ખુબ સરસ : ટંકારાના હડમતિયા ગામના વિધવા માતાના પુત્રએ GPSC ની પરીક્ષા ઉત્તીર્ણ કરી

0
692
/

ટંકારા: તાજેતરમા ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિધવા માતાનો પુત્ર કલાસ વન અધિકારી બનતા પરિવારમાં હર્ષ છવાયો છે. નાનપણથી જ પિતાની છત્રછાયા ગુમાવી બેઠેલી ત્રણ દિકરીઓ અને એક પુત્રની અશિક્ષિત એવી વિધવા માતાએ સંતાનોને માસ્ટર ડિગ્રી અપાવી છે. સાંપ્રત સમાજમાં પિતા વિનાના બાળકોને જીવનની કપરી પરિસ્થિતમાં પણ મક્કમ મનોબળ રાખીને ધ્યેય પ્રાપ્તિ સુધી પહોચવામાં સંઘર્ષ કરવા માટે પ્રેરણારૂપ એવો કિસ્સો સામે આવ્યો છે.

પિતા શબ્દ સાંભળતા જ મનમાં ઘેઘુર વડલાનું ચિત્ર ઉપસી આવે એવો વડલો કે જેના મુળીયા ખુબ ઉંડે સુધી પથરાયેલા હોય તેની ઘાટી ઘેઘુર છાયામાં પરિવાર પાવન નિશ્રા માણતો હોય બીજી તરફ કહીએ તો પિતા એટલે ઘરના બે છેડા ભેગા કરવા કાળી મજુરી કરવા વહેલી સવારે નિકળી પડતુ ચરિત્ર. અેક રીતે કહીએ તો પિતા ઘરનો મોભ છે. પિતાના કારણે ઘરમાં કલરવ હોય છે. માતાની આંખની ચમક પિતાને આભારી હોય છે. પિતા ઘરનું અંજવાળુ હોય છે. પિતા વિનાના ઘરની કલ્પના ભલભલાને ઘ્રૃજાવી દે છે. જ્યારે કોઈ દિકરી-દીકરા પરથી પિતાની છત્ર છાયા દૂર થઈ જાય કે કોઈ પરિણીત સ્ત્રીનું સિંદૂર ભૂંસાઈ જાય અને પરિવારનો માળો જ વિંખાઈ જાય ત્યારે એ પરિવાર પર શું વિતતી હશે એની તો કલ્પના જ કરવી અઘરી છે.

બે જીગરજાન મિત્ર શિક્ષક એવા હેમંતભાઈ સગર અને જેરાજભાઈનું 1992માં થયેલા એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યું નિપજ્યું હતું. અેમાના જેરાજભાઈ ડાકાના પુત્ર હિતેષભાઈઅે 2 વર્ષની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવી હતી. સમગ્ર ગુજરાત લેવલે તાજેતરમાં જ લેવાયેલી જીપીએસસી પરીક્ષાના 12 વિધાર્થીઓમાંથી 3ની જગ્યા ભરવાની હતી અને ત્રણમાં ટોપ પર રહી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (મિકેનિકલ), વર્ગ ‐ 1, નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના કલાસ-1ની અંતિમ પરીક્ષાના પરિણામમાં ટંકારા તાલુકાના હડમતિયા ગામના વિધવા માતાનો એન્જીનીયર પુત્ર ગુજરાત લેવલની જીપીઅેસસીની પરીક્ષામાં પાસ પણ થયો છે.

ટંકારાના હડમતિયા ગામના લેઉવા પટેલ પરિવારમાં છ વ્યક્તિનું કુંટુંબ ઘરાવતા હર્યાભર્યા પરિવારમાં મોભ સમાન પિતા જેરાજભાઈ દેવાભાઈ ડાકાનું ૧૯૯૨માં માર્ગ અકસ્માતમાં કરુણ મોત નિપજ્યું હતું ત્યારે નાનકડું ગામ પણ શોકમગ્નમાં ગરકાવ થઈ ગયું હતું. પરિવારમાં માતા સહિત ત્રણ દિકરીઓ અને એેક પુત્ર પર જાણે આભ તુટી પડ્યું હોય તેમ મોટીપુત્રી દક્ષાબેન ઉં-૬ વર્ષ, બીજી પુત્રી રશ્મિતાબેન ઉં-૪ વર્ષ, ત્રીજા ક્રમે પુત્ર હિતેષ ઉં-૨ વર્ષ, અને ચોથા ક્રમે પુત્રી પુનમબેન ઉં-૩ માસ હતી ત્યારે પિતાની છત્રછાયા, તો પત્નીએ સેંથાનું સિંદૂર ગુમાવ્યું હતું. પરિવાર પર આવી પડેલી કપરી પરિસ્થિતીનો માતા અને દિકરીઓએ સમય સાથે બાથ ભીડીને સામનો કર્યો હતો. જેમની ઉંમર માતાનો ખોળો ખુંદવાની હતી તેવા સમયે અભણ માતાને ખેતીકામમાં મદદ કરી આ ત્રણે બહેનોએ નાનકડા ભાઈનું પણ જતન કરવામાં પાછી પાની ન કરી અભ્યાસની સાથે ઘરની જવાબદારી પણ એટલી જ હતી. માતા અનસોયાબેન ડાકા કાળી રાત્રીના સમયે વન્યપ્રાણીઓના ડર વિના કડકડતી ઠંડીમાં ખેતરમાં પાણી વાળીને પોતાના સંતાનોને ભણાવ્યા. સમય જતા વયસ્ક થયા અને ત્રણ દિકરીઅોમાં પ્રથમ દક્ષાબેન M.A.B.ed, બીજી રશ્મિતાબેન M.A. ત્રીજી પુનમબેન B.A. P.T.C. અને નાનકડો ભાઈ હિતેષ B.E. Engineeringની પરીક્ષા પાસ કરી. હાલ અનસોયાબેન ડાકાએ ત્રણે પુત્રીઓને સાસરે વળાવી ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજમા પણ મોભો ઉંચો રાખ્યો છે.

કહેવાય છે કે માતાની અંત:નાભીથી નિકળેલ આશિર્વાદ વિફળ જતા નથી. અભણ છતાં શાણી માતાને ખબર હતી કે મારા સંતાનનો ઉદ્ધાર શિક્ષણ થકી જ થશે. ત્યારે અભણ માતાએ પુત્રને આશિર્વાદ આપતા કહ્યું હતું કે, બેટા તું મોટો ઈજનેર બનીશ. અભણ માતાની મુખે નિકળેલ ઈજનેરના આશિર્વાદ કુદરતે સાંભળી લીધા હોય તેમ પુત્ર હિતેષભાઈ હાલ જીપીએસસી એક્ઝામ, કોલેજના કેમ્પસ ઇન્ટરવ્યૂ બાદ એસ્સાર જેવી મોટી કંપનીમાં નોકરી કરી. ગુજરાત ગવર્મેન્ટની અનેક પરીક્ષાઅો આપ્યા બાદ આજે ક્લાસ- 1 અધિકારી તરીકે કાર્યપાલક ઈજનેર વર્ગ -૧ની પરીક્ષા ઉતિર્ણ કરી વિધવા માતાનું સ્વપ્ન પણ સાકાર કર્યું.

(રિપોર્ટ:રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/