકત પણ ધ્યાને લેવા વિનંતી છે.

05. મોરબી શહેર તથા શહેરની આજુબાજુના 02 થી 03 કિલોમીટર વિસ્તારમાં મોટા-મોટા શૈક્ષણિક સંકુલો, વિવિધ પ્રકારની અકેડેમી તથા એજયુકેશન ઈન્સ્ટિટ્યૂટ મોટાપાયે વિકાસ પામેલ છે. જેના કારણે પણ મોરબી શહેરના રહેણાંક ઝોન વિસ્તારમાં વધારો થઈ રહ્યો છે. જે હકીકત પણ ઘણી જ મહત્વની છે.

06. મોરબી શહેરમાં તથા નગરપાલિકા વિસ્તારમાં સરકારી સુવિધાઓ પણ, જેવી કે મોટા-મોટા સરકારી બિલ્ડીંગો તથા સુવિધાજનક આવાસો તથા જિલ્લા સેવાસદન, તાલુકા સેવાસદન તેમજ જિલ્લા પંચાયત તથા સરકારી રહેણાંક વસાહતો તેમજ જિલ્લા પોલીસ વડાની કચેરી તેના આવાસો તેમજ અન્ય સરકારી કચેરીઓના બિલ્ડીંગો, આવાસો અને કોર્પોરેશન માટે ભવિષ્યમાં તેની ઓફિસ, અધિકારીઓના રહેણાંક વિસ્તાર માટે સરકારી જમીનો વગેરે મોટા પાયે ઉપલબ્ધ છે. જે બધી નગરપાલિકા એરિયામાં સમાવિષ્ટ જમીનો છે. જો કોર્પોરેશનની રચના થાય, તો કોર્પોરેશનના વિકાસ માટે પણ જે જે અનુસાંગીક સુવિધાઓ જરૂરી છે. તે ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે તે રીતે પણ કોર્પોરેશન આકાર પામે તો તાત્કાલિક તેમનો જરૂરીયાત મુજબનો સંપૂર્ણ વિકાસ કરી શકવા માટે શહેરની સરકારી સ્થાપત્ય (અસ્ક્યામતો) પૂરતા પ્રમાણમાં સક્ષમ છે.

07. મોરબી શહેરમાં પણ લાતી પ્લોટ વિસ્તાર, જી.આઇ.ડી.સી. વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં જુદી-જુદી પ્રકારના નાના ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો, વગેરે પણ મોટા પ્રમાણમાં વિકાસ પામેલા છે. જેના કારણે બહારથી પણ મોટા પ્રમાણમાં વસ્તીનું શહેરમાં સ્થળાંતર થયેલ છે. જેથી તેઓ પણ રોજગારી મેળવી અને મોરબી નગરપાલિકા એરિયાના વિસ્તારમાં પોતાના રહેણાંક મકાનો વસાવી રહ્યા છે. જેના કારણે મોરબી શહેરમાં પણ તમામ રીતે રેવન્યુ આવક પણ ઊંચા પ્રમાણમાં છે. તે રીતે કોર્પોરેશન પણ આર્થિક રીતે સક્ષમ બની શકે તેમ છે.

08. મોરબી શહેરી વિસ્તાર તથા નગરપાલિકા એરિયામાં અંદાજે દોઢ લાખથી વધારે વાહનોનું રજીસ્ટ્રેશન થયા હોવાનું ગયા વર્ષના સરકારી આંકડામાં દર્શાવામાં આવેલ છે. તે રીતે પણ આર્થિક સક્ષમતા પામી શકે તેમ છે.

09. માધાપર, વજેપર અને ત્રાજપરના મવડા અંગેના જૂના પેચીદા પ્રશ્નને મવડા રદ્દ થતાં થયેલ લાંબા ગાળાના રહેણાક નુકશાન ને હલ કરવામાં પણ કોર્પોરેશન જાહેર થતાં લાભ મળે તેમ છે. કેમ કે કોર્પોરેશન જાહેર થતાં ઉપરોક્ત ત્રણે ગામો મહા નગરપાલિકા વિસ્તારમાં આવી જશે.

10. મોરબીમાં ખૂબ મોટા પ્રમાણમાં સિરામિક ઉદ્યોગના એકમો આવેલ છે. વિશ્વકક્ષાનું સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરતું શહેર જો કોઈ હોય, તો ગૌરવ સાથે કહેવું પડે કે તે મોરબી છે. તેની સામે મોરબીમાં ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ માટે દરરોજના આશરે 5000 હજાર જેવા ટ્રકો રો-મટીરિયલ અને ડિસ્પૅચ માટે આવે છે. તેથી મોરબીમાં વહેલી તકે એક ટ્રાન્સપોર્ટ નગર બનાવાની જરૂરિયાત છે.

11. મોરબી શહેર મધ્યમાંથી મચ્છુ નદી પસાર થાય છે. આ નદી ઉપર રિવરફ્રન્ટ બનાવવાની જરૂર છે. કેમકે મોરબીમાં નાના બાળકો માટે કોઈ બાગ-બગીચાઓ નથી. તો રિવરફ્રન્ટ બનાવવાથી ત્યાં બાગ-બગીચાઓ બનાવી શકાય. સરકારશ્રીનું આ એક નમૂનેદાર કાર્ય ગણાશે. તદોપરાંત મચ્છુ નદીની આસપાસની ગંદકી પણ હટાવી શકાશે. આ તબક્કે ખાસ જણાવાનું કે અમદાવાદ ખાતેના સાબરમતી રિવરફ્રન્ટ પછીનો બીજા નંબરનો ખૂબ સારો રિવરફ્રન્ટ મોરબી ખાતે મચ્છુ નદી પર આકાર પામી શકે એવિ ભૌગોલોક સ્થિતિ છે.

12. મોરબીમાં ટ્રાફિક સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં હોય, મોરબી શહેરના જેલરોડ થી ગાંધી સોસાયટી, મુ. ભડિયાદ સુધીનો બ્રિજ(પુલ) બનાવવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે. આ બ્રિજ(પુલ) થકી મોરબીની 40 ટકા ટ્રાફિકની સમસ્યા હલ થઈ જશે.

રજૂ કરવામાં આવેલ ઉપરોક્ત તમામ બાબતોને ધ્યાને લઈ મોરબી નગરપાલીકા વિસ્તારને મ્યુનીસીપલ કોર્પોરેશન(મહા નગરપાલિકા)માં તબદીલ કરવાની અંગત ભલામણ સહ વિનમ્ર વિનંતી વિજયભાઈ લોખીલ દ્વારા કરવામાં આવેલ છે. અને તેઓશ્રી દ્વારા હકારાત્મક નિર્ણય સત્વરે મોરબી ની જનતાને પ્રાપ્ત થશે એવો આશાસ્પદ વ્યક્ત કરાયો છે.

આપ સૌનો,
વિજય લોખીલ,
અધ્યક્ષ,
વિજયશ્રી માનવ સેવા ટ્રસ્ટ,
મોરબી, મો: 9825151966

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/