60નો દાયકો સમાપ્ત થયો ત્યારે 10થી 12 ફેકટરી હતી, વર્તમાન સમયમાં 120 ફેકટરી : છેલ્લા એક દસકથી એક પણ નવી ફેકટરી શરુ નથી થઇ
સમયાંતરે ઘડિયાળમાં ફેરફારો આવતા ગયા : ચાવી વારી કલોક, ટ્રાન્ઝિસ્ટ કલોક અને મ્યુઝીકલ કલોક બાદ હવે ભવિષ્યમાં બટન સેલ વાળી તેમજ સોલાર કલોક પણ આવશે
મોરબી : સમગ્ર દેશમાં ઘડિયાળ ઉદ્યોગના પાયા મોરબીમાં નખાયા હોય તેના અનેકવિધ પુરાવાઓ છે. હવે પ્રશ્ન એ પણ થાય કે ઘડિયાળ ઉદ્યોગ મોરબીમાં જ કેમ શરૂ થયો? તો તેની પાછળ કારણભૂત છે બે મિત્રો. આઝાદી પૂર્વે બે મિત્રોએ મળીને જાતે ઘડિયાળ બનાવી અને જોત જોતામાં ફેકટરી ખડકી દીધી. બસ ત્યારબાદ થોડા જ સમયમાં મોરબી ઘડિયાળનું પીઠું બની ગયું હતું.
છેલ્લા ઘણા વર્ષોથી ઘડિયાળ ઉદ્યોગ સાથે સંળાયેલા 80 વર્ષના જયસુખભાઇ દોશી ઘડિયાળના ઇતિહાસ વિષે જણાવે છે કે વાત જાણે આઝાદી પૂર્વેની વર્ષ 1945ની છે. મોરબીના ગ્રીન ચોકમાં સાંકળી શેરીમાં રહેતા બે મિત્રો ચંદુભાઈ ઘડિયાળી અને પોપટભાઈ મિસ્ત્રીએ એક વખત ઈંગ્લીશ મેગેઝીનમાંથી જોઈને એક ઘડિયાળ બનાવી. આ ઘડિયાળ પિતળની હતી અને આકારમાં મોટા ડબ્બા જેવી હતી. આ ઘડિયાળની ખ્યાતિ ખૂબ જ ઓછા સમયમાં ઠેર-ઠેર પ્રસરી ગઈ. બાદમાં 1960માં તેઓએ રતીભાઈ ઓઝા નામના શિક્ષકની સાથે મળીને એક સાયન્ટિફિક કલોક નામની ફેકટરી શરૂ કરી હતી.
ત્યારબાદ 1970 સુધીમાં મોરબીમાં 10થી 12 ઘડિયાળની ફેકટરી શરૂ થઈ ગઈ હતી. 1972 સુધી ચાવીવાળી ઘડિયાળ રહી હતી. બાદમાં અજંતા કલોકની સ્થાપના થઇ હતી. માર્કેટમાં 1975માં ટ્રાન્ઝિસ્ટ કલોક આવવાની શરૂ થઈ હતી. ત્યારબાદ અજંતાએ મ્યુઝીકલ કલોકની શરૂઆત કરી હતી. મોરબીની ઘડિયાળ 1965થી જ ગુજરાતના સીમાળા વટવા લાગી હતી. 1972માં તો દેશના સીમાળા વટીને અહીંની ઘડિયાળ ઈરાન પણ પહોંચતી થઈ હતી.
હાલની ઘડિયાળ ઉદ્યોગની સ્થિતિ જોઈએ તો હાલ 120 એકમો છે. જો કે કમનસીબે છેલ્લા દશકમાં એક પણ નવું એકમ શરૂ થયુ નથી. લોકડાઉન પૂર્વે અહીં દરરોજની દોઢ લાખ જેટલી ઘડિયાળો બનતી હતી. જે ઘટીને હાલ માત્ર વીસેક હજાર જેટલી થઈ ગઈ છે. આ ઉદ્યોગનું વાર્ષિક ટર્નઓવર 1200 કરોડનું હતું. જે લોકડાઉનને પગલે ઘટીને 200 કરોડએ પહોચ્યું છે. અહીં અગાઉ બુધવારે જ રજા રાખવામાં આવતી હતી પણ મંદીના મારના કારણે 80 ટકા ઘડિયાળ ઉદ્યોગ હવે બુધવાર ઉપરાંત રવિવારે પણ રજા રાકહી રહયા છે.
ઘડિયાળ ઉદ્યોગ મહિલાઓને રોજગારી આપવામાં રહ્યું છે સદા અગ્રેસર
મોરબીનો ઘડિયાળ ઉદ્યોગ મહિલાઓને રોજગારી આપવામાં અગ્રેસર રહ્યું છે. જેની નોંધ કેન્દ્ર કક્ષાએ પણ લેવામાં આવી છે. અહિના 120 એકમોમાં 20 હજાર જેટલા કર્મચારીઓ કામ કરે છે. જેમાં 16 હજાર જેટલા મહિલા કર્મચારીઓ છે. આમ આ ઉદ્યોગે જિલ્લાની મહિલાઓને પગભર બનાવવામાં જે સિંહફાળો આપ્યો છે તે અમૂલ્ય છે.
નહેરૂગેટ ચોકની ઘડિયાળ છેલ્લા 80 વર્ષ જૂની!
મોરબી શહેરના મુખ્ય વિસ્તાર ગણાતા એવા નહેરૂગેટ ચોકમાં વિશાળકાય ઘડિયાળ લગાવવામાં આવી છે. આ ઘડિયાળ 80 વર્ષ જુની છે. મોરબીમાં ઘડિયાળ ઉદ્યોગ સ્થપાયો ન હતો. આ ઘડિયાળ તે પૂર્વેની છે. જો કે આ ઘડિયાળ ક્યાંથી લઈ આવવામાં આવી હતી તેની કોઈ વિગત ઉપલબ્ધ નથી. આ ઘડિયાળનું સમયાંતરે રીપેરીંગ કરાવીને તંત્ર તેની જાળવણી પણ કરે છે.
જ્યાં ઘડિયાળ ઉદ્યોગ છે તે લાતી પ્લોટની હાલત અતિ બદતર!!
મોરબીનો ઔદ્યોગિક વિસ્તાર લાતી પ્લોટ વિસ્તારમાં મોટાભાગના ઘડિયાળ ઉદ્યોગ તેમજ તેને આનુસંગીક ઉદ્યોગો આવેલા છે. તેની હાલત હાલ બદતર છે. આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. એક તરફ દેશ- વિદેશમા મોરબીની ઘડિયાળ ડંકો વગાડી રહી છે. પરંતુ ઘડિયાળ ઉદ્યોગ જે વિસ્તારમાં છે તે વિસ્તારમાં પુરી સુવિધાઓ પણ ન હોય તંત્ર માટે શરમજનક વાત છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide