મોરબી: પ્રાથમિક શિક્ષકોના 4200/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખને આવેદન

0
52
/

મોરબી : મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષકોના ૪૨૦૦/- ગ્રેડ પે બાબતે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર પ્રાથમિક શિક્ષકોને ૯ વર્ષની નોકરી પૂર્ણ થયા બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં ૪૨૦૦ ગ્રેડ પે આપવા બાબતે મોરબી તાલુકા ગ્રામ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી સંદીપ આદ્રોજા અને તેમની ટીમ તેમજ વર્ષ ૨૦૧૦ અને ત્યાર પછીની બેચના શિક્ષકોએ પોતાના હકની માંગણી માટે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટે મોરબી જિલ્લા ભા.જ.પ.પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

વધુમાં, જણાવ્યું છે કે ગુરૂ પરંપરાના આ રાષ્ટ્રમાં શિક્ષક સદાય આદરણીય રહ્યોં છે. શિક્ષક જ સમાજ અને રાષ્ટ્રનો સાચો રાહબર છે. વર્તમાન કોવિડ 19ની મહામારીમાં પણ અનેક શિક્ષકોએ તેમને સોંપેલ ફરજ દરમ્યાન પોતાના પ્રાણ અર્પિત કર્યા છે. “સૌનો સાથ,સૌનો વિકાસ” વર્તમાન સરકારનો મૂલમંત્ર રહ્યોં છે. પ્રાથમિક શિક્ષકને વર્ષોથી ૯,૨૦,૩૧ નું પગાર ધોરણ (૪૨૦૦,૪૪૦૦,૪૬૦૦ નો ગ્રેડ પે) મળતું આવ્યું છે. પરંતુ હાલ રાજ્યના શિક્ષણ અને નાણા વિભાગના એચ.ટાટ. અને કે.નિ.કેડરની બઢતી અંગેના વિસંગત ઠરાવોના કારણે વર્ષ ૨૦૧૦ થી અને ત્યાર પછીના સમયગાળામાં ફરજમાં જોડાયેલા અંદાજે ૬૫૦૦૦ જેટલા પ્રાથમિક શિક્ષકોને મળવાપાત્ર પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણનો ૪૨૦૦/- ગ્રેડ પે રદ કરી ૨૮૦૦/- ગ્રેડ પે કરેલ છે. શિક્ષકો સાથે થયેલો આ હળાહળ અન્યાય છે. “સમાન કામ,સમાન વેતન” નામદાર સુપ્રીમ કોર્ટનો આદેશ છે તો વર્તમાન સંવેદનશીલ સરકારમાં આ તો કેવી અસંવેદના? તેવો પ્રશ્ન છે.

આ ઉપરાંત, સરકાર સમક્ષ શિક્ષકોની એક જ વેદના અને માગણી છે. અન્ય રાજ્યોની જેમ આપણા રાજ્યમાં પણ પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો.માં ૪૨૦૦/- ગ્રેડ પે મળવો જોઈએ.અમારો હક અમોને પાછો આપો. ગતિશીલ ગુજરાતની વર્તમાન ગતિશીલ સરકાર શિક્ષકો સાથે થઈ રહેલા આ અન્યાયને ધ્યાને લઈ સૌ શિક્ષકોને તેમનો હક પાછો આપશે તેવા વિશ્વાસ સાથે રાઘવજીભાઈ ગડારાને મોરબીના સૌ પ્રાથમિક શિક્ષકો વતી અને તેમના માધ્યમ થકી શિક્ષકોની આ હકની માગણી અને લાગણી સરકારશ્રી સુધી પહોંચે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાઘવજીભાઈ ગડારા દ્વારા શિક્ષકોની આ ન્યાયિક માંગ ધ્યાને લઈ આ પ્રશ્નના નિરાકરણ માટે તેમના તરફથી અને સાંસદના માધ્યમથી સરકારશ્રીમાં નક્કર કાર્યવાહી અર્થે રજુઆત કરવામાં આવશે. તે બાબતનો વિશ્વાસ રજુઆતમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુદ્ધભટ્ટી)

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/