મોરબી જિલ્લામાં જુગારની પ્રવૃત્તિઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. મોરબી શહેર અને વાંકાનેર સીટી પોલીસની ટીમોએ જુદા-જુદા સ્થળોએ દરોડા પાડીને ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા તેમજ જાહેરમાં ગંજીપત્તા વડે હારજીતનો જુગાર રમતા શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે આ બંને દરોડા દરમિયાન રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પહેલા બનાવમાં, મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે નવા ડેલા રોડ ઉપર અશોક પાન પાસે દરોડો પાડ્યો હતો. ત્યાં ગુજરાત અને બેંગ્લોર વચ્ચે રમાઈ રહેલી આઇપીએલ ક્રિકેટ મેચમાં રન પર રૂપિયાની હારજીતનો જુગાર રમી રહેલા અસગર અબ્દુલભાઇ ચાનીયા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે, પકડાયેલ આરોપી અસગર મોરબીના વાઘપરામાં રહેતા કાનજી કોટેચાના કહેવાથી અન્ય એક શખ્સના મોબાઇલ નંબર ૮૫૧૧૨૬૫૭૫૯ પર રનફેરના સોદા લખાવી જુગાર રમતો અને રમાડતો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૪,૫૦૦ તથા રૂ. ૫,૦૦૦ ની કિંમતનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૯૫૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે બુકીઓ હાજર ન મળી આવતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.
બીજા બનાવમાં, વાંકાનેર સીટી પોલીસની ટીમે ચંદ્રપુર ગામની સીમમાં, જુનેજ અમીભાઇ પીંડારની વાડીના શેઢાની બાજુમાં જાહેરમાં દરોડો પાડ્યો હતો. જ્યાં ગોળ કુંડાળું વળીને ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો નસીબ આધારિત તીનપત્તીનો જુગાર રમતા અજમલ મામદભાઇ પીંડાર, રફીક ઉસ્માનભાઇ બાદી, મયુદીન અબ્દુલભાઇ પીંડાર, જુનેજ અમીભાઇ પીંડાર અને ઇસ્માઇલ અલીભાઇ કડીવાર (તમામ રહે. ચંદ્રપુર, વાંકાનેર) નામના પાંચેય શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી ગંજીપત્તાના પાના તેમજ રોકડા રૂ. ૧૪,૧૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને પાંચેય આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















