મોડીરાત્રે અને આજે સવારે વરસાદ શરૂ થતાની સાથે ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાયો : સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ઠેર ઠેર ગારા કીચડ અને પાણી ભરાયા : સામાન્ય વરસાદમાં પણ આવી કપરી સ્થિતિ થઈ તો ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે? તંત્ર શુ બોધપાઠ લેશે કે જવાબદારીને ઉલાળીયો કરશે ?
મોરબી : મોરબીમાં દરેક વખતની જેમ આ વખતે પણ તંત્રએ પાણી પહેલા પાળ બાંધવામાં ધોર લાપરવાહી દાખવતા આજે પડેલા માત્ર સામાન્ય વરસાદમાં પાલિકા તંત્ર અને વીજ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીને પોલ ખુલી ગઈ હતી. જેમાં ગત મોડીરાત્રે અને આજે સવારે સામાન્ય વરસાદી ઝાપટામાં પણ ખાસ્સો સમય સુધી વીજળી ગુલ રહેતા લોકો ભારે ત્રાહિમામ પોકારી ગયા હતા અને ઠેરઠેર ગારા કીચડ અને પાણી ભરાયા હતા. આ સાથે અનેક વિસ્તરોમાં ભૂગર્ભ ગટર છલકાવાની પણ સમસ્યા વકરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે સામાન્ય વરસાદમાં પણ આવી કપરી સ્થિતિ થઈ ગઈ હોય જો ભારે વરસાદ પડશે ત્યારે કેવી પરિસ્થિતિ થશે ? શુ તંત્ર બોધપાઠ લેશે કે પછી દરેક વખતની જેમ જવાબદારીનો ઉલાળીયો કરશે
જયારે આજે સામાન્ય વરસાદમાં વીજ તંત્રની ધોર લાપરવાહી સામે આવી હતી. ગત મોડીરાત્રે વરસાદ શરૂ થતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને ખાસ્સો સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહેતા લોકો ભારે ગરમીઅને બફારાથી અકળાઈ ઉઠ્યા હતા. આજે સવારે પણ સામાન્ય વરસાદ પડતાં જ ત્રણ કલાક જેવા સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જોકે વીજ તંત્ર હરહંમેશ વરસાદ શરૂ થાય ત્યારે વીજળી બંધ કરી દે છે.પણ હકીકતમાં કોઈ અઘટિત ઘટના ન બને તે પહેલાં વીજ તંત્રએ ખુલ્લેઆમ લબળતા વીજ વાયરો અને જોખમી વીજ પેટી માટે યોગ્ય કાર્યવાહી કરે તો વરસાદમાં વીજ પુરવઠો બંધ કરવાની જરૂર જ ન રહે. પણ વીજ તંત્ર આ પ્રિમોન્સૂન કામગીરી કરવમાં થાપ ખાઈ ગયું હોય એમ આજે સામાન્ય વરસાદમાં તેની ધોર બેદરકારી સામે આવી હતી. જોકે મોરબી જિલ્લો સૌથી વધુ કમાણી વીજ તંત્રને કરાવી આપે છે. ત્યારે વીજ તંત્રની જવાબદારી લોકોની સલામતી જળવાઈ રહે અને પૂરતો વીજ પુરવઠો મળે તેવી હોવી જોઈએ ,વીજ પોલમાં જે ખુલ્લા જીવિત વીજ વાયરો લટકે છે.તેને વ્યસ્થિત કરવા જોઈએ. સૌથી વધુ વીજળીનો વપરાશ કરતા મોરબી જિલ્લામાં વરસાદ પડે ત્યારે વીજ પુરવઠો ન ખોરવાઈ અને લોકોની સલામતી જાળવવા માટે વીજ તંત્રે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા જોઈએ. હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે.વરસાદની સિઝન જામે તે પહેલાં જરાય વિલંબ કર્યા વગર તંત્રએ વરસાદમાં લોકોને હાલાકી ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી જાગૃત નાગરિકોએ માંગ કરી છે.
મોરબી શહેરમાં સામાન્ય વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાવાની અને ગારા કીચડની સમસ્યા સર્જાય છે. આ સાથે ભૂગર્ભ ગટર પણ ચોકઅપ થતા અનેક જગ્યાએ ગટરો ઉભરાઈ રહી છે. આ હાલત માત્ર વરસાદી ઝાપટામાં છે ત્યારે જો 2 થી 4 ઇંચ વરસાદ થશે તો મોરબી શહેરની શું હાલત થશે ? ત્યારે આ મુદ્દાને મોરબી જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ગંભીરતાથી ધ્યાને લઇ “જાગ્યા ત્યારથી સવાર” સમજી તાકીદે યોગ્ય કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. તેમજ લોકોની હાલાકીના મુદ્દે નાની નાની વાતોમાં મોટા મોટા નિવેદનો કરતા બંને પક્ષના રાજકીય આગેવાનો પણ આગળ આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.