
વાંકાનેરના રાતાવીરડા ગામે રહેતા એક લેબર કોન્ટ્રાક્ટર યુવકને મજૂરોના પૈસા ચૂકવવા અને ભાઈની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાં ભારે પડ્યા હતા. ત્રણ વ્યાજખોરોએ યુવકને ઊંચા વ્યાજદરે નાણાં ધીરીને પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. વ્યાજખોરોએ યુવકને છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપી લાખો રૂપિયા તેમજ સોનાના દાગીના અને મોટરસાયકલ બળજબરીથી પડાવી લીધા હતા.
ઘટનાની વિગત મુજબ, રાતાવીરડા ગામે રહેતા ફરિયાદી પ્રવિણભાઇ હરખાભાઇ ઉકેડીયાએ અજય રમેશભાઇ અબાસણીયા, બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા અને હિતેશ મગનભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટર હોય એમને નાણાંની જરૂર પડતા તેમણે ગામના જ અજય રમેશભાઇ અબાસણીયા પાસેથી અલગ-અલગ સમયે રૂ. ૩,૦૦,૦૦૦ – ૩૦%, ૩૫% અને છેક ૧૨૦ % જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા. પ્રવિણભાઇએ વ્યાજ અને મુદ્દલ પેટે કુલ રૂ. ૩૦, લાખ ચૂકવી દીધા હોવા છતાં, આરોપી અજયે વ્યાજનું વ્યાજ ચડાવી વધુ ૮ લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ ના પાડતા અજયે તેમની ડોકે છરી અડાડી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રૂ. ૫ લાખ પડાવી લીધા હતા અને હજુ ૩ લાખ બાકી હોવાનું કહી ઘર વેચીને પણ પૈસા ચૂકવવા માંગણી કરી હતી.
આ ઉપરાંત, પ્રવિણભાઇએ લાકડધારના બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા પાસેથી માસિક પાંત્રીસ ટકાના વ્યાજે રૂ. ૧,૫૦,૦૦૦ લીધા હતા, જેની સામે ૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપી બીજલે વ્યાજનું વ્યાજ ચડાવી વધુ ૧,૨૦,૦૦૦ ની માંગણી કરી ફરિયાદી અને તેના બાળકોને મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીએ ડરાવી-ધમકાવીને રૂ. ૯૮,૬૮૧ ની કિંમતનું નવું સ્પ્લેન્ડર બાઇક હપ્તેથી લેવડાવી બળજબરીથી પડાવી લીધું હતું. જ્યારે ત્રીજા આરોપી મોરબીના હિતેશ મગનભાઇ પટેલે ફરિયાદીના પત્નીના બેંકમાં ગીરો પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. ૩,૫૬,૦૦૦ વગર વ્યાજે આપ્યા બાદ, પાછળથી ઊંચું વ્યાજ વસૂલવા દાગીના પોતે પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૮,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. આ મામલે વાંકાનેર તાલુકા પોલીસે ત્રણેય વ્યાજખોરો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















