[રિપોર્ટ: અલનસિર માખણી] રાજકોટ : તાજેતરમાં શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે પાણી પીતા હોય કે નાસ્તો કરતા હોય ત્યારે પણ મનપાના કર્મચારી દુકાનમાં આવી દંડની પહોંચ પકડાવી જાય છે. હોબાળો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
કોરોના મહામારી વચ્ચે 1 ઓગષ્ટથી અનલોક-3 લાગુ થવાનો છે. હાલ ધંધા રોજગાર પાટે ચડયા છે પરંતુ મંદી હજુ યથાવત છે. એવામાં શહેરની ગુંદાવાડી બજારમાં માસ્કના દંડને લઇ વેપારીઓ પરેશાન થતા હોવાની ફરિયાદો ઉઠી છે. આજે બપોરે 12 વાગ્યા આસપાસ કેટલાક લોકો બજારમાં આવી વેપારીઓને માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે 25 જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ એકઠા થઇ ગયા હતા અને પહોંચ આપનાર ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઇડી પ્રુફ માંગ્યુ હતું.
જો કે તેઓ મનપાના કર્મચારી હોવાનો કોઇ આધાર રજુ ન કરી શકતા વેપારીઓએ હોબાળો આ દરમિયાન પહોંચ પકડાવનાર બે-એક લોકો ત્યાંથી નીકળી ગયાનું પણ જાણવા મળ્યું હતું. વેપારીઓએ ત્રણેય મહિલાઓને ત્યાં રોકી રાખી પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસ સ્ટાફે ઘટના સ્થળે આવી વેપારીઓ અને ટોળે વળેલા લોકોને વિખેર્યા હતા
અને વેપારી આગેવાન સાથે ચર્ચા કરી હતી. એવામાં મનપાના કોઇ અધિકારી આવી પહોંચ્યા હતા અને દંડ ફટકારવાની કાર્યવાહી કરનાર ત્રણેય મહિલાઓ મહાનગરપાલિકાના કર્મચારી હોવાનું સ્પષ્ટ કર્યુ હતું અને મામલો થાળે પાડયો હતો. જો કે દંડની કાર્યવાહી કરનાર મહિલાઓએ અગાઉ જ કહ્યું હતું કે દંડ ફટકારવાની કાર્યવાહી કરવા અમને મ્યુ.કમિશ્નરે આદેશ કર્યા છે, અમે અમારી કામગીરી કરીએ છીએ.
એક તબક્કે વેપારીઓએ ભારે દેકારો મચાવી દીધો હતો. જેથી દંડની કાર્યવાહી કરનારા કર્મચારીઓએ ચાલતી પકડી હતી. પોલીસની મઘ્યસ્થી બાદ વેપારી શાંત થયા હતા અને વેપારી સંગઠન દ્વારા મ્યુ.કમિશ્નરને રજુઆત કરવા જશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે શહેરની પરાબજાર લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, મોચી બજાર, ધર્મેન્દ્ર રોડ, બંગળી બજાર સહિતની માર્કેટના વેપારીઓમાં માસ્કના દંડને લઇ ફરિયાદો ઉઠી રહી છે. આગામી દિવસોમાં વેપારીઓ રોષ પૂર્વક તંત્ર સામે વિરોધ નોંધાવે તેવી ચર્ચા થઇ રહી છે.
‘શનિવારથી વેપારીઓને ત્રાસ અપાઇ રહ્યો છે’
ગુંદાવાડી બજારના એક વેપારી આગેવાને જણાવ્યું હતું કે ગત શનિવારથી રોજ અલગ-અલગ માણસો આવી વેપારીઓને માસ્કના દંડની પહોંચો આપે છે. દરરોજ સૌથી વધુ વેપારીને રૂા.200ની પહોંચ આપવામાં આવે છે. સંજોગ સ્થિતિ જોયા વગર સીધો ફોટો પાડી લેવામાં આવે છે.
કાર્યવાહીના નામે સીધા દુકાનમાં ઘૂસી જાય છે. વેપારીઓ હવે આ કાર્યવાહીથી ત્રાસી ગયા છે.
પાણી પીતા હોય ત્યારે પણ માસ્ક ન પહેર્યાનો દંડ કરે છે
ગુંદાવાડી વેપારી એસોસીએશનના આગેવાનોએ આજની ઘટના બાદ પોતાની વ્યથા ‘સાંજ સમાચાર’ સમક્ષ ઠાલવી હતી. વેપારીઓએ કહ્યું હતું કે છેલ્લા ચાર-પાંચ દિવસથી માસ્કના દંડના નામે જે કાર્યવાહી થઇ રહી છે તેનાથી વેપારીઓ ત્રાસી ગયા છે. આડેધડ સ્થિતિ-સંજોગ સમજયા વગર દંડ કરવામાં આવે છે.
પાણી પીતા હોય ત્યારે નાસ્તો કરતા હોય ત્યારે પણ સીધા દુકાનમાં ઘૂસી જઇ કર્મચારી પહોંચ આપે છે. મોઢે પરસેવો વળ્યો હોય ત્યારે સાફ કરવા માસ્ક ઉતારીએ તો પણ દુકાન પર આવી ચડી રૂા.200નો દંડ ફટકારવામાં આવે છે આ કાર્યવાહીથી વેપારીઓ પરેશાન છે.
‘દંડ નહી ભરો તો દુકાન સીલ કરીશુ’
‘સાંજ સમાચાર’ને વેપારીઓએ જણાવ્યું હતું કે દરરોજ આવી મનપાના કર્મચારી હોવાનું કહી દંડ ફટકારવામાં આવે છે. કોઇ રજુઆત સાંભળ્યા વગર સીધી રૂા.200ની પહોંચ પકડાવી દેવામાં આવે છે અને ચીમકી આપવામાં આવે છે કે નહી ભરો તો દુકાનોને સીલ પણ મારી દેવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide