સાદુંળકા ગામે વિરાંગનાં શિબિરમાં 12થી45 વર્ષની બહેનોને સ્વરક્ષણ માટે આપતી સઘન તાલીમ

0
65
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ નારી શક્તિ સમગ્ર માનવ સમાજ માટે અસ્મિતાનું પ્રતીક છે.પણ કેટલાક દુરાચારી અને ખરાબ માનસિક વૃત્તિ ધરાવતા લોકો મહિલાઓને હાનિ પહોંચાડે છે. સમાજમાં સ્ત્રી ગમે તેટલી આગળ વધી જાય છતાં તેને અસલામતીનો ભય સતાવતો જ હોય છે. આથી આજના જમાનામાં નારીને સ્વયં શિક્ષાની સાથે પોતાની સલામતી માટે સંરક્ષણની તાલીમ મલેવવી જરૂરી છે. આ માટે મોરબીના માતૃભૂમિ વંદનાં ટ્રસ્ટ અને આર્ય સમાજે બીડું ઉઠવ્યું છે અને તરૂણીથી માંડીને મોટી વયની મહિલાઓ સામાન્ય વસ્તુઓ અને શસ્ત્રથી તાલીમ મેળવીને સ્વરક્ષણ માટે સજ્જ થાય એ માટે સાદુંળકા ગામે આર્ય વિરાંગનાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આર્ય સમાજ દ્વારા દર વર્ષે આર્ય વીરાંગના શિબિરનું નિ:શુલ્ક આયોજન કરવામાં આવે છે. હાલમાં મોરબીમાં ચાલી રહેલી આર્ય વીરાંગના શિબિરમાં રાજ્યભરની 255 દીકરીઓ સ્વરક્ષણની તાલીમ મેળવી રહી છે. આર્ય વીરાંગના શિબિરમાં મહિલાઓને આત્મનિર્ભરતા અને આધ્યાત્મિકતાનું જ્ઞાન આપવામાં આવે છે. એટલે કે બહેનો-દીકરીઓને શારિરીક તાલીમની સાથે તેઓમાં ધાર્મિકતા વધે અને તેઓનો માનસિક વિકાસ થાય એવું પણ શિક્ષણ આપવામાં આવે છે. ખાસ કરીને અહીં મહિલાઓને સેલ્ફ ડિફેન્સ માટે રાઈફલ શૂટિંગ, લાઠી દાવ, તલવાર દાવ, છૂરી દાવ, જૂડો, કરાટે, તીરંદાજી શીખવાડવામાં આવે છે. તેમજ ભારતીય સંસ્કૃતિ અને આર્ય સમાજના ઇતિહાસ વિશે માહિતગાર કરવામાં આવે છે.

સમાજમાં છેડતી, દુષ્કર્મ, એસિડ એટેક, અપહરણ જેવા સ્ત્રીઓને હેરાનગતિનો ભોગ બનાવતા કિસ્સાઓ અવારનવાર બનતા હોય છે. આવી પરિસ્થિતિ ઉભી થાય ત્યારે ભોગ બનતી મહિલા પોતાની પાસે રહેલી બોલપેન, વાળમાં નાખવાની પિન, પર્સ, ઓઢણી જેવી સામાન્ય ચીજવસ્તુઓથી કઈ રીતે પોતાની જાતને સામેવાળાની ચુંગલમાંથી છોડાવી શકાય તેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમથી ભાગ લેનારી મહિલાઓમાં આત્મવિશ્વાસ કેળવાય છે. તેમજ તેઓ અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવા સક્ષમ બને છે.

શિબિર સંદર્ભે મહેશ ભોરણીયાએ જણાવ્યું છે કે આ શિબિરમાં તમામ સમાજની 12 વર્ષની દીકરીઓથી માંડી 45 વર્ષ સુધીના બહેનો ભાગ લઈ રહી છે. 255 મહિલાઓ પૈકી 95 જેટલી મહિલાઓ મોરબીની છે. ગત તા. 12થી શરૂ થયેલી શિબિર આગામી તા. 19 સુધી ચાલશે. તા. 18મીના રોજ સમાપન સમારોહમાં મહિલાઓ શિબિરમાં શીખેલા કરતબ રજૂ કરશે. મહિલાઓએ શિબિર દરમિયાન દરરોજ વ્હેલી સવારે 4 વાગ્યે ઉઠવાનું હોય છે. 11 વાગ્યા સુધી યોગ, ધ્યાન અને વ્યાયામ કરાવાય છે. બપોર બાદ તલવાર દાવ, રાયફલ શૂટિંગ, જૂડો સહિતની પ્રવૃત્તિઓ કરાવાય છે. બપોરના સમય દરમિયાન બૌધિક સત્રના ભારતીય સંસ્કૃતિ, આર્ય સમાજ, મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જીવન વૃતાંત, લવ જેહાદ જેવા વિષયોનું જ્ઞાન અપાય છે.વધુમાં, તેઓએ ઉમેર્યું છે કે અહીં કેમ્પસમાં આવેલી ગૌશાળાનું દૂધ વાપરવામાં આવે છે. દીકરીઓને શુદ્ધ આહાર મળે તે માટે ભોજનમાં મોટાભાગની વસ્તુઓ ઓર્ગેનિક હોય છે. અને ભારતીય સંસ્કૃતિ મુજબ પંગતમાં ભોજન પીરસવામાં આવે છે. તથા દીકરીઓ દરરોજ જાગરણ મંત્ર, ભોજન મંત્ર અને શયન મંત્ર બોલે છે. તથા તેઓને કર્મકાંડ પણ શીખવવામાં આવે છે. તેમજ શિબિરમાં સ્વયંસેવક તરીકે 10 લોકો સેવા આપી રહ્યા છે. અને દીકરીઓની સાર સંભાળ સાથે સુરક્ષાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/