જૂનાગઢ : તાજેતરમાં કેશોદમાં આજે વહેલી સવારે 2 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ અને ભારે પવનના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારે વરસાદને કારણે કેશોદના નીચાણવાળા વિસ્તારમાં 2થી 3 ફૂટ સુધી પાણી ભરાયા છે. તેમજ સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
કેશોદની નહેરૂનગર, જાગનાથ, વરૂડી મા મંદિર સહિતની સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ઘેડ પંથકને ધમરોળતી ઓઝત નદી બેકાંઠે વહી રહી છે. જિલ્લા તંત્ર દ્વારા ભારેથી અતિભારે વરસાદની અગાહીને કારણે કેશોદ તાલુકાના ઘેડ પંથકના માણેકવાડા, મઘરવાડા, ડેરવાણ બામણાસા, બાલાગામ, મૂળીયાસા, સૂત્રેજ, સરોડ, પંચાળા, અખોદડ, પાડોદર, મઢડા, જોનપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર
બગસરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. સુડાવડ ગામની સારણી નદીમાં પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા છે. સુડાવડથી લુંઘીયા ગામને જોડતો કોઝવે પર નીરના પાણી ફરી વળ્યાં છે. આ કોઝવે પર થોડીવાર માટે વાહન વ્યવહાર બંધ થયો હતો. ખેતરે જતા ખેડૂતો અને વાહનચાલકો અટવાયા હતા. કેટલાક લોકો જીવના જોખમે નદી પાર કરતા જોવા મળ્યા હતા. નદીના પાણી કોઝવે પર ફરી વળ્યાં છે
ગઢડામાં સાંબેલાધાર 6થી 8 ઈંચ વરસાદ પડ્યો
ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં 6થી 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. ગઢડાના ઈતરીયા, લીબાળી, વાવડી, રામપરા, રોજમાળ, કેરાળા સહિતના ગામડાઓમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. જેથી ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળા, ચેકડેમો છલકાઇ ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમા મુશળધાર વરસાદના પગલે ગઢડાની ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યુ હતું. જેથી ગઢડાથી જસદણ, રાજકોટ જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. જેને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ ઈતરીયા ડેમ ઓવરફ્લો થવાની શક્યાતાને લઈને નગરપાલિકાએ શહેરમાં રીક્ષા ફેરવીને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવેલ હતાં.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide