વાંકાનેર તાલુકા પોલીસે મની લેન્ડ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને લાયસન્સ વગર ઊંચા વ્યાજદરે નાણાં ધીરધાર કરી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ ઇસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા છે. મુદલ અને વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં બળજબરીપૂર્વક વાહન અને સોનાના દાગીના પડાવી લેનાર આ ત્રણેય વ્યાજખોરો પાસેથી પોલીસે વાહનો પણ કબ્જે કર્યા છે.
ઘટનાની વિગત મુજબ, રાતાવીરડા ગામે લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા પ્રવિણભાઇ હરખાભાઇ ઉકેડીયાએ મજૂરોને ચૂકવવા અને ભાઈની સારવાર માટે અલગ-અલગ આરોપીઓ પાસેથી ઊંચા વ્યાજદરે નાણાં લીધા હતા. જેમાં તેમણે અજય રમેશભાઇ અબાસણીયા પાસેથી રૂ. ૩,૦૦,૦૦૦ અલગ-અલગ સમયે ૩૦%, ૩૫% અને ૧૨૦% જેવા મસમોટા વ્યાજદરે લીધા હતા, જેની સામે રૂ. ૩૦ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ બળજબરીથી રૂ. ૫ લાખ પડાવી લીધા હતા. આ જ રીતે બીજલ ઉર્ફે ભોજાભાઇ બેચરભાઇ ગીંગોરા પાસેથી માસિક ૩૫% વ્યાજે રૂ. ૧,૫૦,૦૦૦ લીધા હતા, જેની સામે ૫ લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપીએ વધુ રૂ. ૧,૨૦,૦૦૦ ની માંગણી કરી રૂ. ૯૮,૬૮૧ ની કિંમતનું નવું સ્પ્લેન્ડર બાઇક બળજબરીથી પડાવી લીધું હતું. જ્યારે ત્રીજા આરોપી હિતેશ મગનભાઇ પટેલે ફરિયાદીના પત્નીના બેંકમાં ગીરો પડેલા સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. ૩,૫૬,૦૦૦ આપ્યા બાદ, પાછળથી ઊંચું વ્યાજ વસૂલવા માટે તે દાગીના પોતે પડાવી લીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી રૂ. ૮,૦૦,૦૦૦ ની પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી.
આ અંગે ભોગ બનનારે ફરિયાદ નોંધાવતા ત્રણેયની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. ૯૮,૦૦૦ ની કિંમતનું મોટરસાયકલ અને રૂ. ૩,૦૦,૦૦૦ ની કિંમતની સ્વિફ્ટ કાર (નંબર GJ-36-AJ-6096) મળીને કુલ રૂ. ૩,૯૮,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ગીરવે મૂકેલા અન્ય દાગીના મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide



















