મહેસાણા: કડી મા યુવતીએ પૂર્વ પ્રેમી-બે મિત્રોની મદદથી પ્રેમીને પતાવી દીધો

0
53
/

મહેસાણા, કડીઃ સાણંદના ભાવનપુરના આધેડની હત્યા કરી કડી કેનાલમાં ફેંકી દેવાના બહુચર્ચિત હત્યા કેસમાં આધેડને પડોશમાં રહેતી તેનાથી અડધી ઉંમરની યુવતી સાથેનું પ્રેમ પ્રકરણ હત્યા માટે કારણભૂત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. છેલ્લા બે વર્ષથી લગ્ન માટે જીદ કરી બ્લેક મેઇલ કરતાં આધેડ પ્રેમીથી કંટાળેલી યુવતીએ તેના પૂર્વ પ્રેમી અને બે મિત્રો સાથે મળી તેનો કાંટો કાઢી નખાવ્યાનું બહાર આવ્યું છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી તપાસનો દોર લંબાવ્યો છે.
ભાવનપુરના 48 વર્ષના અનિલ પટેલની કરણનગર પાસે નર્મદા કેનાલમાંથી હત્યા કરેલી લાશ મળી આવવાના કેસમાં મહેસાણા ડીએસપી મનીષસિંહે એસઓજી, એલસીબી, પેરોલફર્લો અને કડી પીઆઇની ટીમો બનાવી તપાસ કરી હતી. જેમાં પીરોજપુરા પાટિયા પાસે જોગણી માતાના મંદિર પાસે બે યુવતીઓ સાથે યુવાન બેઠો હોવાની જાણ થતાં જ પોલીસ એકટીવ થઇ હતી અને મૃતક અનિલ પટેલના પડોશમાં રહેતી શ્વેતા જગદીશભાઇ પટેલ (23) અને તેના પ્રેમી શ્યામલ રમણિકભાઇ ગોસ્વામી (રહે.વડાવી)ને પકડી પૂછપરછ કરતાં ચોંકાવનારી હકીકત ખુલી હતી. જેમાં છેલ્લા બે વર્ષથી અપરિણીત અનિલ પોતાનાથી અડધી ઉંમરની શ્વેતાના પ્રેમમાં હતો અને તેની સાથે લગ્ન કરવા વારંવાર દબાણ કરતો હતો. આધેડ પ્રેમી દ્વારા બ્લેક મેઇલનો ભોગ બનતી શ્વેતાએ તેના પૂર્વ પ્રેમી શ્યામલ ગોસ્વામી, કિરણજી ઠાકોર અને ગામની મિત્ર શિવાંગી પટેલ સાથે મળી પૂર્વ પ્લાન મુજબ અનિલ પટેલને પિરોજપુરા બોલાવી હત્યા બાદ લાશ કેનાલમાં નાખી દીધાનું ખુલ્યું છે. પોલીસે હત્યાના ગુનામાં શ્વેતા જગદીશભાઇ પટેલ (રહે. ભાવનપુર), શ્યામલ રમણિકભાઇ ગોસ્વામી (રહે.વડાવી, તા.કડી), કિરણજી દશરથજી ઠાકોર (રહે.વડાવી) અને શિવાંગી ભરતભાઇ પટેલ (રહે.ભાવનપુર) સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.

હત્યારાઓએ હત્યાને આ રીતે અંજામ આપ્યો
શ્વેતા પટેલે તેના પ્રેમી શ્યામલ અને કિરણજીને ફોન કરી પ્લાન સમજાવ્યો હતો. જેમાં તે પિરોજપુરા પાટિયા અનિલને બોલાવી તેની ગાડીમાં મિત્ર શિવાંગી સાથે બેસશે અને શ્યામ અને તેનો મિત્ર કિરણજી બાઇક પર પાછળ આવશે. ગાડીમાં અનિલને વાતોમાં વાળીએ ત્યારે તેની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. પ્લાન મુજબ શ્વેતા ઘરેથી તેની મિત્ર શિવાંગી સાથે દવાખાને જવાનું કહી નીકળી હતી અને માર્ગમાં અનિલને ફોન કરી પિરોજપુરા પાટિયા બોલાવી તેમની ગાડીમાં બેસી કરણનગર પાસે લઇ ગયો હતો. ગાડી પાર્ક કરી અનિલ અને શ્વેતા જોગણી માતાના મંદિર પાસે અવાવરું જગ્યાએ વાતચીત કરતા હતા, તે સમયે પાછળથી આવેલા શ્યામલ ગોસ્વામીએ અનિલના માથામાં લોખંડની પાઇપના 3 ફટકા માર્યા હતા, જ્યારે કિરણજીએ તેના ગળામાં પેપર કાપવાની બ્લેડનો ઘસરકો મારી હત્યા કરી હતી.
શ્વેતા છેલ્લા એક વર્ષથી શ્યામલ સાથે ફોન પર સંપર્કમાં હતી
ભાવનપુરની શ્વેતા અગાઉ કડીમાં કોલેજ દરમિયાન શ્યામલ સાથે પ્રેમમાં પડી હતી, પરંતુ કોલેજ પૂર્ણ થતાં તેઓ 1 વર્ષથી મોબાઇલ પર સંપર્કમાં હતા. આ અરસામાં જ્ઞાતિના યુવાન સાથે સગાઇની વાત ચાલતી હોઇ આડખીલીરૂપ બનતા આધેડ પ્રેમીને મારવા શ્વેતાએ પ્રેમી શ્યામલનો ઉપયોગ કર્યો હતો. જ્યારે કિરણજીએ 15 દિવસ બાદ તેના લગ્ન હોઇ આર્થિક ભીડમાં રૂ.25 હજારની લાલચમાં હત્યામાં જોડાયો હોવાનું ખુલ્યું છે.
હત્યા બાદ શ્વેતા રાજીવનગર ઉતરી ગઇ હતી
અનિલની હત્યા બાદ લાશ પાછળની સીટમાં નાખી ગાડી કેનાલ પાસે લઇ જઇ કેનાલમાં ફેંકી શ્યામલ ગાડી કેટલેક દૂર મુકવા ગયો હતો. જ્યારે શ્વેતા અને તેની મિત્ર શિવાંગી કિરણજી સાથે બાઇક પર રાજીવનગર ઉતરી ગયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/