મોરબી: નવલખી બંદરે કોલસા ભરેલું બાર્જ દરિયામાં ડૂબ્યું

0
182
/

શનિવારે બનેલી ઘટનાની હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને જાણ ન હોવાનું બહાર આવ્યું : દરિયામાં ભયંકર પ્રદુષણ ફેલાવા મામલે જીપીસીબી દોડ્યું

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબીના નવલખી બંદરે શનિવારે ભારે પવન અને ખરાબ વાતાવરણને કારણે અંદાજે 1200મેટ્રિક ટન કોલસો ભરેલું શ્રીજી શિપિંગ કંપનીનું બાર્જ એન્કરેજ ઉપર ડૂબી જતા દરિયાઈ જીવ સૃષ્ટિ ઉપર ખતરો આવી પડ્યો છે. જો કે ઘટનાને બે દિવસ વીતવા છતાં નવલખી બંદરનો વહીવટ કરતા ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને આ અતિ ગંભીર કહી શકાય તેવી ઘટનાની જાણ સુધા નથી ઉલટું જીએમબીના કેપ્ટન નીરજ હિરવાણીનો મોબાઈલ નંબર સતત બંધ આવી રહ્યો છે. નવલખી બંદરની જેટી નજીક જ બાર્જની જળસમાધિને પગલે પ્રદુષણ ફેલાતા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ અંદરખાને તપાસ શરુ કરી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી બંદરે ઇન્ડોનેશિયાથી આવેલા જહાજમાંથી શ્રીજી શિપિંગ કંપનીના બાર્જ મારફતે કોલસો જેટી ઉપર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તા.14ને શનિવારના રોજ સાંજના સમયે ભારે પવન અને ખરાબ વાતાવરણમાં દરિયામાં પડેલા જહાજમાંથી અંદાજે 1200 ટન કોલસો ભરીને જેટી તરફ આવી રહેલા બાર્જમાં લીકેજને કારણે પાણી ભરાવા લગતા જેટી નજીક જ બાર્જે સળસમાધિ લઈ લીધી હતી. જો કે, નવલખી બંદરે આટલી મોટી દુર્ઘટના સર્જાવા છતાં બંદરના વહીવટ કરતા ગુજરાત મેરિટાઇમ બોર્ડના અધિકારીઓને આ ઘટનાની જાણકારી જ ન હોવાનું સામે આવ્યું છે.

નવલખી બંદરે 1200 ટન કોલસો ભરેલા બાર્જની જળસમાધિ અંગે ગુજરાત મેરિટાઇમ બોર્ડ મોરબીના અધિકારી નીરજ હિરવાણીનો તેમના મોબાઈલ ઉપર સંપર્ક કરવામાં આવતા નંબર સતત બંધ આવતો હતો. જયારે આ મામલે શ્રીજી શિપિંગ કંપનીના કર્મચારીનો સંપર્ક કરતા જગદીશભાઈ જોશીએ બાર્જ ડૂબી જવાની ઘટનામાં ખરાબ વાતાવરણ જવાબદાર હોવાનું સ્વીકાર્યું હતું.જો, કે આટલી મોટી દુર્ઘટના મામલે હજુ સુધી ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા જિલ્લા કલેક્ટરને પણ જાણ ન કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવલખી બંદરે શિપિંગ કંપની દ્વારા તમામ નીતિ નિયમો નેવે મૂકી કોલસાનું લોડિંગ અન લોડિંગ કરવામાં આવી રહ્યું હોય હાલમાં દરિયાઈ જીવ સૃષ્ટિનું નિકંદન નીકળવાની સાથે ચેરિયાના વૃક્ષોનો પણ સોથ બોલી રહ્યો છે ત્યારે શનિવારે આખે આખું કોલસો ભરેલું બાર્જ દરિયામાં ડૂબી જતા દરિયાઈ જીવસુષ્ટિ અને વનસ્પતિને કોલસાના પ્રદૂષણથી નુકશાન પહોંચવા મામલે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરુ કરાયો હોવાનું જાણવા મળે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/