જયસુખ પટેલને હાઇકોર્ટની ફટકાર: આતો અસરગ્રસ્તોને મદદ કરી એટલે, બાકી તમે આ કોર્ટમાં ઉભા પણ ન રહી શકો

0
197
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી ઝુલતા પુલ દુર્ઘટના મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં આજે રાજય સરકાર દ્વારા એકશન ટેકન રિપોર્ટ રજૂ કરાયો હતો. બીજી બાજુ, કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ઓરેવા કંપનીને પણ ફ્ટકાર લગાવતાં જણાવ્યું હતું કે, પીડિતોને વળતર ચૂકવ્યું એટલે તેની જવાબદારી કંઇ પૂરી થઇ જતી નથી. ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલના વકીલને હાઇકોર્ટે એટલે સુધી સાફ્ શબ્દોમાં સુણાવ્યું હતુ કે, તમે શું કર્યું છે, તેનો પણ તમને અંદાજ છે ખરો ? અસરગ્રસ્તોને તમે મદદરૂપ થઇ શકો એટલે તમને સાંભળવાનો મોકો આપ્યો છે, બાકી તમે આ કોર્ટમાં ઉભા પણ રહી શકો નહી. આમ, કહી હાઇકોર્ટે એક રીતે ઓરેવા કંપનીને સંકેત આપી દીધો હતો કે, તેણે વળતર ચૂકવ્યું એટલે તેની ગુનાહિત બેદરકારી કે જવાબદારીમાંથી મુકિત મળી જતી નથી

મોરબી દુર્ઘટના કેસની સુનાવણીમાં ઓરેવા કંપની તરફ્થી બચાવ કરાયો હતો કે, તેઓ હજુ પણ પીડિતો અને અસરગ્રસ્તો માટે જે કંઇ કરવાનું હશે તે કરવા તૈયાર છે પરંતુ જયારે પણ તેઓ પીડિતોનો એપ્રોચ કરે છે ત્યારે તેઓ તેમના પરત્વે નારાજગી અને અવગણનાનો વ્યવહાર કરે છે, જેથી કોર્ટે તેમને સંભળાવ્યુ કે, તેઓ તેમ કરે તે સ્વાભાવિક છે કારણ કે, તેમણે જે આઘાત અને પીડા સહન કરી છે તે ભૂલાય નહી તેવી છે તેથી તેમનું એવું વલણ સ્વાભાવિક કહેવાય. તમે વળતર ચૂકવી દીધુ એટલે તમારી જવાબદારી પૂરી થતી નથી. અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ અને તેમને જોઈતી મદદ માટેનો રિપોર્ટ તથા વિધવાઓને નોકરી બાબતે જરૂરિયાત અને નોકરી ન કરવા ઇચ્છતી વિધવાઓને માસિક વળતર ચૂકવવા બાબતનો રિપોર્ટ કલેકટર રજૂ કરશે તે બાબતે આર્થિક વળતર ચૂકવવાની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે તેમ પણ હાઇકોર્ટે જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/