સાબરકાંઠા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના આઠ ખરીદી કેન્દ્રો શરૂ કરાશે

0
27
/

સાબરકાંઠા: તાજેતરમા જિલ્લામાં આ વર્ષે હજારો હેક્ટર જમીનમાં ચોમાસુ મગફળીનું વાવેતર કરાયા બાદ હવે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. જે મુજબ જિલ્લાના આઠ ખરીદ કેન્દ્રો પરથી મગફળી વેચવા ઈચ્છુક ખેડૂતો માટે તા.૧ થી ૨૦ આક્ટોમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાશે. જેના માટે ખેડૂતોએ કેટલાક આધાર પુરાવા પણ રજુ કરવાના રહેશે.

 સાબરકાંઠા જિલ્લા પુરવઠા નિગમના અધિકારી પીનાકીનભાઈ જાદવના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે લગભગ ૭૫ હજારથી વધુ હેક્ટર જમીનમાં ખેડૂતોએ ચોમાસુ મગફળીનું વાવેતર કર્યુ હતું. જોકે મોટાભાગના ખેડૂતોએ વહેલુ વાવેતર કર્યુ હોવાથી તે મગફળી પાકીને તૈયાર થઈ ગઈ છે. જેથી ખેડૂતોએ ખેતરોમાંથી મગફળી તૈયાર કરીને ઘરે લાવી દીધી છે.

ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે સાબરકાંઠા જિલ્લાના તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ઈડર અને વડાલી તાલુકામાં વધુ વરસાદ થયો હોવા છતા એકાંદરે મગફળીનો પાક સારો થયો છે. જોકે ખેડૂતોએ પોતાની જરૂરીયાતો ને ધ્યાનમાં રાખીને આ મગફળી સમયાંતરે વેચવાનું આયોજન કરી દીધુ છે. દરમિયાન રાજ્ય સરકારે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી છે.

જે મુજબ આજથી એટલે કે બુધવાર તા.૧ ઓક્ટોમ્બરથી ૨૦ તારીખ સુધી ખેડૂતો ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરવા માટે ઓનલાઈન નોંધણી કરાવી શકશે. જેના માટે ખેડૂતે આધારકાર્ડની નકલ, જમીનના ઉતારા, કેન્સલ ચેક, પાસબુક અને ગ્રામ પંચાયતમાંથી તલાટીએ પ્રમાણિત કરેલ પાણીપત્રકની નકલની કોપી નોંધણી વખતે રજુ કરીને પોતાનો મોબાઈલ નંબર આપવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે આ વખતે ટેકાના ભાવે સરકાર ધ્વારા ખરીદાનારી મગફળીનો પ્રતિ ક્વિન્ટલનો ભાવ રૂ.૫૨૭૫ રહેશે. જે મુજબ ૨૦ કિલોનો ભાવ રૂ.૧૦૫૫ થી સરકાર ખરીદી કરશે. ત્યારબાદ ગત વર્ષની જેમ મગફળી વેચનાર ખેડૂતના ખાતામાં સીધી ચુકવણી કરવાનું આયોજન કરી દેવાયુ છે. પુરવઠા નિગમના અધિકારીના જણાવાયા મુજબ હાલ નિગમ પાસે પુરતો સ્ટાફ ન હોવાથી તે અંગે તાજેતરમાં સાબરકાંઠાના કલેક્ટર સાથે થયેલી ચર્ચા મુજબ અન્ય વિભાગના કર્મચારીઓની મદદ લેવાનું નક્કી કરાયેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/