મોરબી માર્કેટિંગ યાર્ડમાં લલતીભાઇ કગથરાની પરિવર્તન પેનલ વિજય વાવટા ફરકાવવા કટિબદ્ધ

0
330
/

મોરબી : હાલ મોરબી માર્કેટિંગ યાર્ડમાં બે દાયકા બાદ આગામી તા.31 માર્ચના રોજ ચૂંટણી થવા જઈ રહી છે. બે દાયકાના એકચક્રી શાસનમાં મોરબી યાર્ડ સાથે સંકળાયેલા ખેડૂતોને સુવિધા મળતી ન હોવાના સુર સાથે લડાયક ધારાસભ્ય લલિતભાઈ કગથરા, જામનગર જિલ્લા બેંકના સુકાની જીવણભાઈ કુંભરવાડિયા અને સહકાર ક્ષેત્રના ભીષ્મપિતામહ વાઘજીભાઈ બોડાના પુત્ર દલસુખભાઈ બોડા સહિતના દિગજ્જ મહારથીઓ ખેડૂત પરિવર્તન પેનલ સાથે મેદાનમાં ઉતરતા સતાધારી જૂથના બિનહરીફ શાસન મેળવવાના સ્વપ્ન અધૂરા રહેવાની સાથે યાર્ડ કબજે કરવા સાંસદ અને કેબિનેટ મંત્રીની મદદ લેવી પડી છે જે બતાવે છે કે મોરબી યાર્ડની ચૂંટણીમાં આ વખતે પરિવર્તનનો વાયરો ફૂંકાશે.

વાર્ષિક 1000 કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતા મોરબી માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દાયકાથી ભાજપ પ્રેરિત સત્તાધીશોનો કબજો છે અને બે દાયકામાં બિનહરીફ હોદેદારો ચૂંટાતા રહ્યા છે. પરંતુ હવે જ્યારે નવા કૃષિ કાયદાથી માર્કેટિંગ યાર્ડનું અસ્તિત્વ ટકવા સામે જ સવાલો ઉભા થયા છે. ત્યારે મોરબી માર્કેટીંગ યાર્ડની આ ચૂંટણીમાં લોકસભા, વિધાનસભા જેવા માહોલ વચ્ચે મોરબી જિલ્લાના લડાયક ધારાસભ્ય લલિતભાઈ કગથરાએ પરિવર્તન લાવવાના દ્રઢ નીર્ધાર સાથે તમામ વિભાગોમાં પરિવર્તન પેનલને મેદાને ઉતારી છે. આ ઉપરાંત સહકારક્ષેત્રના ચાણક્ય ગણાતા વાઘજીભાઈ બોડા પણ સક્રિય બન્યા છે અને તેમના પુત્ર દલસુખભાઈ બોડાને યાર્ડની ચૂંટણીમાં મેદાને ઉતારવાની સાથે મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય નયનભાઈ અઘારા, અમુભાઈ હુંબલ, પ્રાણજીવનભાઈ કાવર, કેશવજીભાઈ કાસુન્દ્રા, હસમુખભાઈ ચાડમિયા, ગંગારામભાઈ બરાસરા, કાંતિલાલ વિડજા, ગણેશભાઈ સંઘાણી, ભરતભાઇ છત્રોલા, શશીકાંતભાઈ ઢેઢી, કિશોરભાઈ બાવરવા અને દિનેશભાઇ બોપલીયાને મેદાનમાં ઉતાર્યા છે.

મોરબી માર્કેટિંગ યાર્ડમાં સતા પરિવર્તન કરવા મન બનાવી ચૂકેલા ખેડૂતો, વેપારીઓ અને ખરીદ વેચાણ સંઘના મતદારો દ્વારા હાલમાં અકળ વલણ અપનાવવામાં આવ્યું હોવાથી છેલ્લા દિવસોમાં સતાધારી જૂથની ઊંઘ બગડી ગઈ હોવાના સંકેતો મળી રહ્યા છે અને એટલા માટે જ સાંસદથી લઈ રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયા પણ યાર્ડના ગ્રામીણ, ખેડૂત મતદારોને મનાવવા ઉપરા છાપરી બેઠકોનો દૌર યોજી રહ્યા છે. પરંતુ ખેડૂતો, વેપારીઓ અને સંઘ પરિવર્તન લાવવાના મૂડમાં હોય ધારાસભ્ય લલિતભાઈ કગથરાની લડત રંગ લાવી રહી છે.

હાલમાં મોરબી માર્કેટિંગ યાર્ડની સ્થિતિ જોઈએ મુખ્ય ઓફિસ સિવાય ક્યાંય પણ ખેડૂતો માટે કોઈ સુવિધાઓ વિકસાવવામાં સત્તાધીશો નબળા પુરવાર થયાની છાપ ઉપસી રહી છે અને પરિવર્તન પેનલ પણ આ મામલે સવાલો ઉઠાવી ચુકી છે. પરિવર્તન પેનલના આક્ષેપ મુજબ મોરબી યાર્ડના સતાધીશો 20 વર્ષના લગલગાટ શાસન બાદ પણ ખેડૂતો માટે સારા બાથરૂમ, પીવાના પાણીની વ્યવસ્થા પણ કરી શકી નથી. એથી ઊલટું અન્ય માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે આરામગૃહ, ભોજન સહિતની વ્યવસ્થાઓ છે.

ખાસ કરીને હાલમાં મોરબી પંથકના ખેડૂતોને ચણાનું બમ્પર ઉત્પાદન થવા છતાં ટેકાનાભાવે પ્રત્યેક ખેડૂત પાસેથી માત્રને માત્ર 51 મણ જેટલા જ ચણા ખરીદ કરવાના નિર્ણય તેમજ વખતો વખત ખેડૂતોને થતા અન્યાય બાબતે પણ યાર્ડ તરફથી ખેડૂતોના પ્રશ્ને અવાજ ઉઠાવવામાં આવતો ન હોય આવી અનેક બાબતોને લઈ ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.

મોરબી યાર્ડમાં ખેડૂતોની 10 બેઠક માટે 1468 મતદાર, વેપારી વિભાગની 4 બેઠક માટે 143 અને સહકારી વિભાગની બે બેઠકો માટે 35 મતદારો છે. આ સંજોગોમાં લાંબા સમય બાદ ખેડૂતોને પરિવર્તન કરવાનો મોકો મળતા આગામી તા.31 માર્ચના રોજ યોજાનારી ચૂંટણીમાં ખેડૂતોની સાથે સાથે વેપારીઓ અને ખરીદ વેચાણ સંઘના મતદારો પણ અલગ મિજાજ સાથે મતદાન કરવાના મૂડમાં હોય તેવા સંકેતો મળી રહ્યા છે. જો, પરિવર્તન થશે કે પુનરાવર્તન એ તો આગામી તા.1 એપ્રિલે મતગણતરી બાદ જ ખબર પડશે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/