હળવદ પાલિકાના કારોબારી ચેરમનના મિનરલ વોટરના કારખાનામાં ચાલતા જુગારધામપર દરોડો

0
40
/
મોરબી એલસીબી ટિમનો સપાટો : જુગારની રેડમાં 14 બોટલ વોડકા દારૂ પણ પકડાતા બેવડો ગુન્હો : દસ જુગારી પાસેથી રોકડા રૂ. ૨,૦૧,૦૦૦ સહિત રૂ. ૩,૩૩,૦૦૦નો મુદામાલ જપ્ત

મોરબી : હમણાં હમણાં ભાજપના નેતાઓની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે મોરબી એલસીબીએ સચોટ બાતમીને આધારે હળવદ સ્થાનિક પોલીસને અંધારામાં રાખી શહેરની મધ્યમાં હળવદ પાલિકાના કારોબારી ચેરમેનના મિનરલ વોટરના કારખાનામાં ધમધમતી જુગાર ક્લબ ઉપર દરોડો પાડી વગદાર ચેરમેન સહીત દસ જુગારીઓને રોકડા રૂપિયા બે લાખથી વધુ સાથે ઝડપી લીધા છે અને મજાની વાત તો એ છે કે કારોબારી ચેરમેનના કારખાનામાંથી રેઇડ દરમિયાન વોડકા દારૂની 14 બોટલ પણ મળી આવતા બેવડો ગુન્હો દાખલ કરાવી એલસીબી ટીમે 3,33,000નો મુદામાલ જપ્ત કર્યો હતો.

એલસીબી ટીમને પાકી બાતમી મળી હતી કે હળવદની મોરબી ચોકડી પાસે આવેલ ભારત પેટ્રોલપંપની પાછળ આવેલ માં બેવરેજીસ નામના મિનરલ વોરટરના કારખાનાની ઓફીસમાં આરોપી અશ્વીનભાઇ ઇશ્વરભાઇ દલવાડી (રહે. હળવદ) વાળો બહારથી માણસો બોલાવી ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડે છે.

જે આધારે એલસીબીએ દરોડો પાડતા (૧) અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા રહે. હળવદ (૨) જગદિશભાઇ અવચરભાઇ ઓડીયા રહે હળવદ (૩) દેવજીભાઇ કેશવજીભાઇ અઘારા રહે ઇશ્વરનગર તા.હળવદ (૪) હિતેષભાઇ ગણેશભાઇ પારેજીયા રહે હળવદ (૫) દેવજીભાઇ કાળુભાઇ ગોરીયા રહે જૂના દેવળીયા તા.હળવદ (૬) યશવંતભાઇ કાનજીભાઇ પારેજીયા રહે. હળવદ (૭) પ્રવિણભાઇ ધનજીભાઇ પ્રજાપતિ રહે. હળવદ (૮) બળદેવભાઇ ભીખાભાઇ કણજરીયા રહે, હળવદ (૯) યોગેશભાઇ વાલજીભાઇ સોનાગ્રા રહે ચરાડવા તા.હળવદ (૧૦) ચંદુલાલ ધરમશીભાઇ પંચાસરા રહે હળવદ વાળાઓ રોકડ રૂપીયા ૩.૨,૦૧,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કિ.રૂ. ૦૦/૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૧૦ કિ.રૂ.૩૨૦૦૦/- તથા મોટર સાયકલ કિ.રૂ.૧,૦૦,૦૦૦/ મળી કુલ રૂ. ૩,૩૩,૦૦૦/- ના મુદામાલ સાથે દશ આરોપીઓ રંગે હાથ ઝડપાય ગયા હતા.

આ ઉપરાંત, એલસીબી ટીમે કારખાના માલીક અશ્વીનભાઇ ઇશ્વરભાઇ કણજરીયા (રહે. હળવદ)ને સાથે રાખી કારખાનામાં તપાસ કરતા વોડકા ઇગ્લીંશદારૂની બોટલ નંગ ૧૪ કિ.રૂ. ૪૨૦૦ મળી આવતા તેના વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ અલગથી ગુનો રજીસ્ટર કરાવેલ છે.આમ મોરબી એલસીબીને જુગારધારાનો એક તથા ઇગ્લીંશ દારૂનો એક એમ બે ગુના શોધી કાઢવામાં સફળતા મળેલ છે.

ઉલ્લેખનીય છે કે માં મિનરલ વોટર નામનું કારખાનું ધરાવતા અશ્વિન કણઝારીયા હળવદ નાગરપલિકાના ચૂંટાયેલા સદસ્ય છે અને કારોબારી ચેરમેન તરીકેનો હોદ્દો પણ ધરાવે છે. ઉપરાંત, પક્ષમાં મોટાગજાનુ વર્ચસ્વ ધરાવતા હોય દારૂ જુગારના દરોડા બાદ મોટાગજાના નેતાઓએ પણ એડીચોટીની તાકાત લગાવી હતી પરંતુ કારી ફાવી ન હોવાનું સામે આવ્યું છે. જો કે લાંબા સમયથી અહીં મહેફિલો જામતી હોવા છતાં હળવદ પોલીસ કેમ આ ઓરખધંધો ન દેખાયો તે પણ વિચારવા જેવી બાબત છે જો કે એલસીબી ટીમે એક ઝાટકે કામગીરી કરતા કેટલાયને માઠું પણ લાગ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/