મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

0
1
/

[રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું પડે છે. છતાં પણ વારો આવશે કે નહીં આવે તેની કોઈ ગેરેન્ટી રહેતી નથી.

છેલ્લા ઘણા સમયથી રાજ્યભરમાં આધારકાર્ડની કામગીરીમાં લોલમલોલ ચાલી રહી છે. આ વિભાગ સ્થાનિક અધિકારીઓને પણ ગાંઠતો નથી. ઉપરાંત ડોક્યુમેન્ટની ક્ષતિઓને કારણે ધડાધડ ઓપરેટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે. જો કે આના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. હાલ મોરબીમાં આધારકાર્ડના ત્રણ મુખ્ય કેન્દ્રો કાર્યરત છે.વધુ વિગત આપતા વિનોદભાઈ પરમારે જણાવ્યું કે મોરબી સિટી મામલતદાર કચેરી અને પોસ્ટ ઓફિસ ખાતે સિટી વિસ્તારના અરજદારોનું આધારકાર્ડનું કામ કરવામાં આવે છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારના અરજદારોનું કામ તાલુકા સેવા સદન ખાતે કરવામાં આવે છે. દરરોજ મોરબી તાલુકા સેવા સદન ખાતે 100થી 200 જેટલા લોકો આધારકાર્ડનું કામ કરાવવા દૂર દૂરના ગામડાઓમાંથી આવે છે. સવારે 5 વાગ્યાથી અહીં લાઈન લાગવાનું શરૂ થઈ જાય છે. ટોકન 10:30 વાગ્યે આપવામાં આવે છે. જો કે માત્ર 40 થી 50 ટોકન જ આપવામાં આવે છે. એટલે બાકીના લોકોને વિલા મોઢે પરત જવું પડે છે. લોકો આધારકાર્ડના કામ માટે અહીં પરેશાન થઈ રહ્યા છે. તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/