મોરબી: વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ યુવાનને પગારને બદલે મોઢામાં પગરખું લેવડાવ્યું

0
1373
/

વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા અને તેના ભાઈ સહિતના શખ્સોના કારનામા મામલે એટ્રોસીટી એકટ સહિતની કલમો મુજબ ગુન્હો નોંધાયો

મોરબી : મોરબીમાં પોતાને રાણીબા તરીકે ઓળખાવતી યુવતીએ પોતાને ત્યાં માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાનને 16 દિવસનો પગાર ન ચૂકવતા આ યુવાને પગાર માંગતા રાણીબા અને તેના ભાઈ સહિતની ટોળકીએ અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે ઢોર માર મારી રાણીબાએ પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવી માફી માંગતો વીડિયો ઉતારી લેતા આ ચોંકાવનારા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં ચકચાર જગાવનાર આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ ગાંધી સોસાયટીમાં રહેતા નિલેશભાઈ કિશોરભાઈ દલસાણીયા ઉ.21 નામના યુવાને આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત, ડી.ડી.રબારી તથા અન્ય અજાણ્યા શખ્સો રહે. બધા મોરબી વિરુદ્ધ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ નિલેશભાઈ તા.2 ઓક્ટોબરના રોજ રવાપર ચોકડી પાસે કેપિટલ માર્કેટના ચોથામાળે આવેલ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં માર્કેટિંગની નોકરીએ રહ્યો હતો, બાદમાં તા.18ના રોજ નિલેશભાઈને નોકરીએ આવવાની ના પાડવામાં આવી હતી. બીજી તરફ રેગ્યુલર ઓફિસના કર્મચારીઓને દર મહિનાની પાંચ તારીખે પગાર થઇ જતો હોય પરંતુ નિલેશભાઈનો પગાર તેમના ખાતામાં ન આવતા તા.6 નવેમ્બરના રોજ નિલેશભાઈએ આરોપી વિભૂતિ પટેલને ફોન કરીને પગાર માટે પૂછતાં વિભૂતિએ ઓફિસમાં જોઈને કહું તેવો જવાબ આપ્યો હતો.

બાદમાં નિલેશભાઈએ વિભૂતિ પટેલના ભાઈ ઓમ સાથે પગાર બાબતે વાત કરતા તેઓએ કહ્યું હતું કે હું બે ત્રણ દિવસ બહાર છું પરત આવું એટલે કેપિટલ માર્કેટની ઓફિસે પગાર લેવા બોલાવિશ તેવું કહેતા નિલેશભાઈ તેમના ભાઈ અને પાડોશી સાથે ત્યાં ઓફિસે જતા આરોપી ડી.ડી. રબારીએ નિલેશભાઈ સાથે રહેલા યુવાનને ફડકો મારી ત્યાંથી નીકળી જવાનું કહી આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત સહિતના લોકોએ નિલેશભાઈના વાળ પકડીને મોઢા ઉપર ફડાકા મારી ઓફિસની છત ઉપર લઇ ગયા હતા. જ્યાં નિલેષભાઈને આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મૂંઢ માર મારી નિલેશભાઈને આરોપી વિભૂતિ પટેલે પોતાનું ચપ્પલ મોઢામાં લેવડાવી જાતિ પ્રત્યે અપમાનિત કરી તમારા જેવા લોકોને કામે કોણ રાખે તેવું કહી આરોપી રાજ પટેલે બળજબરીપૂર્વક માફી માંગતો અને બીજો ખંડણી ઉઘરાવતો હોવાનું જણાવતો વીડિયો ઉતારી નિલેશભાઈને જેમફવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ઉલ્લેખનીય છે કે રાણીબા સહિતના તમામ આરોપીઓએ ફરિયાદી નિલેષભાઈને બેફામ માર મારતા નિલેશભાઈને હાલ મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહીત છ શખ્સો વિરુદ્ધ એટ્રોસિટી એકટની કલમો ઉપરાંત આઇપીસી કલમ 323, 504, 506 વગેરે મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/