(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી : નવદંપતી વડીલોને પગે લાગીને આશીર્વાદ મેળવતા હોય ત્યારે ખાસ કરીને મહિલાઓ નવવિવાહીતાને પુત્રવતી ભવઃના આશીર્વાદ આપતી હોય છે. હિન્દૂ સનાતન ધર્મમાં પુત્રને કુટુંબનો તારણહાર ગણાવાયો છે. આથી જ પુત્ર પ્રાપ્તિની ઝંખના દરેક સ્ત્રી સેવતી હોય છે. ભારતીય સમાજમાં બાલ્યાવસ્થાથી જ પુત્ર-પુત્રી વચ્ચેની ભેદરેખા વર્ષો સુધી ખેંચાયેલી રહી. જો કે સમયના બદલતા પ્રવાહ સાથે શહેરી વિસ્તારોમાંથી આ વલણ બદલાયું અને હવે તો નાના નગરોમાં પણ પુત્ર-પુત્રી વચ્ચેની ભેદરેખા ટૂંકી થતી જાય છે. આજની દીકરીઓ પણ દિકરાથી સવાઈ થઈને કુળનું નામ રોશન કરતી થઈ છે. પુત્ર કરી શકે એવા દરેક કાર્યો કરીને પુત્રીઓ સમાજને નવો રાહ ચીંધી રહી છે.
ભારતીય સભ્યતામાં સ્ત્રીઓનો સ્મશાન પ્રવેશ વર્જ્ય માનવામાં આવતો હતો. મૃતક વ્યક્તિ પાછળ સ્ત્રીઓ માત્ર ગામના પાદર કે શેરીના નાકા સુધી જ જઈ શકતી હતી. જો કે આજે જમાનો બદલાયો છે. મોરબીમાં એક પિતાનું અવસાન થતા મૃતકની સાસરે વળાવેલી ચાર પુત્રીઓએ પિતાને કાંધ આપી કંધોતર બની હતી અને સ્મશાનમાં જઈ પિતા પાછળ પુત્રએ કરવાની અગ્નિદાહ આપવા સહિતની દરેક શાસ્ત્રોક્ત વિધિ નિભાવી હતી, કેમકે મૃતકને સંતાનમાં પુત્રીઓ જ હતી.
મોરબીના સામાકાંઠે સૂર્યકીર્તિ નગર-૨ ઋષિકેશ સ્કૂલ પાસે રહેતા બાલુભાઈ વિરજીભાઈ પરમારનું આજે અવસાન થયું હતું .તેમને સંતાનોમાં પુત્રન હોવાથી તેમની ચાર પુત્રીઓ રસિલાબેન દિનેશભાઈ મકવાણા (મોરબી), ઉષાબેન રસિકભાઈ ગોહિલ( જામનગર), પુષ્પાબેન ધનેશભાઈ સોલંકી (વીરપુર), ક્રિશ્નાબને ધર્મેશભાઈ ચૌહાણ (રાજકોટ)એ પોતાના પિતાને કાંધ આપી કંધોતર બની હતી. છેક સ્મશાન સુધી જઈ ચારેય પુત્રીઓએ દિવંગત પિતાની અગ્નિદાહ સહિતની તમામ અંતિમવિધિ પુત્રસમી બની નિભાવી હતી. કોરોનાની મહામારીમાં મર્યાદિત સંખ્યામાં ઉપસ્થિત ડાઘુઓએ સજળ નયને પુત્રસમી આ ચાર પુત્રીઓની પિતા-પરાયણતાને ખરા હૃદયથી સંસ્મરણમાં કાયમ માટે ભરી હતી.
દીકરો-દીકરી એક સમાનના સરકારી સૂત્રો દીવાલ પર ચીતરવા સહેલા છે પરંતુ વાસ્તવમાં સમાજમાં આવા પ્રસંગો જવલ્લે જ નિહાળવા મળતા હોય છે. ત્યારે સદ્દગતના આત્માના પરમ મોક્ષ માટે પુત્રસમી ફરજ નિભાવનાર ચાર દીકરીઓને લોકો ગર્વથી સલામ કરી રહ્યા છે. ચારેય પુત્રીઓએ સામાજિક સમરસતાનું, લિંગભેદ કરતા લોકોને જવાબ આપવાનું નોંધનીય પગલું ઉઠાવ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide