દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની કફોડી હાલત
મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં વાયરલ બીમારીઓના દર્દીઓ ઉભરાયા છે. હાલ વાયરલ બીમારીએ ભરડો લેતા તાવ, શરદી, ઉધરસ સહિતની બીમારીઓના દર્દીઓનો સિવિલ હોસ્પિટલમાં ભારે ઘસારો રહે છે. દરરોજ 500 જેટલા દર્દીઓ આવતા હોય એની સામે ફક્ત એક જ દવા બારી હોવાથી દર્દીઓને ભારે હાલાકી થઈ રહી છે.દવા માટે કલાકો સુધી લાઈનોમાં ઉભું રહેવું પડતું હોવાથી અશક્ત વૃદ્ધોની હાલત કફોડી થઈ ગઈ છે.
મોરબી સિવિલ હોસ્પિટલમાં હમણાંથી વાયરલ ઇન્ફેક્શન જન્ય બીમારીઓ પ્રમાણ ઉતરોતર વધી રહ્યું છે. દરરોજના આવા 400થી 500 જેટલા દર્દીઓ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં આવે છે. જો કે આ તાવ શરદી ઉધરસ જેવી સામાન્ય બીમારીઓના દર્દીઓને ડોક્ટર પાસે નિદાન કરવામાં જરાય વાર નથી લાગતી. પણ દવા બારીએ દવા લેવા જવામાં ભારે વિલંબ થાય છે. એનું મુખ્ય કારણ એ છે કે દવા બારી એક જ છે. જો કે સામાન્ય રીતે પુરુષ અને સ્ત્રીની અલગ અલગ દવા બારી હોય છે. પણ સિવિલમાં એક દવા બારી હોવાથી ભારે અવ્યવસ્થા ઉભી થઇ છે.
સિવિલમાં દર્દીઓના ભારે ઘસારા સામે પુરુષ અને સ્ત્રીની અલગની જગ્યાએ એક જ દવા બારી હોવાથી દર્દીઓને કલાકો પછી છેક વારો આવે છે. તેમાંય બહારગામથી આવતા દર્દીઓને કલાકો સુધી ખોટી થવું પડે છે. તેમાંય અશક્ત વૃદ્ધો અને મહિલાઓને કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેવામાં ભારે પરેશાની વેઠવી પડે છે. બે અલગ અલગ દવા બારી હોય તો થોડીવારમાં દવા મળી જાય પણ એક જ દવા બારીને લીધે કલાકોનો સમય વેડફાય છે. લાઈનોમાં ઉભા રહેવાથી શરદી-ઉધરસના દર્દીઓને કારણે સંક્રમણ ફેલાતું હોવાની ભીતિ હોય આ અંગે તંત્ર યોગ્ય વ્યવસ્થા ગોઠવે તેવી માંગ ઉઠી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide