અમદાવાદ: ફાયર NOC અને તેમાં પણ માસૂમ ભૂલકાં જ્યાં ભણે છે તે સ્કૂલોમાં ફાયર સેફ્ટી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અનેક વખત ટકોર કરી છે. આમ છતાં અમદાવાદ મ્યુનિ.નો (AMC) ફાયર વિભાગ અને શિક્ષણ વિભાગ બંને કુંભકર્ણ નિદ્રામાં છે. સુરત તક્ષશિલા બિલ્ડીંગના અગ્નિકાંડમાં 22 છોકરાઓના મોત બાદ પણ થોડોક સમય ફાયર NOC મામલે કાર્યવાહીનો ધમધમાટ ચાલ્યો હતો. પરંતુ હવે શિક્ષણ સંસ્થાઓ અને ખાસકરીને સ્કૂલોમાં ફાયર સેફ્ટી મામલે ફાયર જ નહીં, ખુદ શિક્ષણ વિભાગ પણ ઉદાસીન વલણ દાખવી રહ્યો છે. હજીયે અમદાવાદની અનેક સ્કૂલો પાસે ફાયર NOC નથી અને સ્કૂલો જીવતા બોમ્બ જેવી બની ગઈ છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આવી કેટલી સ્કૂલો પાસે ફાયર NOC નથી તે વિગત પણ ફાયર વિભાગ પાસે નથી.
સ્કૂલોએ ફાયર NOC માટે અરજી કરી નથી
અમદાવાદની સંખ્યાબંધ સ્કૂલો પાસે હજુ સુધી ફાયર NOC નથી. ઉપરાંત સ્કૂલોએ પણ ફાયર NOC માટે અરજી કરી નથી. આવામાં સ્કૂલો હવે ફરી ધમધમતી થઈ રહી છે ત્યારે ફાયર વિભાગ પણ માસૂમ ભૂલકાંની સુરક્ષા મામલે કોઈ કાર્યવાહી કરી રહ્યો નથી. આ કારણથી જ સ્કૂલોમાં બાળકોને જીવના જોખમે અભ્યાસ કરવા માટે જવા દેવાઈ રહ્યા છે. ફાયર NOCને લગતી કામગીરીની જવાબદારી ફાયર વિભાગની છે પરંતુ ખુદ ચીફ ફાયર ઓફિસરને જ ખબર નથી કે શહેરની કઈ સ્કૂલે હજુ ફાયર NOC મેળવી નથી. એટલું જ નહીં, પોતાની બેદરકારીને ઢાંકવા તેઓ આ માટે દોષનો ટોપલો જિલ્લા શિક્ષણાધિકારી (DEO) પર ઢોળી રહ્યા છે. બીજીતરફ DEOએ પણ કહી દીધું છે કે, ફાયર વિભાગ વિગતો આપે તો કાર્યવાહી કરવા તેઓ સંપૂર્ણપણે તૈયાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide