[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: તાજેતરના ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં મોરબી પાલિકાને સરકાર દ્વારા 16મી પહેલા જવાબ આપવા કરેલી તાકીદની નોટિસને મોરબી પાલિકાના કાઉન્સિલરોએ હાઇકોર્ટમાં ગુપચુપ રીતે પડકારી અરજન્ટ સુનાવણીની માંગ કરતા નામદાર હાઇકોર્ટે આ અરજી ફગાવી દીધી હોવાનું સામે આવ્યું છે.
ભાજપ શાસિત મોરબી નગરપાલિકામાં ભાજપના જ સભ્યો વચ્ચે ખટરાગ ચાલી રહ્યો છે ત્યારે સરકારના શહેરી વિકાસ વિભાગે તા.13 ફેબ્રુઆરીએ આખરીનામું આપી સુપરસીડ કરવા સંદર્ભે 16 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા તાકીદ કરતા સુપરસીડથી બચવા મોરબી પાલિકાના કાઉન્સિલરો દ્વારા હાઇકોર્ટમાં ગુપચુપ અરજી કરી આંતરિક ખટરાગના કારણે જો સામાન્ય સભા ન મળે તે નોટિસનો જવાબ આપવા પૂરતો સમય આપવા માંગ કરી અરજન્ટ સુનાવણી કરવા ગુહાર લગાવી હતી
જો કે, નામદાર હાઇકોર્ટ દ્વારા મોરબી પાલિકાના કાઉન્સીલરોની માંગને ફગાવી દેવામાં આવી હતી અને જો સરકાર સુપરસીડનો હુકમ કરે તો ત્યાર બાદ કોર્ટ સમક્ષ આવવા કહ્યું હતું. નોંધનીય છે કે, ગઈકાલે મોરબી પાલિકાની સામાન્ય સભા મળી ગઈ છે અને હવે ભાજપના જ ચૂંટાયેલા બે જૂથ વચ્ચેનો ખટરાગ સામે આવી ચુક્યો છે અને સામાન્ય સભામાં બે એજન્ડા શાસકોના નિર્ણયથી વિપરીત રીતે બહુમતીથી મંજુર કરી પ્રમુખ અને તેમના ટેકેદારો સામે બહુમત સભ્યોએ બચાવ માટે અલગથી જવાબ રજૂ કર્યો છે ત્યારે આવનાર દિવસોમાં સરકાર કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide