મોરબીમાં યંગ ઈન્ડીયા ગ્રુપે મદીના મસ્જિદમાં ઇફતાર પાર્ટી યોજી ભાઈચારાનું ઉદાહરણ પુરૂ પાડ્યું

0
426
/

મોરબીમાં દરેક પ્રસંગોની સેવાસભર ઉજવણી કરવા માટે જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ ભાઈઓને રોજાનુ ઈફતાર કરાવી ખુદાની બંદગી કરીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મુસ્લિમ ભાઈઓએ પણ ભાઈચારાની ભાવનાથી આ પ્રસંગને ભાવભેર માણ્યો હતો.ભારતના અનેક ધર્મોના સહઅસ્તિત્વમાં ઉપવાસ, સૌમ કે રોજા જેવી ધાર્મિક માન્યતાઓમાં પણ દેખાય છે. હિંદુ સમાજમાં શ્રાવણ માસ, જૈન સમાજમાં પર્યુષણ માસ અને મુસ્લિમ સમાજમાં રમજાન માસ આવા સુભગ સમન્વયની સાક્ષી પૂરે છે. ઉપવાસ, રોજા કે સૌમ એ મુખ્યત્વે શરીર અને આત્માની શુદ્ધિનો માર્ગ છે. વર્ષના ત્રણસો પાંસઠ દિવસોમાં માત્ર ત્રીસ રોજા ગુનાઓને ધોવા અને ખુદાની ઇબાદતમાં લીન થવા ઓછા છે. તેથી જ દરેક મુસ્લિમો દિવસોમાં નૈતિક મૂલ્યોના આચરણ સાથે નમાજ, જકાત-ખેરાત દ્વારા સવાબ (પુણ્ય) કમાવાનો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે.ગરીબ, ગુરબા અને જરૂરતમંદ ઇન્સાનોને રોજા છોડાવવામાં રહેલું પુણ્ય (સવાબ) અપાર છે. માટે જ ઇસ્લામના અનુયાયીઓ રોજો છોડવા મોટા ભાગે મસ્જિદમાં ખાદ્ય સામગ્રી લઇને જવાનું પસંદ કરે છે. જયાં ખુદાના તમામ બંદાઓ નાના-મોટા, અમીર-ગરીબ જેવા ભેદભાવોને ભૂલી જઇ એકસાથે ખુદાને યાદ કરે છે. અને એક જ થાળમાંથી રોઝાની સમાપ્તિ સમયે જમે છે.જાણીતા લેખક ગુણવંત શાહે રોજા અંગે કહ્યું છે કે “અલ્લાહના સાનિધ્યમા રહેવાનો પ્રયાસ એટલે રોજા” રમજાન માસ આત્મ અવલોકનનો એક સુંદર અવસર પ્રદાન કરે છે. જેથી મનુષ્ય અંદર રહેલી બૂરાઈને દૂર કરી શકે છે. જો દરેક વ્યકિત આ રીતે પોતાની બૂરાઈ પર વિજય મેળવે તો સમાજમાંથી આપો આપ બુરાઈનો ખાતમો થઈ જશે અને માનવતા અને ભાઈચારાનો ઉદય થશે.

ત્યારે મોરબીમાં સેવાકાર્યોમાં હમેશા અગ્રેસર રહેતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારીની આગેવાનીમાં રમઝાન માસ નિમિત્તે મકરાણીવાસની મદીના મસ્જિદમાં ૪૦૦ મુસ્લિમ બિરાદરોને રોજાનુ ઈફતાર કરાવીને ખુદાની બંદગી કરી ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિવિધતામાં એકતાના દર્શાવી સર્વ ધર્મ સમભાવનાની ભાવના પ્રગટ કરી હતી. જેનાથી ધાર્મિક સૌહાર્દનું વાતાવરણ ઉત્પન્ન થયું હતું.

આ ઇફ્તાર પાર્ટીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના યુનુસભાઈ શેખ, શૈલેષભાઈ રાવલ, ઇરફાનભાઈ બલોચ, નગરપાલિકા પ્રમુખ કેતનભાઇ વીલપરા, જીતુભાઈ રબારી, રમેશભાઈ કરોતરા, નિતેશભાઇ સતવારા, મહેશભાઈ તેમજ મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/