મોરબી: પીઝા, પાઉંભાજી, પાણીપુરી, ઢોસા, ઈડલી, બર્ગર અને મેગીવાળી રાખડીઓનો ટ્રેન્ડ

0
112
/

ફાસ્ટ-ફૂડવાળી રાખડીઓની સાથે લખાણવાળી અને કલાત્મક, ભાતીગળ રાખડીઓની પણ ભરમાર : બજારમાં સામાન્ય રીતે રૂ. 10થી રૂપિયા 600 સુધીની રાખડીઓ ઉપલબ્ધ

મોરબી : હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસ એટલે જીવ ને શિવ સાથે મિલનનો અવસર, ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવાનો માસ. સાથે ગૌરીવ્રત, રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોની ઉજવણીનો માસ પણ ખરો!

શ્રાવણ સુદ પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને રાખડીના તાંતણે જોડવાનો દિવસ એટલે રક્ષાબંધન. આ વર્ષે રક્ષાબંદાનધન 3 ઓગસ્ટના રોજ છે. એટલે કે હવે રક્ષાબંધનનો તહેવાર નજીક જ છે. ત્યારે બજારમાં બહેનો પોતાના ભાઈઓ માટે રાખડીની ખરીદી કરવા ઉત્સુક જોવા મળી રહ્યો છે.

પ્રવર્તમાન સમયમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. છતાં ભાઈ-બહેનનો થનગનાટ જરાય ઓછો જોવા મળતો નથી. આ વર્ષે મોરબીની બજારમાં ફાસ્ટ-ફૂડવાળી રાખડીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. આ સાથે વિવિધ લખાણવાળી રાખડીઓનો પણ ક્રેઝ જોવા મળી રહ્યો છે. બજારમાં ફાસ્ટ-ફૂડવાળી અને લખાણવાળી રાખડીઓ સાથે કલાત્મક અને ભાતીગળ ડિઝાઇનવાળી રાખડીઓની પણ ભરમાર છે. આમ, માર્કેટ રાખડીઓના ખજાનાથી ઝગમગી ઉઠ્યું છે. તેમ કહેવું જરાય અતિશયોક્તિ ન કહી શકાય

હાલમાં કોરોના વાયરસના કહેરને કારણે સ્વાભાવિક રીતે જ લોકો લારી-રેસ્ટોરન્ટમાં ખાણીપીણીનું નહિવત પસંદ કરે છે. ત્યારે જાણે લોકોએ ફાસ્ટ-ફૂડવાળી રાખડીઓ બજારમાં લાવીને જાણે મન ભરી લીધું હોય તેવું લાગે છે! મોરબીની બજારમાં પીઝા, પાઉંભાજી, પાણીપુરી, ઢોસા, ઈડલી, વડા, બર્ગર અને ખાસ કરીને મેગીવાળી રાખડીઓ જોવા મળી રહી છે. આવી રાખડીઓ બાળકો માટે વધુ પસંદ કરાય છે. વધુમાં, બાળકો માટે લાઇટિંગવાળી, ફોટાવાળી, કાર્ટૂનવાળી રાખડીઓ પણ ઉપલબ્ધ છે. ફોટાવાળી રાખડીઓમાં ભાઈ, બહેન કે ભાઈ-બહેનના સાથે ફોટોવાળી રાખડીઓ બનાવડાવામાં આવેલ છે.

આ ઉપરાંત, ભાઈઓને લગતા વિવિધ લખાણોવાળી રાખડીઓ પણ ટ્રેન્ડમાં છે. આવી રાખડીઓમાં ડીઅર બ્રો, પ્યારે ભૈયા, સેલ્ફી વાલા ભાઈ, લવ યુ, બ્રધર જેવા અનેક કેપશનના લખાણ હોય છે. આવી રાખડીઓ બહેનો ભાઈને નીતનવી રાખડી બાંધવાના હેતુથી વેપારીઓ પાસે બનાવડાવે છે. વધુમાં, પ્રાચીન ડિઝાઇનવાળી ચંદન, રુદ્રાક્ષ તથા મોતીના પારાવાળી રાખડીઓનો પણ અઢળક ખજાનો જોવા મળે છે. આ સાથે બજારમાં બહેનોએ પોતાની ભાભીને બાંધવાના આકર્ષક લુમ્બા પણ જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે બજારમાં સામાન્ય રીતે રૂ. 10થી રૂ. 600 સુધી કે તેથી વધુ કિંમતની રાખડીઓની ભરમાર છે.

મોરબી જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. તેવી કપરી પરિસ્થિતિમાં રક્ષાબંધન નિમિત્તે લોકો બજારમાં રાખડીઓનું ખરીદ-વેચાણ કરી રહ્યા છે. આ દરમિયાન માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને સોસીયલ ડીસ્ટન્સ જાળવવાનો શક્ય તેટલો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તેમજ સરકારની ગાઇડલાઇનને અનુસરવામાં આવી રહી છે. આમ, કોરોના વાયરસથી સાવચેતીના પગલાં સાથે લોકોમાં રક્ષાબંધનના પર્વને આવકારવા માટે આતુરતા જોવા મળી રહી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/