જામનગર : મેડિકલ સ્ટોર્સ લોકોને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર શરદી-ખાંસીની દવાઓ ન આપે : કલેકટર

0
96
/

જામનગરમાં દિનપ્રતિદિન કોરોના સંક્રમણનો પગપેસારો વધી રહ્યો છે. એક સમયે જ્યારે જામનગરમાં માત્ર એક થી બે કેસની પરિસ્થિતિ જોવા મળી હતી ત્યારે આજે કોરોના સંક્રમણની બીમારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે આજે લગભગ રોજના  10 થી ૨૦ જેટલા સંક્રમિત દર્દીઓના કેસ ધ્યાનમાં આવી રહ્યા છે. હાલમાં જામનગરમાં કોરોના કેસોની કુલ સંખ્યા 480 એટલે કે 500 ની નજીક પહોંચી છે.તો હાલમાં જામનગરમાં કુલ એક્ટિવ કેસો 145 છે ત્યારે કલેકટર રવિશંકરે કહ્યું હતું કે, જો લોકો હજુ પણ સાવધાની નહીં રાખે તો ધીમે ધીમે પરિસ્થિતિ ખૂબ ગંભીર અવસ્થામાં પહોંચી જશે. કોરોના સંક્રમણના દર્દીઓની વધતી સંખ્યાના કારણે ટૂંક સમયમાં કદાચ હોટેલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રૂપાંતરિત કરવાની જરૂર પડી શકે છે. લોકો શરદી, તાવ, ઉધરસ જેવી બીમારીઓમાં 104 ની સેવા લઈ ઘરબેઠાં નિદાન જાણી શકે છે,

પરંતુ હાલમાં લોકો શરદી, ઉધરસ, તાવ જેવી બીમારીઓમાં મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ લે છે. જેના કારણે દર્દીની સાચી પરિસ્થિતિ વિશે જાણી શકાતું નથી. આ સમયે લોકો તબીબી સારવાર લે જેથી પ્રારંભિક તબક્કામાં જ જો સંક્રમિત વ્યક્તિને જાણી શકાશે તો તે વ્યક્તિ તાત્કાલિક સારવાર મેળવી ગંભીર અવસ્થામાં પહોંચતા અટકી જશે તે સાથે કલેકટરએ ઉમેર્યુ હતું કે, જામનગરમાં મૃત્યુદર પણ ખૂબ વધ્યો છે તેનું કારણ માત્ર છે કે લોકો આવી બીમારીઓમાં તબીબી સારવાર ન લેતા માત્ર મેડિકલ સ્ટોર્સ પરથી દવાઓ લે છે અને ખૂબ ગંભીર પરિસ્થિતિ સમયે હોસ્પિટલમાં આવે છે ત્યારે આ રોગથી બચી શકવાની અવસ્થાનો સમય ગુમાવી ચુક્યા હોય છે.આથી આ સમયે મેડિકલ સ્ટોર્સ/ફાર્મસીઓ પણ આવા કોઈ પણ દર્દીને તબીબી પ્રિસ્ક્રિપ્શન વગર દવા ન આપે તેવો અનુરોધ છે.

સાથે જ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે અને તેમાં તેમની આરોગ્ય ની માહિતી ચોકસાઈપૂર્વક ભરે અને સતત તેની માહિતી અપડેટ કરતા રહે તો એપમાં રહેલ સર્વેની માહિતીના આધારે તંત્રને પણ આ વિશે જાણ થશે અને તંત્રને જાણ થતાં જિલ્લામાં રહેલ ધન્વંતરી રથ દ્વારા આપને આપના દ્વારે જ આરોગ્યની સુવિધાઓ મળશે અને લોકોને ખૂબ ગંભીર પરિસ્થિતિ પહેલા જ જાણીને તાત્કાલિક સારવાર આપી શકાશે.આ સાથે જ કલેકટરએ જણાવ્યું હતું કે, જામનગરમાં હાલમાં ચા અને પાનની લારીઓ, ગલ્લા બંધ કરવામાં આવ્યા છે. આમ છતાં પણ લોકો હજુ પણ બેદરકાર બનીને રસ્તા પર ટોળા વળીને એકઠા થઈ રહ્યા છે. લોકો ચોક, શેરીમાં સોશિયલ ડિસ્ટંસ જાળવતા નથી જેના કારણે સંક્રમણ વધી રહ્યું છે. આ બેદરકારીના કારણે જામનગરમાં ખૂબ મોટા પાયે સંક્રમણ વધ્યું છે.ત્યારે લોકો ઘરમાં રહે અને સંપૂર્ણ તકેદારી રાખે.

આ સમયે જો કદાચ આજુબાજુમાં રહેલ કોઇ વ્યક્તિ પણ ધ્યાન રાખીને પડોશીઓ પણ આવી તકેદારીઓ ન રાખતા હોય તો તેવા લોકોનો બહિષ્કાર કરી તેમને પોતાનાથી દુર રાખી પોતે સ્વસ્થ રહે અને તેમને સમજ આપે. જેનાથી બેદરકારીથી દુર રહી સંક્રમણને અટકાવી શકાય.વળી આ રોગમાં સામાન્યતઃ જોવા મળ્યું છે કે, અચાનક જ લોકોના શરીરમાં ઓક્સિજનનું લેવલ ખૂબ નીચું ચાલ્યું જાય છે જેના કારણે લોકોને ગંભીર શારીરિક તકલીફો ઉત્પન્ન થાય છે. આ સમયે કલેકટરએ અનુરોધ કર્યો હતો કે, દરેક રેસિડેંસીયલ સોસાયટીઓ એકથી બે જેટલા પલ્સ ઓક્સીમીટર ખરીદીને રાખે અને સોસાયટીના દરેક સભ્યોને દિવસમાં એકવાર ખાસ સિનિયર સિટિઝનોનેપલ્સ ઓક્સીમીટર દ્વારા તેમના ઓક્સિજનનું લેવલ ચેક કરો. જો કોઈપણ વ્યક્તિનું ઓક્સિજન સેચ્યુરેશનલેવલ 95 થી ઓછું જણાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરો.

આ સાથે જ ફાર્મસીઓના માલિકોને પણ જિલ્લા સમાહર્તાએ વિનંતી કરી હતી કે, તેઓ પણ પોતાના વ્યવસાયના સ્થળે પલ્સ ઓક્સીમીટર વસાવે અને જે તે વ્યક્તિ ત્યાં વસ્તુ લેવા આવે છે. તેમના હાથ સંપૂર્ણ સેનેટાઈઝ કરી પલ્સ ઓક્સીમીટર દ્વારા તેમનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ જાણી ત્યારબાદ ફરી તેમના હાથ સેનેટાઈઝર કરવાની પ્રક્રિયા કરે તો દુકાને આવનાર વ્યક્તિ કોરોનાગ્રસ્ત હશે તો તે દુકાનના વ્યક્તિઓને અને જો સોસાયટીમાં રહેનાર હશે તો તે સોસાયટીને પણ સંક્રમિત કરી શકે છે ત્યારે આ પલ્સ ઓક્સીમીટર દ્વારા ઓક્સિજન લેબલ જાણી એસિમ્પ્ટોમેટીકદર્દીઓને પણ જાણી શકાય છે અને આ સંક્રમણ અટકાવી શકાય છે તેથી જામનગરના લોકો આ સંક્રમણને અટકાવવા સહકાર આપે તો આ કપરા કાળમાંથી બચી શકાશે તેમ જિલ્લા સમાહર્તાએ જણાવ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/